મોદિયાનો, પૅટ્રિક (Modiano, Patrick)

February, 2002

મોદિયાનો, પૅટ્રિક (Modiano, Patrick) (જ. 30 જુલાઈ 1945, બોલોગ્ને, બિલાંકોટે, ફ્રાંસ) : 2014નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રાંસના નવલકથાકાર. તેઓ પૅટ્રિક મોદિયાનો તરીકે વધારે જાણીતા છે. તેમનાં સાહિત્યિક લખાણોના 30 કરતાં પણ વધારે ભાષામાં અનુવાદ થયા છે. નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયા પછી તેમની નવલકથાઓના અંગ્રેજીમાં અનુવાદ થયા હતા.

પૅટ્રિક મોદિયાનો

પૅટ્રિકનો જન્મ પૅરિસના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગ્રામીણ પરગણામાં યહૂદી-ઇટાલીના મૂળના આલ્બટે મોદિયાનોને ત્યાં થયો હતો. તેમની માતા લુઇસા કોલ્પેયન બેલ્જિયન અભિનેત્રી હતાં. બાળપણમાં તેમનો ઉછેર નાના-નાનીને ત્યાં મોસાળમાં થયો હતો. ત્યાં જ તેઓ સૌથી પહેલાં ફ્લેમિશ ભાષા શીખ્યા હતા. પિતાની અનુપસ્થિતિ અને માતાને વારંવાર બહાર જવાનું થતું હોવાથી તેમનાથી બે વર્ષ નાના ભાઈ રુડી સાથે રહેવાનું વધારે બનતું. સંજોગોવશાત્ રુડીનું નવ વર્ષની વયે જ અચાનક અવસાન થયું હતું. તેમણે પોતાનું 1967થી 1982 સુધીનું લેખનકાર્ય તેમના ભાઈ રુડીને સમર્પિત કર્યું છે. તેમના એ કરુણ દિવસોને યાદ કરીને તેનું જે આલેખન કર્યું છે, તે ‘અન પેડિગ્રી’ (un Pedigree) (2005) નામથી પ્રગટ થયું છે. હું આત્મકથા લખી શકું તેમ નથી. તેથી આને હું ‘પૅડિગ્રી’ કહું છું. આ પુસ્તકમાં મેં શું કર્યું તેના કરતાં વધારે બીજાઓએ, મુખ્યત્વે મારાં માતાપિતાએ મારા માટે શું કર્યું તે જણાવવાનો પ્રયત્ન છે.

તેમણે શરૂઆતનું શિક્ષણ જૌય-એન-જોસસની ઇકોલે-દ-મોન્ટ્સેલ (Ecole du Montcel) પ્રાથમિક શાળામાં લીધું હતું. તેમણે કૉલેજનું શિક્ષણ હૌતે-સવોઇઓમાં આવેલી સંત જૉસેફ-દ-થૉનેસમાં લીધું હતું. પછી પૅરિસમાં લિસી હેનરી- માં દાખલ થયા હતા. તેમની માતાના મિત્ર પાસેથી તેઓ ભૂમિતિ શીખ્યા હતા. 1964માં તેમણે માધ્યમિક શાળાની છેલ્લી પરીક્ષા પાસ કરી. તેમની ઇચ્છા ન હોવા છતાં તેમના પિતાએ તેમનું નામ આગળ ભણાવવા માટે સોર્બેન્જોમાં દાખલ કરાવ્યું. તેથી તેમણે વર્ગમાં હાજર રહેવાનું છોડી દીધું. પરિણામે તેમણે એ સમયે કોઈ પદવી મેળવી નહોતી.

1968માં 22 વર્ષની ઉંમરે તેમણે પ્રથમ નવલકથા ‘લ પ્લેસ-દ-લ’ઇટોઇલે’ (La Place de L’Etoile) પ્રગટ કરી હતી. તેમાં યુદ્ધ સમયની યહૂદીઓની યાતનાની રજૂઆત છે. આ કથા વાંચીને તેમના પિતાને એવો તો અણગમો થયેલો કે તેમણે બજારમાં હોય તે બધી જ નકલો ખરીદી લેવાનો પ્રયત્ન પણ કરેલો. આ નવલકથાને બે ઇનામો મળ્યાં હતાં. આ કથામાં તેમણે ભૂતકાળની પલાયનવાદની બીક, નીતિમત્તાનાં મૂલ્યોની મર્યાદા અને આત્માના પડછાયામાં થતાં કૃત્યોની વાત આલેખી છે.

