મોતી મસ્જિદ : દિલ્હીના લાલ કિલ્લામાં ઔરંગઝેબે બંધાવેલી શાહી મસ્જિદ. સાધારણ રીતે પોતાની પૂર્વેના બાદશાહોએ અસંખ્ય બાંધકામો કરાવ્યાં હોવાથી ઔરંગઝેબ કોઈ પણ નવાં બાંધકામો કરવાનો વિરોધી હતો અને તેને નિરર્થક ખર્ચરૂપ ગણતો; પરંતુ સત્તા પર આવ્યા પછી કામની વ્યસ્તતા અને અંગત સલામતીના સંદર્ભમાં સવારસાંજ નમાજ પઢવા દૂર જવાને બદલે શાહી મહેલની લગોલગ પોતાના અંગત ઉપયોગ માટે એક મસ્જિદ બંધાવવાનું મુનાસિબ માન્યું. ઉત્તમ કક્ષાનો ઓપ ધરાવતા આરસથી બાંધેલી આ નમૂનેદાર
મસ્જિદ લાલ કિલ્લાનાં લાલ પથ્થરનાં બધાં બાંધકામોમાં જુદી ભાત પાડે છે. વિશાળ ચોકની પશ્ચિમ તરફ લિવાન (ઇબાદત ખંડ) અને બાકીની ત્રણ બાજુ ફરતો ઊંચો વંડો ધરાવતી મસ્જિદના લિવાનના ત્રણ ગાળાઓના પ્રવેશ કમાનોથી સુશોભિત કરેલા છે. એમાં મધ્યની કમાન ઉપર બંગાળી ઘાટના ચાપાકાર છાદ્ય(eave)ની આકર્ષક રચના કરેલી છે. લિવાનના ત્રણેય ગાળાઓના સ્તંભો પર ડુંગળી-ઘાટના ઘૂમટ ટેકવાયેલા છે. એમાં મધ્યનો ભવ્ય ઘૂમટ સમગ્ર ઇમારતની શાનરૂપ છે.
પ્રવીણચંદ્ર પરીખ