મૉર્ફિન (આયુર્વિજ્ઞાન) : અફીણ-જૂથની પીડાશામક દવા. (જુઓ અફીણ). હૃદયના સ્નાયુમાં લોહીનું પરિભ્રમણ બંધ થઈ જવાથી હૃદયના સ્નાયુનો કેટલોક ભાગ મૃત્યુ પામે છે. તેને હૃદ્-સ્નાયુ-પ્રણાશ (myocardial infarction) અથવા સાદી ભાષામાં હૃદયરોગનો હુમલો કહે છે. તેમાં થતી પીડાના શમન માટે મૉર્ફિન પ્રથમ પસંદગીની દવા છે. હૃદયનું ડાબું ક્ષેપક જ્યારે ક્રિયાનિષ્ફળતા પામે ત્યારે તેને વામક્ષેપકીય અનુપાત (left ventricular failure) કહે છે. તે સમયે ફેફસાંમાં પાણી ભરાય છે. તેને ઉગ્ર ફેફસીશોફ (acute pulmonary oedema) કહે છે. તેમાં પણ મૉર્ફિન સહઔષધ તરીકે વપરાય છે. કૅન્સરના છેલ્લા તબક્કામાં તીવ્ર પીડા થાય છે. તેમાં મૉર્ફિન મુખમાર્ગે અપાય છે.
ઔષધવિદ્યા : ચેતાતંત્રમાંના ´mu´ સ્વીકારકો પર અસર કરીને તે પીડાશમન કરે છે. સ્નાયુમાં અપાતા ઇન્જેક્શનમાં 10 મિગ્રા.ની માત્રા જે અસર કરે છે તેટલી અસર મુખમાર્ગે 60 મિગ્રા. આપતાં થાય છે; જોકે લાંબા સમયે મુખમાર્ગી માત્રા અર્ધી થાય તોપણ તેટલી જ અસર રહે છે. વ્યક્તિગત કિસ્સામાં મૉર્ફિનની માત્રા તેની પીડાની તીવ્રતા પર આધારિત છે.
સારણી 1 : મૉર્ફિનનો ક્રિયારંભ (onset of action), અધિકતમ ક્રિયાકાલ (time to peak action) અને ક્રિયા–અવધિ (duration of action)
પ્રવેશમાર્ગ | ક્રિયારંભ | અધિકતમ ક્રિયાકાલ | ક્રિયા-અવધિ | |
1. | ર્દઢતાનિકાની બહાર (અધિર્દઢતાનિકી, epidural) | 15–60 મિ. | – | 24 કલાક |
2. | સ્નાયુમાં અંત:સ્નાયવી (intramuscular) | 10–30 મિ. | 30–60 મિ. | 4–5 કલાક |
3. | જાલતાનિકાની નીચે (અંતસ્તાનિકી, intrathecal) | 15–60 મિ. | – | 24 કલાક |
4. | નસ વાટે (શિરામાર્ગી, intravenous) | તુરત | 20 મિ. | 4–5 કલાક |
5. | મુખમાર્ગી | 20–60 મિ. | 1–2 કલાક | 4થી 12 કલાક |
6. | મળાશયમાર્ગી (rectal) | 20–60 મિ. | – | – |
7. | ચામડીની નીચે (અવત્વકીય, subcutaneous) | 10–30 મિ. | 50–90 મિ. | 4–5 કલાક |
તે મુખ્યત્વે મૂત્રમાર્ગે (85 %) અને પિત્તમાર્ગે શરીરમાંથી બહાર નીકળે છે. આશરે 9થી 12 % જેટલું ઔષધ જેમનું તેમ બહાર નીકળે છે. તે ઝિડોવુડિન નામની દવા સાથે અપાય તો બીજી દવાનો ઉત્સર્ગ ઘટે છે અને તે બંને કે બેમાંથી કોઈ એકની ઝેરી અસર જોવા મળે છે. તેની મુખ્ય આડઅસર કબજિયાત છે. તે વધુ માત્રામાં શ્વસનતંત્રનું અવદાબન પણ કરે છે.
લાંબા ગાળાના તીવ્ર દુખાવામાં મુખમાર્ગી પ્રવેશ વધુ સગવડભર્યો રહે છે. કૅન્સરના છેલ્લા તબક્કાનો દર્દી તેની માત્રા તથા બે માત્રા વચ્ચેનો સમયગાળો નક્કી કરીને સંપૂર્ણ અને સતત પીડામુક્તિ મેળવી શકે છે. તે સમયે તેનો કુપ્રયોગ કે બંધાણી થઈ જવાનો ખાસ ભય હોતો નથી. જોકે સમયાંતરે માત્રા ઘટાડવાનો પ્રયત્ન જરૂર કરાય છે. જો પ્રવાહી-સ્વરૂપે અપાય તો તેને ફળના રસ સાથે અપાય છે. જો લાંબો સમય સક્રિય રહે એવી વિશિષ્ટ પ્રકારની ગોળી હોય તો તેને આખેઆખી ગળવી પડે છે. ચામડી નીચે અપાતું ઇન્જેક્શન બળતરા, દુખાવો અને કાઠિન્ય કરે છે, તેથી વારંવાર ઇન્જેક્શન આપવાં પડે તેમ હોય તો સ્નાયુમાં તે અપાય છે. અમેરિકામાં ફક્ત નસ વાટે આપવાનાં ઇન્જેક્શનો પણ મળે છે.
મુખમાર્ગે આપવા માટે મૉર્ફિન હાઇડ્રોક્લોરાઇડનું સિરપ (મિષ્ટ દ્રાવણ) તથા ગોળીઓ મળે છે. લાંબો સમય અસરકારક રહે તેવી ગોળીઓ પણ મળે છે. આ ઉપરાંત મૉર્ફિન સલ્ફેટની ટૂંકો સમય કે લાંબો સમય અસરકારક રહેતી કૅપ્સ્યૂલો, મુખમાર્ગી દ્રાવણ, મિષ્ટ દ્રાવણ તથા ટૂંકા કે લાંબા સમય માટેની ગોળીઓ પણ મળે છે. મૉર્ફિન સલ્ફેટની ઓગળી શકે તેવી ગોળીઓ પણ મળે છે. મૉર્ફિન ક્લોરાઇડ તથા મૉર્ફિન સલ્ફેટની મળાશયમાં મૂકવાની ગોળી પણ મળે છે ચામડી નીચે, સ્નાયુમાં, નસ વાટે, ર્દઢતાનિકાની બહાર કે જાલતાનિકાની નીચે આપવાના ઇન્જેક્શન રૂપે મૉર્ફિન સલ્ફેટ વપરાય છે. જ્યારે પણ ગોળી લેવામાં આવે ત્યાં તેને આખેઆખી ગળવી પડે છે.
મૉર્ફિનના ઉપયોગને કારણે ઘેન આવે કે શ્વસનક્રિયાનું અવદાબન થઈ શકે છે. તેની સાથે મદ્યપાન ન કરવાનું સૂચવાય છે. તેના બંધાણી થવાનો ભય પણ રહે છે. (જુઓ ઔષધ વ્યસનાસક્તિ અને ઔષધ કુપ્રયોગ)
શિલીન નં. શુક્લ