મોડાસા : ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક તેમજ જિલ્લા મથક. ભૌગોલિક સ્થાન : તે 23° 28´ ઉ. અ. અને 73° 18´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તાલુકાનો કુલ વિસ્તાર 602.78 ચોકિમી. છે. તેની ઉત્તર દિશાએ ભિલોડા તાલુકો, પૂર્વ તરફ મેઘરજ અને માલપુર, દક્ષિણ તરફ બાયડ તથા પશ્ચિમે પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાઓ આવેલા છે. તાલુકામાં મોડાસા શહેર ઉપરાંત 140 ગામો આવેલાં છે. મોડાસા શહેરની વસ્તી 67,648 (2011)જેટલી છે.
આ તાલુકાના કેટલાક ભાગમાં છૂટીછવાઈ ટેકરીઓ આવેલી છે. તે સિવાય તેનો મોટો ભાગ સમતળ સપાટ છે. જમીન ગોરાડુ, મધ્યમ કાળી અને ફળદ્રૂપ છે. મેશ્વો અને માઝુમ આ તાલુકાની મુખ્ય નદીઓ છે. ભિલોડા તાલુકાના સણોક ગામ પછી મેશ્વો મોડાસા તાલુકામાં પ્રવેશે છે. તેના કાંઠે સત્તર ગામો આવેલાં છે. તે પૈકી નંદીસણ, બામણવાડ, બોલુંદ્રા, રાયપુર, રખિયાલ, મેઢાસણ, ખુમાનપુર, વંટાડા, ગઢા, જૂના વડવાસા અને રામોસ મુખ્ય છે. માઝુમ નદી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી નીકળી મેઘરજ તાલુકાનાં ચાર ગામો વટાવ્યા પછી મોડાસા તાલુકામાં પ્રવેશે છે. તેના કાંઠા પર છવ્વીસ ગામો આવેલાં છે. તે પૈકી વાણિયાવાડ, મોડાસા, શિણોલ, સિતપુર, હામીપુરા, જાલમપુરા, જામઠા, કનાલ, વડગામ, જિતપુર અને ખિલોડિયા મુખ્ય છે. બાયડ તાલુકાના આંબલિયારા ગામ પાસે તે વાત્રકને મળે છે. તેની લંબાઈ આ તાલુકા પૂરતી 26 કિમી. જેટલી છે. તેનો પટ ખડકાળ છે. સાકરિયા ગામ પાસે આવેલી સાકરી નદી ભેંસાવાડા નજીક માઝુમને મળે છે. તે મોડાસા તાલુકાનાં ભેરુંડા, ડોલપુર અને ભેંસાવાડા ગામોમાં થઈને વહે છે.
તાલુકાની આબોહવા પ્રમાણમાં વિષમ રહે છે. મે માસનાં સરેરાશ દૈનિક મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 40° સે. અને 25.8° સે. જેટલાં તથા જાન્યુઆરી માસનાં સરેરાશ દૈનિક મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 27.4° સે. અને 14.5° સે. જેટલાં રહે છે. ઉનાળામાં તાપમાન વધીને 43° કે 44° સે. સુધી પણ પહોંચે છે. શિયાળામાં તાપમાન ઘટીને 4° કે 5° સુધી પહોંચે છે. તાલુકામાં સરેરાશ વરસાદ 827 મિમી. જેટલો પડે છે. તે પૈકી આશરે 50 % જેટલો વરસાદ (330 મિમી.) જુલાઈમાં પડી જાય છે.
તાલુકાના જંગલ-વિસ્તારમાં બાવળ, મહુડો, હળદરવો, બોરડી, સાગ, સાદડ જેવાં વૃક્ષો આવેલાં છે. અહીંના મુખ્ય પશુધનમાં ગાય, ભેંસ, ઘેટાં-બકરાંનો સમાવેશ થાય છે. તાલુકાની કુલ 87,388 હેક્ટર ભૂમિ પૈકી 9,183 હેક્ટરમાં જંગલો, 6,207 હેક્ટરમાં ગૌચર, 1,618 હેક્ટર ઉજ્જડ વિસ્તાર તથા વાવેતર હેઠળનો કુલ વિસ્તાર 64,685 હેક્ટર છે; જ્યારે બાકીની ભૂમિ પડતર છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, મગ, તુવેર, અડદ, મગફળી અને કપાસનો સમાવેશ થાય છે. મોટાભાગની ખેતી કૂવાઓનાં પાણીથી કરવામાં આવે છે.
ટ્રૅપ પ્રકારના બાંધકામ-ખડકો તથા રેતી અને કંકર અહીં થોડા પ્રમાણમાં મળે છે. ઉદ્યોગો મોડાસા અને ધનસુરામાં કેન્દ્રિત થયેલા છે.
તાલુકામાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચ માધ્યમિક શાળાઓ આવેલી છે.
