મૉનો ઝાક (લ્યુસિયન) (જ. 9 ફેબ્રુઆરી 1910, પૅરિસ; અ. 31 મે 1976) : ફ્રેંચ જૈવરસાયણશાસ્ત્રી. તેમણે પ્રયોગશાળા મદદનીશ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને ક્રમે ક્રમે તે જ પૅશ્ચર સંસ્થા, પૅરિસના અધ્યક્ષ બન્યા. બીજા વિશ્વયુદ્ધમાં બધું કાર્ય મૂકી ‘ફ્રેંચ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ’માં 1945થી 1953 સુધી જોડાયા.

તેમણે પોતાના વિદ્યાર્થીઓ આન્દ્ર વુલ્ફ અને ફ્રાંસ્વા જેકબ સાથે જનીનિક નિયંત્રણ સમજાવવા ચાર જનીનોની બનેલી ‘ઑપેરોન’ પરિકલ્પના આપી. તેમના આ મૌલિક સંશોધન માટે 1965માં ઔષધવિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું. ઑપેરોનવાદ આદિકોષકેન્દ્રી સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન સમજાવવામાં સફળ નીવડ્યો છે.

જીવવિજ્ઞાનમાં જનીન અભિવ્યક્તિ માટેનું દર્શાવવામાં આવતું મધ્યસ્થ સૂત્ર (central dogma) આ પ્રમાણે છે :

મૉનોએ પ્રત્યંકન કક્ષાએ થતા નિયમનની સમજૂતી આપી. તેમના મત પ્રમાણે ચાલક (operator) જનીન કાર્યરત (on) હોય ત્યારે બંધારણીય (structural) જનીનો પ્રોટીન સંશ્લેષણ કરે છે. પરંતુ તે નિષ્ક્રિય (off) હોય ત્યારે બંધારણીય જનીનો પ્રોટીનનું નિર્માણ કરતા નથી. જનીન અભિવ્યક્તિનું ઋણાત્મક (negative) નિયમન અવરોધક (repressor) પ્રોટીન દ્વારા થાય છે. આ અવરોધક પ્રોટીન બનાવતા જનીનને નિયામકી (regulatory) જનીન કહે છે. અવરોધક પ્રોટીન ચાલક જનીનના એક ભાગ સાથે બંધન પામે તો RNA-પૉલિમરેઝ નામનો ઉત્સેચક અભિવર્ધક (promoter) જનીન સાથે બંધાઈ શકતો નથી. તેથી બંધારણીય જનીનો દ્વારા સંદેશાવાહક RNAનું સંશ્લેષણ થતું નથી અને પ્રોટીનનું નિર્માણ થતું નથી.

પ્રેરક (inducer) અણુ અવરોધક પ્રોટીન સાથે બંધન પામી તેના આકારકીય માળખામાં ફેરફાર કરે છે, જેથી તે ચાલક જનીન સાથે બંધાઈ શકતો નથી. આમ થતાં RNA પૉલિમરેઝ અભિવર્ધક જનીન સાથે બંધન પામે છે; જેથી બંધારણીય જનીનો m RNAનું સંશ્લેષણ કરી પ્રોટીન બનાવે છે. આ પ્રકારના નિયમનને ધનાત્મક (positive) નિયમન કહે છે.

લૅક ઑપેરોન : i, નિયામકી જનીન i mRNAનું સંશ્લેષણ કરે છે, જે અવરોધક પ્રોટીન માટેનું સંકેતન કરે છે. આ પ્રોટીન ચાર ઉપએકમોનું બનેલું હોય છે. અભિવર્ધક (P) RNA પૉલીમરેઝના બંધન માટેનો પ્રદેશ ધરાવે છે. ચાલક જનીન (o) સાથે અવરોધક પ્રોટીન બંધન પામે છે. i જનીન, અભિવર્ધક અને ચાલક જનીનો નિયામકી તત્ત્વો છે. બંધારણીય જનીનો, z, y અને a બહુ સિસ્ટ્રોનિક mRNA ઉત્પન્ન કરે છે, જે ત્રણ ઉત્સેચકો (β-ગૅલેક્ટોસાઇડેઝ, લૅક પર્મીએઝ અને ટ્રાન્સઍસિટિલેઝનું સંકેતન કરે છે.

તેમણે 1971માં પ્રતિપ્રાદિત કર્યું કે સજીવોનાં બધાં સ્વરૂપો આકસ્મિક યાચ્છિક (random) વિકૃતિઓ (તક = chance) અને ડાર્વિનની ‘પ્રાકૃતિક પસંદગી’(જરૂરિયાત = necessity)થી પરિણમે છે. માનવ-અસ્તિત્વની જાળવણી માટે સમગ્ર આયોજન(overall plan)ની કોઈ શક્યતા જ નથી અને વિશાળ અને અનાસ્થાજનક વિશ્વમાં માનવે પોતાનાં મૂલ્યો પોતે જ પસંદ કરવાનાં છે, એમ તેમનું મંતવ્ય હતું.

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ

શિલીન નં. શુક્લ