મોટરસાઇકલ-સ્પર્ધા

February, 2002

મોટરસાઇકલ-સ્પર્ધા : સ્પર્ધકની નિપુણતા, ગતિ, સહનશક્તિ વગેરે ચકાસવા માટે જુદા જુદા જૂથવાર વર્ગીકૃત કરાયેલ મશીનના આધારે યોજાતી અનોખી સ્પર્ધા. આ સ્પર્ધાનો પ્રારંભ યુરોપમાં થયો અને તેમાં મોટરકાર તથા મોટર-સાઇકલ એ બંને પ્રકારનાં વાહનો સામાન્ય માર્ગો પર એક શહેરથી બીજા શહેર વચ્ચેની સ્પર્ધામાં ભાગ લેતાં. 1903માં પૅરિસથી માડ્રિડ વચ્ચેની સ્પર્ધામાં દુર્ઘટના સર્જાયા પછી આંતર-શહેર (inter-city) સ્પર્ધા બંધ કરવામાં આવી. ઑટો ક્લબ ઑવ્ ફ્રાન્સે નવા જ પ્રકારની રેસનો પ્રારંભ કર્યો. તેમાં ફક્ત બાંધેલા સર્કિટ માર્ગો પર જ સ્પર્ધામાં ભાગ લઈ શકાતો. પણ આ સ્પર્ધાઓમાં શિસ્તબદ્ધતાનો અભાવ વરતાતો રહ્યો. 1905માં આંતરરાષ્ટ્રીય કપ માટે યોજાયેલી સ્પર્ધા વધારે વ્યવસ્થિત નીવડી. તે ફ્રાન્સમાં યોજાઈ હતી; પરંતુ સંજોગવશાત્ સાર્વત્રિક બહિષ્કારને પરિણામે આ આંતરરાષ્ટ્રીય કપ સ્પર્ધા 1906માં બંધ થવા પામી. યુ.કે.ના બ્રુકલૅન્ડમાં 1907માં પાળબંધ અંડાકાર (banked oval) સર્કિટની સુપ્રસિદ્ધ પદ્ધતિનો પ્રારંભ થયો. બીજું વિશ્વયુદ્ધ થતાં સુધી આ સ્પર્ધા આ સ્થળે જ યોજાતી રહી. વળી 1907માં જ સૌપ્રથમ ટુરિસ્ટ ટ્રૉફી સ્પર્ધાનો આઇલ ઑવ્ મૅન ખાતે આરંભ થયો; પરંતુ એ ટૂંકા અંતર પૂરતી મર્યાદિત હતી. 1911માં આ ટુરિસ્ટ ટ્રૉફી  રેસ(TTR)માં સુધારો કરીને, પૂરેપૂરા અંતરની સર્કિટ માટે તેનું આયોજન કરવાનું નક્કી કરાયું.

આ સ્પર્ધા જાહેર માર્ગો પર તેમજ ખાસ બાંધેલા દોડમાર્ગો પર યોજાતી રહી છે. સૌથી જૂની મોટરસાઇકલ સર્કિટ પર્વતાળ માર્ગની છે અને તેના પર આઇલ ઑવ્ મૅન ટુરિસ્ટ ટ્રૉફી સ્પર્ધા યોજાય છે. તેમાં દરેક આંટાનું (lap) અંતર 6.6 કિમી. (3¾ માઈલ) જેટલું હોય છે.

આ સ્પર્ધા બેલ્જિયમ સર્કિટમાં સાદા માર્ગો પર જ 14.5 કિમી. (9 માઈલ)ના અંતર પૂરતી ફ્રાન્સમાં શૅમ્પ ખાતે યોજાય છે.

ડચ ગ્રાંડ પ્રીક્સ જ્યાં યોજાય છે તે ઍસેન ખાતેની સર્કિટમાં જાહેર તથા ખાનગી – એમ બંને પ્રકારના માર્ગોનો સમાવેશ થાય છે અને તેમાં 7.6 કિમી.(4½ માઈલ)નું અંતર કાપવાનું હોય છે.

મોટાભાગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ ખાસ બાંધેલા માર્ગો પર યોજાય છે; તેમાં મિલાન નજીક મૉન્ઝા ખાતેની સર્કિટમાં 5.6 કિમી.(3 માઈલ)નું અંતર હોય છે. અમેરિકાના ફ્લૉરિડામાં ડૅટ્રિન ખાતેનો સ્પર્ધા-માર્ગ પણ જાણીતો છે. ફ્લૉરિડા ખાતે અમેરિકન મોટરસાઇકલ ઍસોસિયેશન 324 કિમી. (200 માઈલ) માટેની સ્પર્ધા દર વર્ષે નિયમિત યોજે છે.

મોટરસાઇકલ-વાહનોનું વર્ગીકરણ 60 સી.સી.થી માંડીને 1111 સી.સી. સુધી જુદા જુદા પ્રકારે કરવામાં આવે છે. આ સ્પર્ધાઓ સ્પ્રિન્ટ સ્પર્ધા, સ્પીડ વે, આઇસ રેસિંગ અને મોટર-ક્રૉસ એમ જુદી જુદી રીતે યોજાય છે.

મોટરસાઇકલ રેસની રોમાંચક ક્ષણો

મહત્વની સ્પર્ધાઓ આ પ્રમાણે છે : વિશ્વ ચૅમ્પિયનશિપ : 1949માં FIM તરફથી શરૂ કરાઈ. ટુરિસ્ટ ટ્રૉફી : 28 મે, 1907ના રોજ ઑટો સાઇકલ યુનિયન તરફથી આઇલ ઑવ્ મૅન ખાતે શરૂ કરાઈ. વિશ્વમાં આ ટ્રૉફી સૌથી પ્રતિષ્ઠાભરી લેખાય છે. ગ્રાંડ પ્રીક્સ સિરીઝ : આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આ સૌથી મહત્વની લેખાય છે. ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ફ્રાન્સ, પશ્ચિમ જર્મની, પૂર્વ જર્મની, ઇટાલી, હોલૅન્ડ અને સ્પેન ખાતેની ગ્રાંડ પ્રીક્સ સ્પર્ધાનો આ શ્રેણીમાં નિયમિત સમાવેશ કરાય છે. આ સ્પર્ધાઓમાં મોટરસાઇકલ-ચાલકને જે પૉઇન્ટ મળે છે તે વિશ્વ ચૅમ્પિયનશિપ માટે ગણતરીમાં લેવાય છે.

આ સ્પર્ધાનાં કેટલાંક મહત્વનાં નામ અને વિક્રમો નીચે પ્રમાણે છે : (1) ગિગકૉમો ઍગસ્તીની (જ. 16 જૂન 1942, ઇટાલી) 1968થી 1975 વચ્ચે 15 વખત એટલે કે સૌથી વધુ વાર વિશ્વ ચૅમ્પિયનશિપનો વિજેતા બન્યો. 1968થી 1972 સુધીમાં (350 સી.સી. અને 500 સી.સી.ના વર્ગમાં) સળંગ 5 વર્ષ વિશ્વ ચૅમ્પિયનશિપનો વિજેતા બનનાર તે એકમાત્ર સ્પર્ધક છે. (2) સ્ટૅન્લી માઇકલ બૅઇલી (જ. 1940, હેઇલવુડ; અ. 1981) 1961થી 1979 દરમિયાન આઇલ ઑવ્ મૅન ટીટી રેસ 14 વખત જીત્યો. 1961 તથા 1967માં તેણે 3 સ્પર્ધાઓ (events) જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. (3) જૉય ડનલૉપ (જ. 22 ફેબ્રુઆરી, 1952, આયર્લૅન્ડ) 1985થી 1988માં આઇલ ઑવ્ મૅન ટીટી રેસમાં 3 સ્પર્ધાઓ જીત્યો હતો. ટીટી સર્કિટનો કલાકદીઠ 190.66 કિમી.નો વિક્રમ 1958 સુધી તેઓ ધરાવતા હતા. પછી સિએટલના સ્ટિવ હિસ્ટૉપે એ વિક્રમ તોડ્યો હતો.

મહેશ ચોકસી