મૉડાચ, ઇમ્રે (જ. 21 જાન્યુઆરી 1823, હંગેરી; અ. 5 ઑક્ટોબર 1864, હંગેરી) : હંગેરીના કવિ. ‘ધ ટ્રૅજેડી ઑવ્ મૅન’ (1861) નામક તેમના મહત્વાકાંક્ષી પદ્યનાટકથી તેમને વ્યાપક પ્રસિદ્ધિ મળી છે. તે હંગેરીના સૌથી મહાન તત્વદર્શી (philosophic) કવિ લેખાય છે.

તેમના ઉત્કટ રસના વિષયો અનેક હતા. વકીલાત, સરકારી નોકરી અને પાર્લમેન્ટના સભ્ય (1861) એમ વિવિધ ક્ષેત્રે તેમણે કામગીરી બજાવી. તેમની સર્વોત્તમ રચનારૂપ ઉપર્યુક્ત ફાઉસ્ટ-પ્રકારના નાટકમાં 15 અંકો છે અને તેમાં માનવજાતના ભૂતકાળ તેમ ભવિષ્યકાળને આવરી લેવાયા છે. કેન્દ્રસ્થ પાત્ર સમાં આદમ અને ઈવ, પ્રખ્યાત ઐતિહાસિક પાત્રોના રૂપમાં સાદ્યંત દેખા દે છે. લૂસિફર સામેના માનવોના સતત સંઘર્ષમાંથી નિષ્પન્ન થતું કરુણાજનક ભાવિ તેમના પાત્રાભિનયમાં નિરૂપાયું છે. તેમનો સંઘર્ષ અને એમાં તેમને વિજય મળે છે એવું પણ નથી એ જ તેમનો મોક્ષ. આદમનું સાતત્યપૂર્ણ અને અનોખું પાત્રચિત્રણ એ આ નાટ્યબંધને એકસૂત્રતા બક્ષે છે. આ નાટ્યકૃતિ વાચન-પઠન માટે જ લખાઈ હતી, પણ 1883માં બુડાપેસ્ટ નૅશનલ થિયેટરમાં તેનો પ્રથમ પ્રયોગ થયા પછી તે નાટક અનેક વાર સફળતાપૂર્વક ભજવાતું રહ્યું.

મહેશ ચોકસી