મૉરી, મેથ્યુ ફૉન્ટેન (જ. 14 જાન્યુઆરી 1806, સ્પૉટસિલ્વેનિયા, કાઉન્ટી, વર્જિનિયા, અમેરિકા; અ. 1 ફેબ્રુઆરી 1873) : અમેરિકાના સાગર-અભ્યાસી નૌસેના-અધિકારી. સાગરનો સુયોજિત તથા વિસ્તૃત અભ્યાસ કરનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા. સાગરવિજ્ઞાન તથા નૌકાસંચાલન વિશેની તેમની ભગીરથ કામગીરીને પરિણામે 1853માં બ્રસેલ્સ ખાતે એક આંતરરાષ્ટ્રીય પરિષદ ભરવામાં આવી અને તેમાં ઇન્ટરનૅશનલ હાઇડ્રૉગ્રાફિક બ્યૂરો તથા હવામાનશાસ્ત્રનાં તારણો માટેનાં આંતરરાષ્ટ્રીય ધોરણોની સ્થાપના કરવામાં આવી તેમજ સાગર પર હવામાન-સમાચાર મોકલવા માટે એકસમાન પદ્ધતિ ઊભી કરવામાં આવી.
1839માં એક સ્ટેજકોચના અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી સક્રિય સેવા અને કામગીરી તેમને છોડી દેવી પડી. તેમણે વૉશિંગ્ટનમાં ´ડેપો ઑવ્ ચાર્ટ્સ ઍન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ´નો હવાલો સંભાળી લીધો (1842). એ સંસ્થાના પગલે પગલે અને તેના ફળસ્વરૂપે ´યુ. એસ. નેવલ ઑબ્ઝર્વેટરી´ તથા ´યુ. એસ. નેવલ ઓશનૉગ્રાફિક ઑફિસ´ની સ્થાપના થઈ શકી. આ હોદ્દાના કાર્યકાળ દરમિયાન તેમણે જૂની તેમજ સાંપ્રત વહાણપ્રવાસપોથીઓના આધારે સાગરવિજ્ઞાનને લગતી ભરચક તથા કીમતી માહિતીનું સંકલન કર્યું. 1847માં તેમણે ઉત્તર આટલાન્ટિક સાગર માટે સર્વપ્રથમ ´વિન્ડ ઍન્ડ કરન્ટ ચાર્ટ્સ´ પ્રગટ કર્યો.
આંતરવિગ્રહ દરમિયાન તેઓ ´કૉન્ફેડરેટ નૅવી´ના કૅપ્ટન હતા અને એ દરમિયાન તેમણે સુરંગ-યુદ્ધ તથા ટૉર્પીડોના અભ્યાસ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. 1868માં તેમણે લૅક્સિંગ્ટનમાં વર્જિનિયા મિલિટરી ઇન્સ્ટિટ્યૂટમાં ભૌતિકશાસ્ત્રનું વિદ્યાસન (chair) સ્વીકાર્યું.
મહેશ ચોકસી