મોદી, જેસિંગ પી. (જ. 18 જૂન 1875; અ. 19 જૂન 1954) : તબીબી શિક્ષણ, તબીબી ન્યાયવિદ્યા અને વિષવિદ્યા(toxicology)ના નિષ્ણાત. તેમણે તબીબી શિક્ષણ, શસ્ત્રક્રિયા તથા તબીબી ન્યાયવિદ્યા (medical jurisprudence), મેડિકલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા તથા ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનમાં પ્રદાન કરીને એક ગુજરાતી તરીકે ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.

તેઓ મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં તબીબીવિદ્યાના સ્નાતક થયા અને ઇંગ્લૅન્ડ જઈને તેમણે એડિનબરો વિશ્વવિદ્યાલયમાં ત્રણ ડિપ્લોમા પ્રાપ્ત કર્યા. ત્યારબાદ તેઓ અમદાવાદ તબીબીવિદ્યાની પ્રૅક્ટિસ માટે આવ્યા; પરંતુ ટૂંક સમયમાં જ તેઓ ઉત્તર પ્રદેશની સરકારી સેવામાં જોડાયા અને આગ્રા ખાતે આરોગ્યલક્ષી અંગત સફાઈ (શૌચવિદ્યા, hygiene), તબીબી ન્યાયવિદ્યા, રસાયણવિદ્યા અને ભૌતિક વિદ્યાના શિક્ષક બન્યા. તેમના જ્ઞાન અને સમજણને કારણે તેમનું ઘણું માન હતું. સન 1918માં તેઓ લખનઉ ગયા અને ત્યાં સત્તર વર્ષ રહ્યા. ત્યાં તેમણે કે. જી. મેડિકલ કૉલેજમાં તબીબી ન્યાયવિદ્યાના વ્યાખ્યાતા, ઔષધવિદ્યા અને તબીબી ન્યાયવિદ્યાના પ્રાધ્યાપક અને ત્યારબાદ 14 વર્ષ માટે તબીબી ન્યાયવિદ્યાના રીડર તરીકે સેવાઓ આપી. પાછળથી તેઓ 10 વર્ષ માટે ઉત્તર પ્રદેશ સરકારના તબીબી ન્યાયવિદ્યાના નિષ્ણાતપદે રહ્યા.

જેસિંગ પી. મોદી

લખનઉમાંના વસવાટ દરમિયાન તેઓ કિંગ જ્યૉર્જ હૉસ્પિટલની સંચાલન સમિતિના મંત્રીપદે તથા હૉસ્પિટલના સહાયક-અધિક્ષક તરીકે રહ્યા હતા. તેમના ઘણા વિદ્વાન વિદ્યાર્થીઓ પણ શિક્ષકો તરીકે સફળ રહ્યા છે. લખનઉમાંથી નિવૃત્તિ મેળવીને તેઓ એક વર્ષ માટે જી. એસ. મેડિકલ કૉલેજ, મુંબઈ ખાતે તબીબી ન્યાયવિદ્યા અને વિષવિદ્યાના માનાર્હ વ્યાખ્યાતા તરીકે રહ્યા. તેઓએ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ માટે તપાસ-અધિકારી (inspector) તથા તબીબી ન્યાયવિદ્યાના પરીક્ષક તરીકે પણ સેવાઓ આપેલી છે. તેમણે 1920માં ‘મોદીઝ જ્યુરિસ’ નામનું ન્યાય સંબંધી તબીબીવિદ્યાનું પુસ્તક બહાર પાડ્યું, જેની પાછલી આવૃત્તિઓ ડૉ. નટવર જે. મોદીએ સંપાદિત કરી હતી.

શિલીન નં. શુક્લ