મોતીરામજી મહારાજ (જ. 1886; અ. 1940) : સિદ્ધપુરના આત્મસાધક સંત. સિદ્ધપુરના બ્રાહ્મણ પરિવારમાં જન્મ. ગુજરાતી શાળામાં વાંચવા, લખવા અને ગણવા જેટલું સામાન્ય જ્ઞાન લીધેલું. ગૃહસ્થજીવન ગાળ્યા પછી પુત્રોને સંપત્તિ સોંપી એકાકી જીવન ગાળનારા ત્યાગી સંત થયા. નજીકની હિંગળાજ માતાની ટેકરી પર પર્ણકુટી કરીને ત્યાં નિવાસ કર્યો અને આત્મસાધના કરવા માંડી. કુટીમાં એક ગાય રાખી ગૌસેવા કરવા લાગ્યા. વસ્તીમાંથી ચોખા લાવી ગાયના દૂધ અને ભાત ઉપર નિર્વાહ કરતા. પંચકેશ રાખતા અને માથે જટા બાંધતા. એકબે લંગોટી, પહેરવા માટે કોથળાની અલફી, એક તુંબીપાત્ર, એક ચીપિયો અને એક તપેલી એટલો જ પરિગ્રહ રાખતા. આમ સંન્યાસ-દીક્ષા લીધી ન હોવા છતાં એકદંડી સંન્યાસી જેવું નિ:સ્પૃહ જીવન તેઓ ગાળતા. તેઓ ‘બાબાજી મોતીરામ’ તરીકે ઓળખાતા. તેમની પાસે સત્સંગ માટે આવનારને તેઓ સદબોધ આપતા. ચિત્રાલના સાગર મહારાજને તેઓ પોતાના ગુરુ માનતા. તેમનો વ્યવહાર રાયરંક તેમજ નાનામોટા સહુ પ્રત્યે આત્મવત્ હતો. ઈ. સ. 1940માં પોતાની કુટીમાં તેઓ પૂર્ણ શાંતિથી નિર્વાણ પામ્યા હતા. તેમણે કોઈ પદ-ભજન કે રચના કરી નથી. સત્સંગ માટે આવતા મુમુક્ષુઓને તેઓ સમજાવતા કે અનંતાદ્વૈત અલખ નિરંજન પરમાત્મા સિવાય બીજું બધું મૃગજળવત્ અસાર છે, તેથી મુમુક્ષુએ હંસર્દષ્ટિ રાખી અસાર સંસારનો મનથી ત્યાગ કરી સારરૂપ હરિરસામૃતનું હરદમ પાન કરવું જોઈએ. આ હેતુની સિદ્ધિ અર્થે અજપાજપ અને ત્યાગમય નિ:સ્પૃહી જીવન જીવવાની પરમ આવશ્યકતા છે. શમ-દમથી મન અને ઇંદ્રિયોને વશ કરવાં જોઈએ. તે વિના આત્મસાક્ષાત્કાર અસંભવ છે. ‘એક સત્યાંક, બાકી સૌ મિથ્યા અંકગણિત છે’ – એમ દિલમાં ર્દઢ કરીને, એક મન, એક બુદ્ધિ, એક ચિત્ત અને એક અહં (બ્રહ્મૈવાહં) ર્દઢ કરવું જોઈએ. જન્મમરણના ચક્રમાંથી છૂટવાનો આ જ સહેલો રસ્તો છે. પોતાનો ગુરુ પોતે જ હોવાનું મનરૂપી શિષ્યને સમજાવવાનું રહે છે. જ્ઞાનની માત્ર વાતોથી નહિ, પણ જ્ઞાનપૂર્વકના આચરણથી દિવ્ય થવાય છે.
પ્રવીણચંદ્ર પરીખ