શહેર : મોડાસા શહેર કર્કવૃત્ત પર આવેલું છે. તેનું પ્રાચીન નામ ‘મોહડવાસક’ હતું. તે તલોદથી 48 કિમી., રાયગઢથી 24 કિમી. અને શામળાજીથી 17 કિમી.ના અંતરે આવેલું છે. રાજ્ય-પરિવહનની બસો દ્વારા તે તાલુકાનાં બધાં ગામો ઉપરાંત અમદાવાદ તેમજ ગુજરાતના બધા જિલ્લાઓનાં મુખ્ય મથકો સાથે જોડાયેલું છે. વેપારી મથક હોવા છતાં મોડાસા રેલથી વંચિત રહ્યું હતું. તાજેતરમાં (2002માં) મોડાસા-નડિયાદ રેલવેલાઇનની સુવિધા થઈ છે.
મોડાસામાં જિન, તેલમિલો, બરફનું કારખાનું, પ્રેસ વગેરે આવેલાં છે. મોડાસા વિભાગનું તે મુખ્ય વેપારી કેન્દ્ર છે. આજુબાજુના વિસ્તારમાંથી અનાજ, મગફળી, જીરું, કપાસ વગેરે અહીંના માર્કેટ-યાર્ડમાં આવે છે. વાણિજ્ય અને સહકારી બૅંકોની અહીં સારી સુવિધા છે. આ ઉપરાંત જમીન વિકાસ બૅંકની સગવડ પણ છે. સહકારી તાલુકા ખરીદ-વેચાણ સંઘ ખેડૂતોને ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ખેતીનાં સાધનો વગેરે પૂરાં પાડે છે.
શહેરમાં શિવમંદિરો, રામજીમંદિર, સ્વામિનારાયણમંદિર, વૈષ્ણવ-મંદિરો, માતાજીનાં મંદિરો અને મસ્જિદો છે. જૂના કોટના અવશેષો પણ જોવા મળે છે. સાબરકાંઠામાં જૂનામાં જૂની વાવ દાવડ ગામમાં છે. તે અગિયારમી સદીની છે. પાટણના મહારાજ સિદ્ધરાજના વખતની ‘વણઝારી વાવ’ મોડાસામાં છે. મોડાસાની નજીક આવેલ ટીંટોઈ, શામળાજી, રાયગઢ, બેરણા, ઈડર, હરસોલ, ખેડબ્રહ્મા, પોશીના વગેરે સ્થળો પણ જોવાલાયક છે. આ સ્થળોનું પુરાતત્વની ઐતિહાસિક, સાંસ્કૃતિક ર્દષ્ટિએ અને ભૂસ્તરશાસ્ત્રની ર્દષ્ટિએ વધુ મહત્વ છે. મોડાસા કૉલેજ સંકુલમાં કાયમી સાંસ્કૃતિક સંગ્રહાલય છે. ત્યાં અનુસ્નાતક કેન્દ્રો સહિત વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનની કૉલેજ, શિક્ષણની કૉલેજ, કાયદાની કૉલેજ, ફાર્મસી, ડિપ્લોમા-ડિગ્રી કૉલેજ અને ઇજનેરી કૉલેજ ઉપરાંત ઇન્દિરા ગાંધી મુક્ત વિશ્વવિદ્યાલયનું પ્રાદેશિક કેન્દ્ર તથા આંબેડકર ઓપન યુનિવર્સિટીનું કેન્દ્ર, અંગ્રેજી માધ્યમની પ્રાથમિકથી હાયર સેકન્ડરી શાળા સહિત પાંચ હાઈસ્કૂલો, આઈ.ટી.આઈ. સંસ્થા, બહેરા-મૂંગાની શાળા, વાણિજ્ય અને ટૅકનિકલ વિભાગો સહિતની હાઈસ્કૂલ તથા સાત પ્રાથમિક શાળાઓ છે. શહેરમાં વિવિધ જ્ઞાતિઓનાં છાત્રાલયો તથા પછાત વર્ગનું છાત્રાલય પણ છે. કૉલેજ-સંકુલનું સંચાલન પહેલેથી જ ઉચ્ચતર કેળવણી મંડળ દ્વારા થાય છે. આ વિદ્યાપ્રવૃત્તિને લઈને છેક 1960થી મોડાસા ઉત્તર ગુજરાતનું વિશિષ્ટ વિદ્યાધામ બન્યું છે.
