મૉર્નિંગ ફેસ (1968) : ભારતીય નવલકથાલેખક, નિબંધકાર અને કલાવિવેચક મુલ્કરાજ આનંદ(જ. 1905)ની આત્મકથાત્મક નવલ. આત્મકથાના 7 ગ્રંથોની મહત્વાકાંક્ષી શ્રેણીનો આ સુદીર્ઘ અને પ્રથમ ગ્રંથ છે.

આ નવલકથામાં પંજાબની પાર્શ્વભૂમિકામાં લાલા લજપતરાય, રોલૅટ કાયદા તથા જલિયાંવાલા બાગના સમયગાળાનાં હિંસક તથા ઉદ્દામવાદી ઉશ્કેરાટભર્યાં વર્ષોનું કથાચિત્રણ છે. બહુવિધ પ્રસંગોની હારમાળા કૃષ્ણ નામના કિશોરના જીવનમાં ગૂંથી લેવાઈ છે; કૃષ્ણના પરિવારને એકથી બીજા સ્થળે સતત ભટકતા રહેવાનું આવી પડે છે. કૃષ્ણના ઘડતરની નાનામાં નાની ઘટનાનું અત્યંત વિગતપૂર્ણ અને ચીવટપૂર્વક આલેખન કરીને તેનું શૈશવ તથા તેના યૌવનકાળનાં આશંકા અને ઉત્તેજના કથાપટમાં આલેખાયાં છે. તેમની શૈલી ચિત્રાત્મક છે. આમાં કૃષ્ણના શિક્ષણની વિકાસપ્રક્રિયા આલેખીને નવલકથાકારનું શબ્દચિત્ર ઉપસાવવાનો પ્રયાસ છે. કૃષ્ણની ભાઈ પ્રત્યેની અદેખાઈ ઉપરાંત લશ્કરી સેવામાં કર્નલ રહેલા પિતાની જડતા વિશે વારંવાર ઉલ્લેખો આવ્યા કરે છે; શાળાના અનેક સ્નાયુબદ્ધ શિક્ષકોની સજાતીય કામેચ્છાનો તે ઘણી વાર ભોગ બને છે. લેખક બનવાના તેના સપના પ્રત્યે સમભાવ દાખવવાની પણ તેમાં વાત છે; સાથોસાથ તેને રમાડવા આવતી ઉંમરલાયક સ્ત્રીઓના આશ્લેષથી જન્મતી કામોદ્દીપનની મૂંઝવણને સમજવાની-ઉકેલવાની મથામણ પ્રત્યે પણ સહાનુભૂતિ દાખવવાની નાયક અપેક્ષા રાખે છે. વળી પોતાના પિતા પ્રત્યેની બળવાખોરીની સમગ્ર પ્રક્રિયાની નિર્દંભ રજૂઆત ઉપરાંત નવલકથામાં પોતાના વડીલોના રાજકીય ડહાપણ પ્રત્યે પણ ઉગ્ર આક્રોશ આલેખાયો છે. કિશોરાવસ્થામાં પ્રવેશ થયેથી કૃષ્ણ પોતાની કામવૃત્તિની સમસ્યાઓ વિશ્વાસપૂર્વક હલ કરી શકે છે અને ગાંધીજીનું ´હિંદ સ્વરાજ´ વાંચ્યા પછી નિજી રાજકીય વ્યક્તિત્વ દાખવતો થાય છે ત્યાં નવલકથા પૂરી થાય છે.

મહાનવલસહજ પરિમાણ ધરાવતી આ કથામાં છેલ્લી અર્ધી સદી દરમિયાન બદલાતા રહેલા ભારતના માનવજીવનની કરુણતાનો ચિતાર જોવાય છે. તેના મહાકાવ્યોચિત વિસ્તૃત ફલક તથા વાસ્તવલક્ષી ચરિત્રાલેખનના પરિણામે આ નવલ ભારતમાંના સમકાલીન આંગ્લ સર્જનમાં ગણનાપાત્ર ઉમેરણ લેખાયું છે.

આ આત્મકથાત્મક નવલને સાહિત્ય અકાદમીનો 1971ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી