મોટ, નેવિલ ફ્રાન્સિસ (સર)

February, 2002

મોટ, નેવિલ ફ્રાન્સિસ (સર) (જ. 30 સપ્ટેમ્બર 1905, લીડ્ઝ, ઇંગ્લૅન્ડ, અ. 1996) : ચુંબકીય અને અસ્તવ્યસ્ત તંત્રની ઇલેક્ટ્રૉનિક્સ સંરચનાના મૂળભૂત સૈદ્ધાંતિક સંશોધન માટે 1977નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ખ્યાતનામ બ્રિટિશ વિજ્ઞાની.

તેમણે કેમ્બ્રિજમાં રહીને ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ત્યારબાદ કેમ્બ્રિજ, કૉપનહેગન અને ગૉટિંજન(Gottingen)માં સંશોધનકાર્ય કર્યું. તે પછી તેઓ કેમ્બ્રિજ ખાતે પ્રથમ ફેલો અને ત્યારબાદ વ્યાખ્યાતા બન્યા. તેમણે કેમ્બ્રિજમાં રૂથરફૉર્ડનો સહયોગ કરી અને કૉપનહેગનમાં બ્હોરની સાથે રહીને સંશોધનકાર્ય કર્યું. માત્ર 28 વર્ષની નાની વયે તેઓ બ્રિસ્ટોલ ખાતે પ્રાધ્યાપક બન્યા. 1954માં તેઓ કૅવેન્ડિશ પ્રાધ્યાપક બન્યા. અંતે તેઓ 1965માં આ પદેથી નિવૃત્ત થયા. 1962માં તેમને ‘સર’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો.

નેવિલ ફ્રાન્સિસ મોટ (સર)

મોટે અસ્ફટિકમય (non-crystalline) ઘનપદાર્થોના ચુંબકીય અને વિદ્યુત-ગુણધર્મોને લગતું સ્વતંત્ર સંશોધન કર્યું. ચુંબકીય વાહકતામાં ઇલેક્ટ્રૉન બે રીતે ફાળો આપે છે તેવું પ્રતિપાદિત કરનાર તેઓ પ્રથમ હતા. ઇલેક્ટ્રૉનનું એક જૂથ વિદ્યુતપ્રવાહ માટે જવાબદાર છે અને બીજું જૂથ ચુંબકીય ગુણધર્મો અને ખાસ કરીને પ્રકીર્ણન (scattering) માટે. 1954માં તેમણે બતાવ્યું કે અમુક પરિસ્થિતિમાં (અસ્તવ્યસ્ત અને ભુક્કા-સ્વરૂપ – amorphous પદાર્થોમાં) ઍન્ડરસન લોકલાઇઝેશન (Anderson localisation) કેવી રીતે થાય છે. કેટલાક કિસ્સાઓમાં અત્યંત નાના વિસ્તારમાં ઇલેક્ટ્રૉન જકડાઈ જતા હોય છે. આ ઘટનાને ઍન્ડરસન લોકલાઇઝેશન કહે છે. અસ્ફટિકમય ઘનપદાર્થો ટેપ-રેકૉર્ડ્સ, કમ્પ્યૂટર અને અન્ય ઇલેક્ટ્રૉનિક પ્રયુક્તિઓમાં મોટા પાયે પ્રયોજાય છે.

આનંદ પ્ર. પટેલ