મૉન્દ્રીઆં, પીએ

February, 2002

મૉન્દ્રીઆં, પીએ (જ. 7 માર્ચ 1872; અ. 1 ફેબ્રુઆરી 1944) : ડચ ચિત્રકાર. તેમણે વાસ્તવવાદી ર્દશ્યચિત્રો વડે શરૂઆત કરી અને પછી ઘનવાદ(cubism)ની શૈલી અપનાવી. નિસર્ગચિત્ર કે ર્દશ્યચિત્રથી શરૂ કરીને ઘનવાદી ચિત્રો સુધીની આ યાત્રામાં, ચિત્રમાંથી વાસ્તવિક વિગતો ક્રમશ: ઘટતી ગઈ અને ધીમે ધીમે  તેને સ્થાને નજર સમક્ષ દેખાતા ઘટક (object) અનુસાર માત્ર આડી, ત્રાંસી અને ઊભી રેખાઓનાં જાળાં રહ્યાં. એ પછીના તબક્કામાં તેમાંથી ત્રાંસી રેખાઓ દૂર થઈ ગઈ અને માત્ર ઊભી અને આડી રેખાઓ રહી. હવે મૉન્દ્રીઆં તેમની ચરમસિદ્ધિની નજીક પહોંચ્યા. અંતિમ ચરણમાં મૉન્દ્રીઆં માત્ર કાળી આડી ઊભી જાડી રેખાઓ અને તટસ્થ તેમજ શુદ્ધ રંગો વાપરે છે. તટસ્થ રંગ એટલે સફેદ, ભૂખરો (gray) કે કાળો. આથી મૉન્દ્રીઆંની કલા અક્કડ કે શુષ્ક (formal) અને શૂન્યતાસૂચક (nihilistic) લેખાઈ છે. એમાં વિશ્વમાં દેખાતી કોઈ પણ ચીજવસ્તુ કે આકૃતિનું અનુકરણ નહિ, પરંતુ લાલ-પીળા-ભૂરા-કાળા-ભૂખરા અને સફેદ રંગોનાં ચોકઠાં છે અને તે એકસરખી કાળી જાડી રેખાથી સીમાંકિત કરેલાં હોય છે. મૉન્દ્રીઆં માનતા કે કોઈ વિશિષ્ટ માનવ કે ચીજનું નિરૂપણ ટાળવાથી કલા વૈશ્વિક (universal) સ્તરની બની રહે છે. ઊભીઆડી રેખાઓ મૉન્દ્રીઆંના મતે જડત્વ સૂચવે છે અને ત્રાંસી રેખાઓ ગતિ. પોતાની કલામાંથી ગતિની બાદબાકી કરવા તેમણે ત્રાંસી રેખાઓ દૂર કરી. 1930 પછી તેમની કલાનું જડત્વ ઓછું થયું. તેથી જાડી કાળી રેખા દૂર થઈ અને રંગોમાં પણ વૈવિધ્ય આવ્યું અને જાંબલી, કેસરી, લીલા, ભૂખરા રંગો વપરાતા થયા. તેમનાં ચિત્રો પોતે જ પ્રયોજેલાં જડ વળગણોમાંથી છૂટીને શણગારાત્મક (baroque) સ્વરૂપ ધારણ કરવા માંડ્યાં.

1917માં મૉન્દ્રીઆંએ થિયોવાન ડોઝબર્ગ સાથે એક કલાકાર-જૂથની સ્થાપના કરી, જેનું નામ હતું : દ સ્થિલ. તેનો અર્થ થાય, ‘શૈલી’. આ જ નામ હેઠળ કલાનું સામયિક પણ શરૂ કર્યું. આ જૂથે પણ શુષ્ક, નકારાત્મક, નાસ્તિવાદી કલાના પ્રયોગો કર્યા, જેણે 1920 પછી દુનિયાનું ધ્યાન ખેંચ્યું.

પીએ મૉન્દ્રીઆં

સંઘર્ષ અને વ્યક્તિવાદથી પીડાતી દુનિયાને મૉન્દ્રીઆં અને તેમના  જૂથે પોતાની અક્કડ કલા વડે સંવાદિતા અને શુદ્ધ આધ્યાત્મિક સૌંદર્ય બક્ષવાનો પ્રયત્ન કર્યો છે.

અમિતાભ મડિયા