મોદી, પીલુ (જ. 14 નવેમ્બર 1926; અ. 29 જાન્યુઆરી 1983, દિલ્હી) : જાણીતા રાજકારણી, સાંસદ અને સ્થપતિ. પિતા હોમી મોદી અને માતા જરબાઈ. પ્રારંભિક અને કૉલેજ-શિક્ષણ મુંબઈમાં મેળવ્યું અને ત્યારબાદ કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી સ્થાપત્યના વિષયમાં એમ.આર્ચ.ની પદવી હાંસલ કરી.
ભારત આવી 1951થી ’53નાં વર્ષો દરમિયાન વિશ્વના જાણીતા ફ્રેંચ સ્થપતિ લા કાર્બુઝિયે સાથે ચંડીગઢ યોજનામાં કામ કર્યું અને 1953થી સ્વતંત્ર રીતે સ્થપતિનો વ્યવસાય આગળ ધપાવ્યો. સ્થપતિ હોવાને નાતે કળાના ચાહક, સંગ્રાહક અને કદરદાન હતા. પારસી હોવાને નાતે ઊંચી કક્ષાની વિનોદવૃત્તિ અને મિલનસાર સ્વભાવ તેમની લાક્ષણિકતાઓ હતી. જાહેર જીવનના પ્રશ્નોમાં ઊંડો રસ લેવાની વૃત્તિ તેમને રાજકારણમાં ખેંચી લાવી. 1967થી ’77 સુધી બે મુદત માટે તેમણે ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા મતવિસ્તારનું સાંસદપદ શોભાવ્યું અને ભારતીય લોકદળ પક્ષનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. પંચમહાલ મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી હાર્યા છતાં હજારો માણસોએ તેમને રેલવે સ્ટેશને અશ્રુભીની વિદાય આપી હતી. દિલ્હીના વસવાટ દરમિયાન મિલનસાર સ્વભાવને કારણે તેમણે બહોળું મિત્રવર્તુળ રચ્યું. સામ્યવાદી પક્ષે તેમના પર સી.આઇ.એ. એજન્ટ હોવાનો આક્ષેપ મૂક્યો, ત્યારથી તેઓ તેમના ગળામાં ‘હું સી.આઇ.એ. એજન્ટ છું’ એ પ્રકારનું લખાણ લટકાવીને ફરતા હતા. આક્ષેપની હાંસી ઉડાડવાનો આ અનોખો તરીકો તેમની વ્યાપક ખેલદિલીની અભિવ્યક્તિરૂપ હતો. રાજકીય હરીફો સાથે પણ ઉષ્માપૂર્ણ વ્યવહાર અને સદભાવભર્યા સંબંધો – એ તેમની વિશિષ્ટતા બની રહ્યા.

પીલુ મોદી
બહુમુખી વ્યક્તિત્વ અને વિનોદી સ્વભાવ છતાં તેઓ એક નિષ્ઠાવાન અને નિસબત ધરાવતા સાંસદ હતા. પંડિત જવાહરલાલ નહેરુએ અપનાવેલી સમાજવાદી નીતિઓ સમયાતીત થઈ ગઈ છે એમ લાગતાં સ્વતંત્ર પક્ષના સ્થાપક સભ્ય ને સાંસદ બન્યા તેમજ થોડો સમય સ્વતંત્ર પક્ષના પ્રમુખ રહ્યા. સ્વતંત્ર પક્ષ કાલગ્રસ્ત થયા બાદ તેઓ જનતા પક્ષમાં જોડાયેલા અને તેના શાસનકાળ દરમિયાન આ પક્ષના મહામંત્રીનું પદ તેમણે શોભાવ્યું. તેઓ રાજકીય જીવનમાં શુદ્ધતા અને મૂલ્યોના આગ્રહી હતા. તેમનું વ્યક્તિત્વ પક્ષથી પર રહેનારું, નિતાન્ત રાષ્ટ્રપરક હતું. સોળ માસ સુધી કટોકટી દરમિયાન તેમણે કારાવાસ ભોગવ્યો, પણ એ વિશે કટુતાભરી ફરિયાદ ક્યાંય કરી નહિ. કટોકટી બાદ ટૂંકી ગણતરીવાળા અને માંહોમાંહે મોરચો માંડી અહમ્ ધરાવતા રાજકારણીઓ અને વિવિધ પક્ષોને એક કરવાનું કપરું કાર્ય પાર પાડનાર મુઠ્ઠીભર દૂરંદેશી ધરાવતા રાજકારણીઓમાંના તેઓ એક હતા. તેમના પરિચયમાં આવનાર સૌ તેમને ‘અજાતશત્રુ રાજકારણી’ તરીકે ઓળખતા હતા. 1977 પછીના ભારતના કથળતા રાજકીય જીવનથી તેઓ વ્યથિત હતા. ‘માર્ચ ઑવ્ નેશન’ ટ્રસ્ટના એક ટ્રસ્ટી તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી.
પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફિકારઅલી ભુટ્ટો સાથે તેમને બાળપણની મૈત્રી હોવાથી તે મૈત્રીનાં સંસ્મરણો આલેખતો ગ્રંથ ‘ઝુલ્ફી, માઇ ફ્રેન્ડ’ તેમણે પ્રકાશિત કર્યો હતો.
રક્ષા મ. વ્યાસ