મોચરસ : શીમળાની છાલમાંથી સ્રવતો ગુંદર. શીમળો દ્વિદળી વર્ગમાં આવેલા બૉમ્બેકેસી કુળની એક વૃક્ષ-જાતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Salmalia malabarica(DC) Scott & Endl. syn. Bombax ceiba Linn; B. malabaricum DC (સં. શાલ્મલી, રક્તપુષ્પા, કંટકદ્રુમ; હિં. સેમુલ, સેંબલ, રક્ત સેમ્બલ, કંટકીસેંબલ; બ. સિમુલ, રોક્તો સિમુલ, શેમ્બલ; મ. સીમલો સાવરી સામર, શેવરી; ગુ. શીમળો, શેમળો; તે બૂરુગા, કોંડા-બુરુગા, મુંડલાલૂરુગા-વેટ્ટુ, તમ મુલ્લિલેવુ, પુલાઈ; ક. બૂરુગા, કેમ્પુબૂરુગા, મુલ્લુબૂરુગા, મુલ્લેલેવા; મલ. મુલ્લિલેવાયુ, મુલ્લિલા-પુલા, ઓ.બુરોહ, બોઉરો, અં. સિલ્કકૉટન ટ્રી) છે. મોચરસને સિમુલ ગુંદર પણ કહે છે.
આ ગુંદરનો સ્રાવ કોહવાટ, કીટકો કે કોઈ દેહધાર્મિક રોગને પરિણામે ઉદભવતી ઈજાઓને કારણે થાય છે. તંદુરસ્ત છાલ ઉપર મૂકવામાં આવેલા કૃત્રિમ કાપ દ્વારા ગુંદરનો સ્રાવ થતો નથી. તે આછા બદામી રંગના, ગાંઠોવાળાં પોલાં ટીપાં સ્વરૂપે સ્રવે છે. આ ટીપાં ઘેરાં બને છે અને પછીથી અપારદર્શી અને કાળાં થઈ જાય છે. તે તોડવાથી જલદી તૂટી જાય છે. આ ટીપારૂપ ગુંદર વજનમાં હલકો હોય છે અને પાણીમાં નાખવાથી ફૂલે છે. ગાંધી લોકો તેને ‘સોપારીનાં ફૂલ’ તરીકે ઓળખાવે છે.
તે પાણીમાં લગભગ અદ્રાવ્ય છે; પરંતુ પાણીનું શોષણ કરી ફૂલે છે. શુદ્ધ ગુંદર 8.9 % ખનિજદ્રવ્ય અને નોંધપાત્ર પ્રમાણમાં કૅટેચોલ ટેનિન ધરાવે છે. તેના પૂર્ણ જલાપઘટનથી L. ઍહેબિનોઝ, D-ગેલૅકટોઝે અને અત્યંત અલ્પ પ્રમાણમાં રર્હેમ્નોઝ ઉત્પન્ન કરે છે. ગુંદર આ ઉપરાંત, ટેનિન અને ગૅલિક ઍસિડ ધરાવે છે.
આયુર્વેદ અનુસાર તે હિમ, ગ્રાહક, સ્નિગ્ધ, વૃષ્ય, પુષ્ટિકારક, ધાતુવર્ધક, તૂરો, વર્ણકારક, બુદ્ધિપ્રદ, વયસ્થાપક, ગુરુ, સ્વાદુ, કફકર, ગર્ભસ્થાપક, વાતનાશક અને રસાયન છે. તે પ્રવાહિકા, અતિસાર, આમપિત્ત, રક્તદોષ અને દાહનો નાશ કરે છે. મોચરસની માત્રા લગભગ 3.0થી 4.0 ગ્રામ જેટલી હોય છે.
રક્તપિત્તમાં પ્રથમ ઝાડો થતો હોય અને પછી લોહી પડતું હોય તો મોચરસથી પકાવેલું દૂધ આપવામાં આવે છે. તે મરડો, રક્તાતિસાર, ઉર:ક્ષત, રક્તવમન, ક્ષયમાં થતી લોહીની ઊલટી અને રક્તપ્રદરમાં ઉત્તમ ઔષધ ગણાય છે. કફઘ્ન અને વાજીકરણનાં ઔષધોમાં મોચરસનો ઉપયોગ થાય છે. મોચરસ અને લાખ સવાર-સાંજ 3.0–3.0 ગ્રા. અને તેટલી જ સાકર દૂધ સાથે ફાકી જવાથી ઉર:ક્ષત (ફેફસાંમાંથી લોહી પડતું હોય તે) મટે છે. તે અત્યાર્તવ (meno-rrhagia) અને ઇન્ફ્લુઍન્ઝામાં પણ ઉપયોગી છે.
ગુંદર અને દિવેલ મિશ્ર કરી લોખંડનાં પાત્રોના સાંધા પૂરવા માટે સિમેન્ટ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ભાલચન્દ્ર હાથી
બળદેવભાઈ પટેલ