મોદી, જગજીવનદાસ દયાળજી (જ. 16 ડિસેમ્બર 1871, ફોફળિયા, ડભોઈ; અ. 4 માર્ચ 1954, વડોદરા) : ગુજરાતી લેખક-કવિ. દલપતરામની કવિતાના પ્રભાવે અને પંડિતયુગની સાહિત્યવિભાવનાની અસર તળે એમની સાહિત્યપ્રવૃત્તિ વિકસી. એમની અલ્પવયે પિતાનું અવસાન થતાં માતા ડાહીગૌરી સાથે મિયાંગામમાં વસવાટ. ત્યાં ધોરણ 4 સુધી અભ્યાસ. પછીનું શિક્ષણ વડોદરામાં. એ સમયની ટ્રેનિંગ સ્કૂલમાંથી પ્રથમ વર્ષની મધ્યમપદની અને ઉત્તરપદની પરીક્ષાઓ ઊંચા ગુણે પાસ. સંસ્કૃત, મરાઠી, બંગાળી, હિન્દી અને અંગ્રેજી ભાષાનો પણ અભ્યાસ. ત્યારબાદ ગણદેવીની પ્રાથમિક શાળામાં શિક્ષક. આજીવન શિક્ષણક્ષેત્રે કાર્યરત રહ્યા. પછી વડોદરા રાજ્યના શિક્ષણખાતામાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર. 1929માં ‘પુરુષ અધ્યાપન પાઠશાળા’ના પ્રાધ્યાપક; 1934માં નિવૃત્ત. ત્યારબાદ વડોદરાની નગરપાલિકામાં 2 વર્ષની મુદત સુધી સભ્ય તરીકે ચૂંટાયેલા. આમ, વડોદરાના જાહેર જીવન સાથે પણ એમનો નાતો જીવંત રહ્યો. એમના અવસાન બાદ વડોદરાની નગરપાલિકાએ એ જ્યાં રહેતા હતા તે વિસ્તારનું સાક્ષર શ્રી જગજીવનદાસ મોદી ચોક એવું નામાભિધાન કર્યું. વડોદરા સાહિત્ય સભા સાથે પ્રેમાનંદનું નામ જોડાયું તે જગજીવનદાસ મોદીના આગ્રહથી.
પૂર્વસૂરિ અને સમકાલીન સર્જકોની છાયા તળે એમણે કાવ્યલેખન કર્યું. એમાં છંદની સફાઈ નોંધપાત્ર છે. મહદ્અંશે એમણે પ્રકૃતિ અને પરમેશ્વરને વિષય બનાવીને કાવ્યગૂંથણી કરી હતી. સમાજચિંતન અને દેશપ્રેમ એમની કવિતામાં દેખાય છે. ‘સ્તવનમંદાર’ એમનો કીર્તન- સંગ્રહ છે. ઉપદેશાત્મક કાવ્યો ‘સામાજિક હિતબોધ’માં સંગૃહીત થયેલાં છે. શાળાની વિદ્યાર્થિનીઓ માટેનો કાવ્યસંગ્રહ ‘ક્ધયાસંગીતમાળા’ છે. કાન્તનાં ખંડકાવ્યોની અસરથી એમણે ‘રમણરસિકા’ નામના ખંડકાવ્યની રચના કરી હતી. એમાં વિવિધ છંદો પ્રયોજેલા છે. 700 પંક્તિના દીર્ઘકાવ્ય ‘મેઘોપાલમ્ભ’માં છપ્પનિયાના દુકાળનું વર્ણન છે. આ રચના એમણે ગઝલ-સાખીના મિશ્રબંધમાં કરી છે. ‘મણિભાઈ-વિરહ’ નામનું વિરહકાવ્ય રચ્યું છે. રુચિરા છંદમાં એમણે ‘રુચિરા રામાયણ’ નામક કાવ્યરચના કરી છે, જે રામાયણનો સંક્ષેપ છે. એમણે ‘વેતાલ પંચવીશ’ નામક ગ્રંથનું સંપાદન કરેલું છે. દયારામ અને ગિરધરનાં ચરિત્રો લખેલાં છે. ઐતિહાસિક સંશોધનને લગતું પુસ્તક ‘લાલના માંડવાનો ઇતિહાસ’ છે. ‘વડોદરાનો વૈભવ’ એ વડોદરાની પરિચયાત્મક પુસ્તિકા છે. એમણે વરદકાન્ત મજુમદારની બંગાળી નવલકથાનો ‘સુભદ્રા’ નામે અનુવાદ કર્યો હતો. એ રીતે તત્કાલીન સિદ્ધ સાહિત્ય-સર્જકોની છાયા તળે એમની સાહિત્યપ્રવૃત્તિ ગતિમાન રહી હતી.
પ્રફુલ્લ રાવલ