મૉર્ગેન્સ્ટર્ન, ક્રિશ્ચિયન

February, 2002

મૉર્ગેન્સ્ટર્ન, ક્રિશ્ચિયન (જ. 6 મે 1871, મ્યૂનિક; અ. 31 માર્ચ 1914, મેરન, ઑસ્ટ્રિયા–હંગેરી) : જર્મનીના કવિ અને હાસ્યલેખક. તેમણે બ્રેસલો અને બર્લિનની યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો; ત્યાં 1893માં તેમને ક્ષય થયો હોવાનું નિદાન થયું અને તેના પરિણામે જ છેવટે તેમનું અવસાન થયું.

અભ્યાસ છોડી તેઓ પ્રવાસે નીકળી પડ્યા અને થોડો વખત નૉર્વેમાં રહ્યા; ત્યાં ઇબ્સનના જ સહકારથી ઇબ્સનરચિત પદ્ય-નાટકોના અનુવાદ કર્યા. નૉર્વેના બીજા પણ નામી નાટ્યકારોનાં નાટકોના અનુવાદ કર્યા.

તેમની પ્રારંભિક ગંભીર કવિતા નિત્શેના પ્રભાવ હેઠળ લખાઈ છે; તેમાં ´ઇન ફૅન્ટાઝ પૅલેસ´માં વૈશ્વિક, પૌરાણિક તથા તત્વચિંતનના ખયાલો સહજ હળવાશથી ગૂંથી લેવાયા છે. ´આઇ ઍન્ડ ધ વર્લ્ડ´ (1898), ´વન સમર´ (1900), ´ઇન્ટ્રૉસ્પેક્શન´ (1910) તથા ´વી ફાઉન્ડ અ પાથ´માંની કાવ્યરચનાઓ બૌદ્ધ ધર્મ તથા નૃવંશવિજ્ઞાની રુડૉલ્ફ સ્ટીનરના પ્રભાવ હેઠળ લખાઈ છે.

તેમને જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી તે તો તેમની અર્થશૂન્ય (non-sense) કાવ્યરચનાને કારણે. તેમાં તેમણે નવા શબ્દો શોધ્યા–પ્રયોજ્યા છે; સામાન્ય અને પ્રચલિત શબ્દોને વિચિત્ર સંદર્ભમાં મૂકીને અર્થ-વિકૃતિ પ્રયોજી છે તથા વાક્ય-માળખાંને અસ્તવ્યસ્ત કર્યાં છે પણ એ તમામ કાવ્યપ્રક્રિયામાં તાર્કિક અને કટાક્ષલક્ષી ર્દષ્ટિબિંદુ રહેલું છે. આ પ્રકારના અર્થશૂન્ય કાવ્યગ્રંથોમાં ´ગૅલોઝ સૉંગ્ઝ´ (1905), ´પામસ્ટ્રૉમ´ (1910) તથા મરણોત્તર પ્રકાશિત થયેલા 3 ગ્રંથો ´પાલ્મા કુન્કેલ´ (1916), ´ગિન્ગાન્ઝ´ (1919) તથા ´ધ નૉઇઝ મિલ´(1928)નો સમાવેશ થાય છે.

મહેશ ચોકસી