1970માં તેમનાં લગ્ન ડોમિનિક જેહર્કુસ્સ સાથે થયાં હતાં. તેમને ઝીના અને મેરી નામે બે દીકરીઓ છે.

1973માં તેમણે બીજા સાથે મળીને એક ફિલ્મની પટકથાનું આલેખન કર્યું હતું. એ ફિલ્મમાં ફાસીવાદી વિચારસરણી ધરાવનાર વિદ્યાર્થીને ફ્રેંચ પ્રતિકારક બળે કેવી રીતે બહાર કાઢી મૂકે છે તે દર્શાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ મુખ્ય પાત્રના રાજકીય કાર્યોને કારણે વિવાદાસ્પદ બની હતી. 2010માં જ્યારે તેમની પહેલી નવલકથા જર્મન ભાષામાં પ્રગટ થઈ ત્યારે તેમને ત્યાં ઇનામ પ્રાપ્ત થયું હતું. ત્યાંના રેડિયો-સ્ટેશન દ્વારા આ પુસ્તકને મોટી કત્લેઆમની કથા તરીકે વર્ણવવામાં આવ્યું હતું. 2015માં આ નવલકથા બીજી બે યુદ્ધ સમયની નવલકથાઓ સાથે અંગ્રેજીમાં ‘ધ ઓક્યુપેશન ત્રિઓલૉજી’ (The Occupation Trilogy) તરીકે પ્રગટ થઈ હતી.

તેમની દરેક નવલકથામાં અસ્તિત્વની ઓળખ માટેનો સંઘર્ષ જોવા મળે છે. તેમની નવલકથાઓમાં સ્વપ્નિલ દૃશ્યો સાથે કવિત્વસભર આલેખન હોય છે. તેમણે બાળકો માટે પણ લખ્યું છે. ફ્રાંસના સાહિત્યનું મૂલ્યાંકન કરવા તથા પુરસ્કાર આપવા માટેની સમિતિના આઠ સભ્યોમાં તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 1983થી 2004 દરમિયાન તેમની ચાર નવલકથાઓ પરથી ચિત્રપટો બન્યાં છે. તેમણે લુઈસ મલે, પાસ્કલ ઓબિયાર અને જીન-પૉલ સાથે ત્રણ ચિત્રપટ કથાઓ પણ લખી છે.

તેમની પાસેથી ત્રીસ કરતાં વધારે પુસ્તકો મળ્યાં છે. તેમની પ્રથમ નવલકથાને ‘પ્રિક્સ ફીનિયોન’ (Prix Fenion) અને ‘પ્રિક્સ રોજર-નિમિયેર’ (Prix Roger-Nimier) પુરસ્કાર 1968માં પ્રાપ્ત થયા હતા. તેમને અન્ય કેટલાંક સન્માન-પુરસ્કારો પણ મળ્યાં હતાં : તેમની નવલકથા ‘મિસિંગ પર્સન’ (Ruedes boutiques obscures; અંગ્રેજી અનુવાદ–Missing Person)ને 1978માં ‘પ્રિક્સ ગોંકૌટ’ (Prix Goncourt) ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1972માં તેમને ‘લેસ બૌલેવર્ડ્સ દ સેન્ચ્યુરી’ (Les Boulevards de ceinture) નવલકથા માટે ફ્રાંસની એકૅડેમીનો પુરસ્કાર મળ્યો હતો. 2010માં તેમને ઇન્સ્ટિટ્યૂટ દ ફ્રાંસ તરફથી જીવનભર સાહિત્યની સેવા માટે અને 2012માં તેમને ઑસ્ટ્રિયન સ્ટેટનું યુરોપિયન સાહિત્ય માટેનું ઇનામ પ્રાપ્ત થયું હતું.

કિશોર પંડ્યા