મૉન્તેસ્ક, ચાર્લ્સ લુઈ (જ. 18 જાન્યુઆરી 1689; અ. 10 ફેબ્રુઆરી 1755) : ફ્રેંચ રાજકીય ચિંતક, ઇતિહાસકાર અને કાયદાના તજ્જ્ઞ. તેમનું મૂળ નામ ચાર્લ્સ-દ-સેકોન્ટેડ હતું અને તેમને દ-લા-બ્રેડેટ-દ-મૉન્તેસ્કને ખિતાબ મળ્યો હતો. આર્થિક રીતે સમૃદ્ધ કુટુંબના સભ્ય હોવાથી તેમજ કાયદાનો અભ્યાસ કૌટુંબિક પરંપરા હોવાથી, પ્રારંભથી જ તેમનામાં અભ્યાસ માટેની લગની હતી. તેમણે પૅરિસમાં અભ્યાસ કર્યો. તેઓ ફ્રાંસના બૉર્દો નગરની અદાલતના સભ્ય હતા અને 10 વર્ષ સુધી આ સ્થાને કામ કર્યું અને પછીથી એ જ વિસ્તારના પ્રમુખ બન્યા. આગળ જતાં તેઓ બૉર્દોની અકાદમીના ચૂંટાયેલ સભ્ય પણ બન્યા. તત્ત્વજ્ઞાન, પ્રાકૃતિક વિજ્ઞાનો અને અન્ય ક્ષેત્રોમાં ઊંડો રસ હોવાથી વ્યાપક વાચન અને જ્ઞાન-વિજ્ઞાનની ધખના તેમનામાં સતત કામ કરતી હતી.
1721માં તેમના ‘પર્શિયન લેટર્સ’ (Persian Letters) ગ્રંથનું પ્રકાશન થયું; જેમાં ફ્રેંચ સમાજ, રાજકારણ, તેની સંસ્થાઓ અને ધર્મ પર ટીકાત્મક વ્યંગ કરવામાં આવ્યો હતો. તેમની આ કીર્તિદા કૃતિએ તેમને બુદ્ધિજીવીઓની પ્રથમ હરોળમાં સ્થાન અપાવ્યું. ‘હું જ રાજ્ય છું’ એમ કહેનાર 14મા લુઈના સમય દરમિયાન 1727માં તેમને ફ્રેંચ અકાદમીનું સભ્યપદ એનાયત થયું. 1728થી ’31 સુધી યુરોપભ્રમણ દરમિયાન ઑસ્ટ્રિયા, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ, રહાઇન અને જર્મની, હોલૅન્ડ (હાલનું નેધર્લૅન્ડ્ઝ) અને ઇંગ્લૅન્ડનો પ્રવાસ કર્યો. આ દરમિયાન 1729થી ’31, લગભગ બે વર્ષ સતત ઇંગ્લૅન્ડમાં વસવાટ કર્યો અને તેની રાજકીય પદ્ધતિમાં ઊંડો રસ લઈ આમસભાની બેઠકોનું અવલોકન કરી સમગ્ર રાજકીય વ્યવસ્થા વિશે ઊંડું ચિંતન કર્યું. વિદેશપ્રવાસેથી પાછા ફર્યા બાદ પોતાના વતનમાં નિવૃત્ત-જીવન પસંદ કરી તેમણે વિદ્યાવ્યાસંગ ચાલુ રાખ્યો.
1734માં ‘કૉઝિઝ ઑવ્ ધ ગ્રેટનેસ ઑવ્ ધ રોમન્સ ઍન્ડ ધેર ડિક્લાઇન’નું પ્રકાશન કર્યું. એમાં પ્રજાસત્તાક રાજકારણની તાકાત પર પ્રકાશ પાડી લોકેચ્છાની સતત અવગણના સામ્રાજ્યોની પડતીનું મુખ્ય કારણ બની શકે છે તે દર્શાવ્યું. આ અભ્યાસ થકી રાજા 14મા લુઈના શાસનમાં રહેલાં છીંડાંઓ પ્રત્યે તેમણે અંગુલિનિર્દેશ કર્યો. સત્તાનું સંપૂર્ણ કેંદ્રીકરણ – એક જ વ્યક્તિના હાથમાં તમામ સત્તા હોવી તે – કેટલું જોખમી છે તે પ્રત્યે પણ ધ્યાન દોર્યું. તેમનો આ ગ્રંથ ઐતિહાસિક તત્વજ્ઞાનનો મહત્વનો ગ્રંથ પુરવાર થયો અને તેમને યુરોપભરમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી.
દીર્ઘ અભ્યાસ કરવાની તેમની ટેવને કારણે તેઓ માનવવર્તન અને સંસ્થાઓનું સતત પૃથક્કરણ કરતા રહેતા હતા. યુરોપભ્રમણ દરમિયાન ઇંગ્લૅન્ડની લોકશાહીની અસરકારકતાથી તેઓ ઝાઝા પ્રભાવિત હતા. આથી અંગ્રેજ વિચારક અને સામાજિક કરારના પ્રસિદ્ધ સમર્થક લૉકના ચિંતનમાં અવગાહન કર્યું. પ્રજાસત્તાક, રાજાશાહી અને આપખુદ – એમ ત્રણ પ્રકારની સરકારોનો તેમણે તુલનાત્મક અભ્યાસ કર્યો. આ તમામ અભ્યાસોના નિચોડ રૂપે ‘સ્પિરિટ ઑવ્ લૉઝ’ (1750) ગ્રંથ પ્રકાશિત કર્યો, જે તેમના અભ્યાસનું ઊંડાણ, વિચારોની સ્પષ્ટતા, બૌદ્ધિક ચમકારા અને સરળ શૈલી પ્રગટ કરે છે. આ ગ્રંથના મૌલિક ચિંતન દ્વારા તેમણે સત્તાવિશ્લેષણના સિદ્ધાંતની રજૂઆત કરી. આ માટે કાયદાઓનું ઊંડું અધ્યયન કર્યું. વધુમાં કાયદાઓ સરકારના પ્રકાર સાથે સંકળાયેલા છે તેમજ દેશના મૂળ વતનીઓ, તેમની ભૌતિક ખાસિયતો, ઠંડી, ગરમી, હવામાન, કદ, તેની ભૂમિરચના, ધર્મ, સંખ્યા, નૈતિક મૂલ્યો, રૂઢિરિવાજ સાથે કાયદાઓનું સ્વરૂપ બદલાય છે એમ કહી સત્તાવિશ્લેષણના સિદ્ધાંતની પાયાની અને મહત્વની ભૂમિકા તૈયાર કરી. તેમના મતે રાજકીય જીવન દ્વારા વ્યક્તિસ્વાતંત્ર્યની બાંયધરી મળતી હોવી જોઈએ, જેથી નાગરિકો સત્તાના જુલ્મથી બચી શકે. સત્તાના જુલ્મો રોકવા-અટકાવવા એ કોઈ પણ રાજકીય પદ્ધતિની તાતી જરૂરિયાત હોય છે. સત્તાનું અતિક્રમણ રોકવા માટે સરકારનાં ત્રણ અંગો – ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર–ની સત્તા અલગ અલગ રીતે વહેંચવી જોઈએ; જેથી પહેલે તબક્કે જ સત્તાના દુરુપયોગની શક્યતા ઘટાડી દેવાય. તેથી આગળ વધીને કોઈ એક અંગ અન્ય અંગોની સત્તાઓના ઉપયોગ પર અંકુશ રાખે તેવી જોગવાઈ પણ સામેલ હોવી જોઈએ. ટૂંકમાં, સરકારનાં ત્રણ અંગો વચ્ચે સત્તાની વહેંચણી કર્યા બાદ, એક અંગ પર અન્ય અંગો અંકુશ રાખે તેવી જોગવાઈઓ કરવી અને તે દ્વારા સત્તાવહેંચણીમાં સમતુલા જાળવવી, આવું કાર્યાત્મક વિભાજન કરવાથી સત્તાના જુલ્મો અટકાવી શકાય તેમજ માનવસ્વાતંત્ર્યને સુરક્ષિત રાખી શકાય છે. આમ તેમણે સત્તાવિશ્લેષનો યા અંકુશ અને સમતુલાનો સિદ્ધાંત રજૂ કર્યો. આ રીતે ‘સત્તા દ્વારા સત્તા પર અંકુશ’ની રજૂઆત કરતો આ સિદ્ધાંત રાજકીય ચિંતન-સાહિત્યનો પ્રશિષ્ટ સિદ્ધાંત બની રહ્યો. ‘માનવ-અધિકારોના ઘોષણાપત્ર’ પર તેમના આ વિચારોનો ભારે પ્રભાવ રહ્યો છે. અમેરિકાના બંધારણના ઘડવૈયાઓએ લંબાણ ચર્ચા કરીને તેના બંધારણમાં આ સિદ્ધાંત પ્રયોજ્યો, જે સત્તાવિશ્લેષણ પરનો પાયાનો દસ્તાવેજ બની રહ્યો.
તેમના આ સિદ્ધાંતનું સમર્થન અને ટીકા–બંને કરવામાં આવે છે. કેટલાક રાજકીય ચિંતકો માને છે કે સત્તાવિશ્લેષણ માનવસ્વાતંત્ર્યના રક્ષણ માટે પાયાની જરૂરિયાત છે. અન્ય કેટલાક રાજકીય ચિંતકોના મતે તેઓ બ્રિટનની રાજકીય પદ્ધતિને, કૅબિનેટ પ્રથાના ઉદભવ અને વિકાસને સમજી શક્યા નહોતા. આમ તેમનો સત્તાવિશ્લેષણનો સિદ્ધાંત વિવાદાસ્પદ રહ્યો. આ ગ્રંથથી તેમને વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મળી. સ્વિસ વૈજ્ઞાનિક ચાર્લ્સ બૉનેટે સત્તાવિશ્લેષણના સિદ્ધાંતોને બૌદ્ધિક જગતના પાયાના નિયમો તરીકે ઓળખાવતાં જણાવ્યું કે ભૌતિક જગતના નિયમોમાં ન્યૂટન જેવું જ પ્રદાન સમાજવિદ્યાઓમાં મૉન્તેસ્કનું છે. આમ છતાં એટલી હકીકત નિર્વિવાદ છે કે આધુનિક સમાજવિદ્યાઓની ઘણી વિદ્યાશાખાઓના તેઓ અગ્રદૂત હતા તેમજ રાજકીય ચિંતનની એક નવી જ દિશા તેમણે ચીંધી હતી. તેઓ ફ્રેંચ ક્રાંતિને પ્રેરણા આપનાર તેમજ તત્કાલીન સાહિત્ય અને ઇતિહાસ પર વ્યાપક પ્રભાવ પાડનાર ચિંતક હતા.
સત્તાવિશ્લેષણના સિદ્ધાંત વિશે થતાં ટીકાટિપ્પણના પ્રત્યુતર રૂપે ‘ડિફેન્સ ઑવ્ સ્પિરિટ ઑવ્ લૉઝ’(1750)નું પ્રકાશન કર્યું. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે ‘એસેઝ ઑન ટેસ્ટ’નું પ્રકાશન કર્યું હતું.
રક્ષા મ. વ્યાસ