ઐતિહાસિક માહિતી : મોડાસા ઉત્તર હિંદથી ગુજરાતમાં પ્રવેશવાના માર્ગ પર વસ્યું હોવાથી તે ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે. આનુશ્રુતિક વૃત્તાંત મુજબ રાજા માંધાતાના નામ પરથી આ નગરનું નામ પડેલું છે. વસ્તુત: બે લાખ વર્ષ જૂની પાષાણયુગની સંસ્કૃતિનાં ઓજારો માઝુમ નદીના પટમાંથી પ્રાપ્ત થયાં છે. અહીં ભારતીય-યવન (ઇન્ડો-ગ્રીક) રાજાઓની મુખાકૃતિવાળા સિક્કાઓ પણ પ્રાપ્ત થયા છે. છેલ્લાં બે હજાર વર્ષનો મોડાસાનો ઇતિહાસ ભાતીગળ રહ્યો છે. વિદ્વાનોના મત મુજબ મોડાસા પર મૌર્ય, ક્ષત્રપ, ગુપ્ત અને મૈત્રક રાજવીઓનું આધિપત્ય પ્રવર્ત્યું હતું. આ સમયગાળાની ગરુડની, વિષ્ણુના વરાહ અવતારની તેમજ જૈન તીર્થંકરોની પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. મધ્યકાલીન સમયમાં પરમારો અને ચાલુક્યોનું શાસન રહ્યું છે. ઈ. સ. 949 સમયના પરમાર રાજા સિયકનાં બે તામ્રપત્રો મળ્યાં છે. જેમાં મોડાસાનો મોહડવાસક અને હરસોલનો હર્ષપુર તરીકે ઉલ્લેખ કરેલો છે. તે પરથી મોહડવાસક એ વખતે વિષય (જિલ્લા) મથક હોવાનું પ્રતીત થાય છે. આ બંને તામ્રપત્રો મોડાસાના કૉલેજ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. વળી મોડાસાનો ઉલ્લેખ ધરાવતું વત્સરાજનું 1011નું તામ્રપત્ર પણ પ્રાપ્ત થયું છે. ઈ. સ. 1297માં સુલતાન અલાઉદ્દીન સોમનાથ લૂંટવા પ્રેરાયો તે સમયે દિલ્હીથી મોડાસા સુધી કોઈ રાજાએ તેનો પ્રતિકાર કર્યો ન હતો. ફક્ત મોડાસાના રાજા ઝાલોરીએ ક્ષત્રિય રાજા તરીકે સામનો કર્યો હતો અને બત્તડ વીરગતિ પામ્યો હતો. ઈ. સ. 1403માં મોડાસા સુલતાનની હકૂમતમાં આવ્યું. પંદરમી સદીમાં કવિ પદ્મનાભે રચેલા ‘કાન્હડદે પ્રબંધ’ નામના ઐતિહાસિક કાવ્યમાં મોડાસાનો તેમજ બત્તડ શહીદ થયાનો ઉલ્લેખ થયા છે. ઈ. સ. 1577માં મુઘલોએ મોડાસામાં પોતાનું લશ્કરી થાણું સ્થાપ્યું. બાદશાહ ઔરંગઝેબના મરણ પછી દિલ્હીની હકૂમત નબળી પડતાં મરાઠાઓએ પ્રભુત્વ સ્થાપવા પ્રયત્ન કર્યો. ઈ. સ. 1742થી 1791 સુધી મરાઠાઓનું પ્રભુત્વ રહ્યું. ઈ. સ. 1818થી મોડાસા પર અંગ્રેજોએ હકૂમત સ્થાપી અને મોડાસા ડિવિઝન બન્યું. મોડાસામાં જમીનની માપણી સને 1842થી 1846 સુધીમાં થઈ. 1851માં વિઘોટી પ્રથા શરૂ થઈ. 1859માં મોડાસા મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ. 1881માં ‘ટોપોગ્રાફિકલ’ નકશા બન્યા. આઝાદીની લડતમાં અહીંના નાગરિકોએ અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો. મથુરાદાસ લાલજીભાઈ ગાંધી અને તેમના સાથીદારોએ અહીં તેની શરૂઆત કરી હતી અને તેમણે આ લડત છેક આઝાદી પ્રાપ્ત થતાં સુધી ચલાવી હતી. 1922–23માં તેમણે સ્વદેશીના ભાગ રૂપે રેંટિયા પ્રવૃત્તિ ચલાવેલી અને એકલા મોડાસામાં 240 રેંટિયા ચાલતા થયેલા. ‘ધર્મયુદ્ધ’ નામની દૈનિક પત્રિકા ચાલતી. મોડાસા-પ્રદેશ સેવા સંઘે તેમાં પ્રભાવક કામગીરી બજાવી. સાર્વજનિક સેવા સંઘે સાર્વજનિક હૉસ્પિટલ સ્થાપેલી તે સમગ્ર વિસ્તારને ઉત્તમ સુવિધાયુક્ત સેવા આપી રહી છે. રમણલાલ સોની, હરિલાલ ગાંધી, ભોગીલાલ ગાંધી અને ડૉ. નાથાલાલ શાહનો પણ આઝાદીની લડતમાં મહત્વનો ફાળો હતો. આઝાદી બાદ મોડાસા નગરનો વિશેષ વિકાસ થયો છે.
શિવપ્રસાદ રાજગોર
નીતિન કોઠારી