મોદી, રામલાલ ચૂનીલાલ (જ. 27 જુલાઈ 1890, પાટણ; અ. 14 જુલાઈ 1949, રાજકોટ) : ગુજરાતના ઇતિહાસ અને મધ્યકાલીન સાહિત્યના વિચક્ષણ સંશોધક અને સમીક્ષક. તેમનો જન્મ દશા વાયડા વણિક કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ ચૂનીલાલ નરભેરામ અને માતાનું નામ જડાવ હતું. ગુજરાતમાં પરમ વૈષ્ણવ તરીકે જાણીતા થયેલા કેશવલાલ ઈશ્વરદાસ તેમના મામા હતા. એમના ધાર્મિક વિચારો ઉપર મામાની ઊંડી અસર હતી. 1908માં તેમણે પાટણ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી. વડોદરા રાજ્યના કેળવણી-ખાતામાં તેમણે ઊંઝા અને ચાણસ્માની મિડલ સ્કૂલના હેડમાસ્તર તરીકે સેવાઓ આપી હતી. ચાણસ્માથી તેમની પાટણ હાઈસ્કૂલના શિક્ષક તરીકે બદલી થયા પછી મૃત્યુ પર્યંત એ જગ્યા પર રહ્યા હતા. પાટણના વતની હોઈ તેઓ સ્થાનિક ગ્રંથકારો અને કવિઓ માટે વિશેષ મમત્વ ધરાવતા હતા.
જૂની ગુજરાતી તથા ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમણે ઉપયોગી કાર્ય કર્યું છે. ગુજરાતના આ વિચક્ષણ સંશોધકે કેટલાક ગ્રંથો ઉપરાંત 150 જેટલા સંશોધનાત્મક અને માહિતીથી ભરપૂર લેખોમાં રજૂ કરેલી હકીકતો ગુજરાતના સાહિત્ય અને ઇતિહાસના અભ્યાસીઓ માટે પ્રમાણભૂત હોવાને કારણે ઉપયોગી પુરવાર થઈ છે.
‘ગુજરાતી શબ્દકોશ’ એ નામનો તેમનો પ્રથમ લેખ (1909) ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયો હતો. એ પછી તેમના અનેક લેખો જુદાં જુદાં માસિકો અને અઠવાડિકોમાં પ્રગટ થયેલા છે. ચાવડાઓ વિશે સાતમી સાહિત્ય પરિષદમાં લખેલો નિબંધ તેમજ ‘પ્રેમાનંદનું શિષ્યમંડળ’, ‘સાચું સ્વપ્નનું અવલોકન’, ‘હેમચંદ્ર, ઇતિહાસકાર’, ‘ધર્મારણ્યમાં ઐતિહાસિક તત્વ’ – એ તેમની વિવેચનપદ્ધતિના સુંદર નમૂનાઓ છે. ‘હેમચંદ્ર, ઇતિહાસકાર’ નિબંધમાં તેમણે ‘દ્વયાશ્રય કાવ્ય’ દ્વારા મૂળરાજ સોલંકીથી માંડીને કુમારપાળ સુધીનો ગુજરાતનો ઇતિહાસ આલેખનાર આચાર્ય હેમચંદ્રનું ઇતિહાસકાર તરીકે મૂલ્યાંકન કર્યું છે. 1945–50 દરમિયાન ઇતિહાસ-સંશોધન માટે નર્મદ સાહિત્યસભા તરફથી તેમને મરણોત્તર નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો.
મધ્યકાલીન કવિ ભાલણ વિશે તેમણે શાસ્ત્રીય રીતે લખેલું ‘ભાલણ’ (1919) ચરિત્ર ગુજરાતીમાં રચાયેલ પ્રાચીન કવિચરિતનો ઉત્તમ નમૂનો છે. ‘કવિ ભાલણકૃત બે નળાખ્યાન’(1924)નું સંશોધન કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી તેમને રૂ. 101/-નું પારિતોષિક મળ્યું હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા) તરફથી સોંપવામાં આવેલ ભાલણ, વિષ્ણુદાસ, શિવદાસ એ જુદા જુદા ત્રણ કવિઓનાં ‘જાલંધર આખ્યાન’ (1932) એમનાં શાસ્ત્રીય સંપાદનો છે. ‘ભાલણ ઉદ્ધવ ભીમ’ (1945) તથા ‘સંસ્કૃત દ્વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ’ (1942) જેવાં પુસ્તકો ઐતિહાસિક મીમાંસા તથા ઇતિહાસની વિગતોના શાસ્ત્રીય સંકલનના ગણનાપાત્ર પ્રયાસો છે, સંસ્કૃત વાયુપુરાણના સંપાદન તથા એની ઐતિહાસિક પ્રસ્તાવના દ્વારા એમણે પોતાની જ્ઞાતિનો સામાજિક અને ધાર્મિક ઇતિહાસ આલેખ્યો છે. ‘મુઘલ રાજ્યવહીવટ’ (1942) એ સર જદુનાથ સરકારના ‘Mughal Administration’ પુસ્તકનો અનુવાદ હોવા છતાં રાજ્યવ્યવસ્થાની પરિભાષા શિષ્ટ ગુજરાતીમાં ઉતારવાના પ્રયાસ તરીકે અગત્યનો છે. ‘પાટણ-સિદ્ધપુરનો પ્રવાસ’ (1919) એમનો પ્રવાસ-વિષયક ગ્રંથ છે.
તેમણે 1909થી 1949 સુધી સતત 40 વર્ષ ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસની ઉત્તમ સેવા બજાવીને સાચા વિદ્યાવ્યાસંગી તરીકેનું જીવન વ્યતીત કર્યું હતું.
કાનજીભાઈ પટેલ