મૉર્ટન, વિલિયમ ટૉમસ ગ્રીન

February, 2002

મૉર્ટન, વિલિયમ ટૉમસ ગ્રીન (જ. 9 ઑગસ્ટ 1819; અ. 15 જુલાઈ 1868, ન્યૂયૉર્ક) : શસ્ત્રક્રિયામાં દરદીને સંવેદના બહેરી કરવા ઈથરનો પ્રથમ પ્રયોગ કરનાર અમેરિકાના દંતચિકિત્સક. તેમનો જન્મ મૅસેચૂસેટ્સ રાજ્યના કાર્લટન ખાતે એક સાધનસંપન્ન ખેડૂત અને દુકાન ધરાવનારના કુટુંબમાં થયો હતો. તેમણે સામાન્ય શાલેય શિક્ષણ નૉર્થ-ફીલ્ડ એકૅડેમીમાંથી પ્રાપ્ત કર્યું. 1840માં અમેરિકાની પ્રથમ બાલ્ટિમોર કૉલેજ ઑવ્ ડેન્ટલ સર્જરીમાં દંતવિદ્યાના અભ્યાસાર્થે દાખલ થયા અને બે વર્ષ બાદ પ્રથમ સ્નાતક બનીને બહાર પડ્યા.

દાંતના ચોકઠામાં કૃત્રિમ દાંત બેસાડવા માટેના રેણની તેમણે પ્રથમ શોધ કરી; પરંતુ આ રેણ કરવાની પ્રથામાં દર્દીને ખૂબ પીડા સહન કરવી પડતી હતી. આ ચોકઠાને સરળતાથી બેસાડવા માટે સડી ગયેલા દાંત તેમજ તંદુરસ્ત દાંત કાઢી લેવામાં આવે છે, આથી દાંત ઉખાડવાની પીડારહિત પદ્ધતિની શોધની તેમને જરૂર જણાઈ.

ઈ. સ. 1842માં હાર્ટફર્ડ(કનેક્ટિકટ)માં હૉરેસ વેલ્સ નામના એક જુવાન દંતચિકિત્સકે નિશ્ચેતનીકરણ માટે લાફિંગ ગૅસ(નાઇટ્રસ ઑક્સાઇડ)નો ઉપયોગ કરીને દાંત ઉખાડવાનો પ્રયત્ન કર્યો. પ્રથમ તેમણે આ પદ્ધતિ પોતાના ઉપર અજમાવી અને તેમણે કોઈ જાતની પીડા અનુભવી નહિ, પરંતુ આ જ પ્રયોગ અન્ય દરદી ઉપર કરતાં એક દરદી મૃત્યુ પામ્યો. આ અખતરામાં મૉર્ટનને હાર્સ વલ્સારેએ સાથ આપ્યો. આવા અખતરા વેલ્સે અન્ય સ્થળે પણ કર્યા, પરંતુ ત્યાં પણ સફળતા મળી નહિ. હિંમત હારી ગયેલા વેલ્સે આખરે આત્મહત્યા કરી, જ્યારે મૉર્ટને સંશોધન આગળ ચાલુ રાખ્યું અને ઈથર દ્વારા નિશ્ચેતનીકરણની પદ્ધતિ અપનાવી. આમ તો ઈથરના સંવેદનાહારક ગુણ અંગેની જાણકારી સોળમી સદીથી થયેલી હતી. મૉર્ટને કીટકો, માછલાં, મરઘી, પોતે પાળેલાં કૂતરાં અને આખરે પોતાની જાત ઉપર અખતરા કર્યા અને અખતરા સફળ થતાં તેમણે તેમના સાથીઓને બોલાવી ઈથરની મદદથી પોતાના જ મોંમાંથી દાંત ખેંચી કાઢવા જણાવ્યું. મૉર્ટનને સંવેદના થઈ નહિ. 30 સપ્ટેમ્બર, 1846ના રોજ મૉર્ટને ઇબેન ફ્રૉસ્ટ નામની વ્યક્તિનો મૂળથી સખત ચોંટેલો દાંત બિલકુલ પીડા સિવાય ઉખાડી આપ્યો.

