મોઝેસ (મોશે) : યહૂદી ધર્મના મહાન સંત. જેનો ખ્રિસ્તી ધર્મમાં પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. ઇઝરાયલ દેશના યાકોબ અને લિયાના દીકરા લેવીના વંશમાં મોશેનો જન્મ થયો હતો. મોશેનાં માતાપિતા ઇજિપ્તમાં વસતાં હતાં. ઇજિપ્તના રાજા રામસેસ બીજાએ ઇઝરાયલથી આવીને વસેલી આ પ્રજા પર જુલમ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. એ જુલમના એક ભાગ રૂપે ઇઝરાયલી માતાને ખોળે અવતરતા પુત્રને જન્મતાંવેંત મોતને ઘાટ ઉતારવાનું ફરમાન હતું. મોશેની માએ તો મોશેને જન્મ આપી દીધો; ત્રણ મહિના સુધી એ નવજાતને છુપાવી રાખ્યો અને જ્યારે એને છુપાવી રાખવાનું અશક્ય બની ગયું ત્યારે તે માએ મોશેને એક કરંડિયામાં મૂકી નદીકિનારે છોડી દીધો. રાજકુંવરી જ્યારે નદીએ નાહવા આવી ત્યારે એને મોશે જડ્યો. મોશે રાજમહેલમાં ઊછર્યો. મોટો થયા પછી એક વાર રાજમહેલ બહાર તેણે એક ઇજિપ્તવાસીને ઇઝરાયલી મજૂરને ઢોરમાર મારતાં જોયો. મોશેએ ઇજિપ્તવાસીને પતાવી દીધો અને દાટી દીધો. પાછળથી જ્યારે એને ખબર પડી કે એનું આ કૃત્ય જગજાહેર છે ત્યારે એ ત્યાંથી નાસી છૂટ્યો અને અરબસ્તાનના વાયવ્ય ભાગમાં જઈ વસ્યો. ત્યાંના પુરોહિતની દીકરી સાથે લગ્ન કરી, તેના સસરાનાં ઘેટાંબકરાં ચારવામાં તે ગૂંથાઈ ગયો.
એક વખત ઘેટાંબકરાં ચારતો ચારતો તે સિનાઇ પર્વત નજીક આવી પહોંચ્યો. ત્યાં તેને સળગતાં ઝાંખરાંમાં પ્રભુનાં દર્શન થયાં. પ્રભુની યોજના તેને ઇજિપ્ત મોકલવાની હતી, જેથી તે ઇઝરાયલીઓને ગુલામગીરીમાંથી છોડાવી લાવે. ભારે મથામણને અંતે મોશે ઇજિપ્તના રાજા પાસે જવા તૈયાર થયો. ત્યાંનો રાજા તો પોતાને જ દેવ માનતો હતો એટલે તે ઇઝરાયલીઓના પ્રભુની વાત સ્વીકારતો નહોતો. તેથી મોશેની પ્રેરી ઇજિપ્ત પર એક પછી એક દસ આફતો આવે છે. આમ છતાં રાજા એકનો બે ન થયો, ત્યારે ઇજિપ્તના પ્રત્યેક પરિવારના પહેલા ખોળાના દીકરાનો પ્રભુ નાશ કરે છે ને પરિણામે રાજા ઇઝરાયલીઓને મુક્ત કરે છે. ઇજિપ્ત અને ઇઝરાયલની સરહદે આવેલા રાતા સમુદ્રના પ્રભુ બે ભાગ કરી ઇઝરાયલીઓને પગપાળા ઇઝરાયલની દક્ષિણે સિનાઇ રણમાં લાવે છે. ત્યાં આવેલા સિનાઇ પર્વત પરથી પ્રભુ મોશે દ્વારા ઇઝરાયલીઓને દસ આજ્ઞાઓ આપે છે. એ પછી ચાળીસ વરસની અરણ્યમાંની રઝળપાટ દરમિયાન મોશે ઇઝરાયલીઓને ચમત્કારિક રીતે જળ અને અન્ન પૂરાં પાડે છે. પ્રભુ જે ભૂમિ ઇઝરાયલીઓને આપવાના હતા તેની મોશેને દૂરથી ઝાંખી કરાવે છે. જોકે મોશે એ ભૂમિમાં પ્રવેશતાં પહેલાં જ મૃત્યુ પામે છે. ઇઝરાયલીઓને ઇજિપ્તની બહાર લાવનાર, સિનાઇ પર્વતે દસ આજ્ઞાઓ આપનાર મોશે પોતે પ્રભુ દ્વારા વચનદત્ત ભૂમિમાં પ્રવેશી શકતા નથી, એ પણ પ્રભુની જ યોજના સમજવી રહી.
જેમ્સ ડાભી