મોટરસાઇકલ : ઇલેક્ટ્રિક મોટર કે મુખ્યત્વે આંતરદહન એન્જિનથી ચાલતી બે પૈડાંવાળી સાઇકલ. આવી મોટર-સાઇકલોમાં જેનાં પૈડાં નાનાં, એન્જિનની ગતિ પ્રમાણમાં વધુ હોય અને ગિયર બદલવાની વ્યવસ્થા હૅન્ડલમાં હોય તેમને સ્કૂટર કહે છે. જે મોટરસાઇકલોમાં પૈડાનો વ્યાસ ઘટાડ્યો ન હોય, પરંતુ વજનમાં હલકાં, એન્જિનની શક્તિ ઓછી, ગતિ બદલાવવાની વ્યવસ્થા (ગિયર વગરની) સરળ  હોય તેમને મોપેડ તરીકે ઓળખાવાય છે. મોપેડ હલકું (નાજુક) વાહન લેખાય છે. બધા પ્રકારની મોટરસાઇકલોમાં એન્જિનો હવાથી ઠંડાં રહે તેવી વ્યવસ્થા હોય છે. એન્જિનની ક્ષમતા હૉર્સપાવરમાં ન દર્શાવતાં એન્જિનમાં રહેલ પિસ્ટન દર મિનિટે કેટલું ઘનફળ કાપે છે (ખસેડે છે) તેના ધોરણમાપે દર્શાવાય છે. આ મોટરસાઇકલોની ક્ષમતાનો વ્યાપ 50 ઘન સેમી.થી 250 ઘન સેમી. સુધીનો હોય છે. 100 સી.સી.(ઘન સેમી.)નું ધોરણ સામાન્ય છે.

મોટરસાઇકલ

એડ્વર્ડ બટલર નામના અંગ્રેજે 1884માં પ્રથમ મોટરસાઇકલ તૈયાર કરી, ત્યારબાદ તેમાં સતત સુધારા થતા રહ્યા. પ્રથમ વિશ્વયુદ્ધમાં આ વાહન બહુ પ્રચલિત થયું. લશ્કરની બધી શાખાઓમાં તેનો ઉપયોગ, વિશેષ કરીને ટપાલ અને સંદેશાઓની આપ-લે માટે થયો. ત્યારબાદ, રમતગમત હરીફાઈ(મોટરસાઇકલ રેસ)માં પણ તેનો ઉપયોગ શરૂ થયો. આજે પણ મોટરસાઇકલ હરીફાઈ લગભગ બધા દેશોમાં યોજાય છે અને યુવાનો ખૂબ રસપૂર્વક તેમાં ભાગ લે છે. 1950માં જર્મનીમાં 50 સી.સી. ક્ષમતાવાળું મોપેડ બનાવાયું અને બીજા વિશ્વયુદ્ધ પછી ઇટાલીએ 150 સી.સી. ક્ષમતાવાળું મોટર-સ્કૂટર બહાર પાડ્યું. આજે મોટરસાઇકલો, સ્કૂટરો, મોપેડો (મિની મોટરસાઇકલો) વાહનવ્યવહારમાં ખૂબ પ્રમાણમાં વપરાય છે. યુવા પેઢીનાં આ પ્રિય વાહનો છે. સાદી સાઇકલનું સ્થાન હવે મોટરસાઇકલો લઈ રહી છે.

આ બધા પ્રકારની મોટરસાઇકલોમાં પેટ્રોલથી ચાલતાં બે ફટકાવાળાં એક સિલિન્ડરનાં એન્જિનો વિશેષ પ્રમાણમાં વપરાય છે. અમુક બનાવટોમાં ચાર ફટકાવાળાં એન્જિન પણ હોય છે. યુરોપના દેશો, અમેરિકા અને જાપાન જેવા દેશોમાં મોટરસાઇકલોનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. સ્વતંત્ર થયા બાદ ભારતમાં પણ અનેક પ્રકારની મોટરસાઇકલોનું ઉત્પાદન સારા પ્રમાણમાં વધતું રહ્યું છે. ભારતમાં મોટરસાઇકલોનું (મોપેડ, સ્કૂટર સહિત) ઉત્પાદન કરતી કંપનીઓમાં બજાજ ઑટો, એસ્કૉર્ટર્સ, ઇન્ડિ. સુઝુકી, મૅજેસ્ટિ ઑટો, હીરો હૉન્ડા વગેરે મુખ્ય છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