ત્યારબાદ મૉર્ટને ઈથર સૂંઘાડવાની બાટલીની શોધ કરી. મૅસેચૂસેટ્સના ચિકિત્સાલયમાં બે વ્યક્તિઓ ઉપર તેમણે એક જાહેર પ્રયોગ યોજ્યો. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સર્જરીના પ્રાધ્યાપક ડૉ. જૉન સી. વૉરેને આ પદ્ધતિને અનુસરીને શસ્ત્રક્રિયા કરવાનું સ્વીકાર્યું. 16 ઑક્ટોબર, 1846ના રોજ તેમણે ગિલ્બર્ટ ઍબટ નામના દર્દીના ગળામાંથી ગાંઠ કાઢી. ઈથરની અસરમાંથી મુક્ત થયા બાદ દર્દીએ જાહેર કર્યું કે તેને શસ્ત્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની પીડા થઈ ન હતી.

દાંત ખેંચી નાખતી વખતે પીડા ઓછી થાય તે માટે મૉર્ટને અફીણ અને દારૂ વાપરવાના પ્રયોગો પણ કરી જોયા હતા, પરંતુ આ પ્રયોગની અસર હેઠળ દર્દી આઘાતથી માંદા પડવા માંડ્યા અને તેથી તેને બદલે ઈથરના પ્રયોગો ચાલુ કર્યા. ઈથરના પ્રયોગોની સલાહ મૉર્ટનને ચાર્લ્સ જૅક્સન નામના કેમિસ્ટે આપેલી. ઈથરની અસર હેઠળ મૅસેચૂસેટ્સના ચિકિત્સાલયમાં ગાંઠની શસ્ત્રક્રિયાના સફળ નિર્દેશન પછી ઈથરના સફળ અખતરાની ખ્યાતિ ઇંગ્લૅન્ડ અને યુરોપના દેશો સુધી ફેલાઈ. ડિસેમ્બર, 1846માં રૉબર્ટ લિસ્ટન નામના સર્જને ઈથર વાપરીને લંડનની યુનિવર્સિટી-કૉલેજના ચિકિત્સાલયમાં અંગોચ્છેદનની સફળ શસ્ત્રક્રિયા કરી.

મૉર્ટનની આર્થિક પરિસ્થિતિ નબળી હતી, કારણ કે દંતવૈદ્યો, સર્જનો અને ચિકિત્સાલયોએ મૉર્ટનને કોઈ પણ પ્રકારની રૉયલ્ટી તેમના પેટન્ટ સંશોધન ઉપર આપી નહોતી. હતાશ થઈને તેમણે 1849માં અમેરિકાની કૉંગ્રેસ સમક્ષ રૉયલ્ટી તરીકે આર્થિક પુરસ્કાર માટે અરજ કરી. વેલ્સનાં વિધવા પત્નીએ પણ પોતાના પતિના કાર્ય માટે પુરસ્કારની માગણી મૂકી. આમાંથી ઈથર-પેટન્ટ વિખવાદ ઉદભવ્યો. તે અગાઉ ડૉ. ચાર્લ્સ ટી. જૅક્સન, કે જેણે મૉર્ટનને પેટન્ટ મેળવવામાં મદદ કરી હતી તેણે આ દવા ´લિથિયૉન´ના નામ નીચે પેટન્ટ કરાવી હતી. જૅક્સને એવો દાવો કર્યો કે આખી શોધ મૂળ પોતાની જ છે અને તેથી રૉયલ્ટી માટે જાતે માગણી મૂકી. રૉયલ્ટી માટે અન્ય વ્યક્તિઓએ પણ આવો દાવો કર્યો.

મૉર્ટન અને જૅક્સન વચ્ચેનો વિવાદ 1862 સુધી ચાલ્યો. તેમાં મૉર્ટનનું પેટન્ટ સત્તાવાર રીતે નામંજૂર થયું. આથી મૉર્ટનને ખૂબ આઘાત પહોંચ્યો અને તેઓ ન્યૂયૉર્કમાં લાચાર સ્થિતિમાં અવસાન પામ્યા.

મૉર્ટનની યાદગીરીમાં બૉસ્ટનમાં તેમનું એક મરણોત્તર સ્મારક રચવામાં આવ્યું છે.

રા. ય. ગુપ્તે