મોર્વાં, આન્દ્રે

February, 2002

મોર્વાં, આન્દ્રે (જ. 26 જુલાઈ 1885, એલબ્યૂફ, ફ્રાન્સ; અ. 9 ઑક્ટોબર 1967, પૅરિસ) : ફ્રેન્ચ નવલકથાકાર તથા જીવનચરિત્રલેખક. એમિલ હેઝાગનું લેખક તરીકેનું એ તખલ્લુસ હતું. તેમણે એમનાં જીવન તથા લખાણોમાં ફ્રેન્ચ લેખક મૉન્તેનના ચેતના-સામર્થ્યને પ્રાપ્ત કરવા પ્રયાસ કર્યો હતો. એમાં એક નાસ્તિકની વિરક્તિ તથા વિનોદનું કલાત્મક મિશ્રણ હતું. તેમની શ્રેષ્ઠ કૃતિઓમાં આ લક્ષણો સ્પષ્ટતયા વરતાય છે.

આન્દ્રે મોર્વાં

અંગ્રેજ તથા ફ્રેન્ચ લેખકોની જીવનકથાઓના રચયિતા તરીકે સાહિત્યક્ષેત્રે એમનું વિશિષ્ટ સ્થાન છે. તેમાં સૌથી વિશેષ પ્રસિદ્ધિ પામેલી કૃતિઓ છે : શૅલીની ´એરિયલ´ (1923), બેન્જામિન ડિઝરાયલીની ´ધ લાઇફ ઑવ્ ડિઝરાયલી´ (1927), લૉર્ડ બાયરનની ´ડૉન જુઆન´ (1930), જ્યૉર્જ સૅન્ડની ´લેલા´ (1952), વિક્ટર હ્યૂગોની ´ઑલિમ્પિયો´ (1954) અને ઍલેક્ઝાન્ડર ડૂમાના કુટુંબની 3 પેઢીઓની કથા ´ધ ટાઇટન્સ´ (1957).

પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) દરમિયાન એમણે બ્રિટિશ સૈન્યના ફ્રેન્ચ સંપર્ક અધિકારી તરીકે કાર્ય સંભાળ્યું હતું. એમના યુદ્ધના અનુભવો પર આધારિત એમની 2 હાસ્યપ્રધાન નવલકથાઓ ´ધ સાઇલન્સ ઑવ્ કર્નલ બ્રૅમ્બલ´  (1918) અને ´લા ડિસ્કૉર્સ દ ડૉક્ટર ઓગેડી´ (1922) પ્રસિદ્ધ થઈ અને એ સર્જનોથી એમનું સુરેખ તથા લાલિત્યસભર શૈલી ધરાવતા એક નિષ્ણાત નવલકથાકાર તરીકેનું સ્થાન નિશ્ચિત બન્યું. એમણે ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સનો લોકપ્રિય ઇતિહાસ પણ લખ્યો છે. 1938માં ફ્રેન્ચ એકૅડેમીમાં એમની વરણી થઈ. ´મોર્વાં મેમ્વાર´ (1885થી 1967) નામે સંસ્મરણગ્રંથ 1970માં પ્રસિદ્ધ થયો.

જયા જયમલ ઠાકોર