મૉનોપ્લેન : પાંખની એક જ જોડ હોય તેવું વિમાન. શરૂઆતમાં રાઇટ ભાઈઓ(Wright Brothers)એ જે વિમાન બનાવ્યાં તેમાં પાંખની બે જોડી હતી. તેથી તે બાઇપ્લેન તરીકે ઓળખાયાં હતાં. શરૂઆતમાં રાઇટ ભાઈઓના સફળ ઉડ્ડયન-પ્રયોગ પછી એમ મનાતું હતું કે ઉડ્ડયન સફળતાપૂર્વક કરવા માટે બે અથવા વધુ જોડી પાંખોની હોય તો વિમાનને ઊંચકાવાની શક્તિ(lift force)ની વધુ સહાય મળે, પણ અનેક પ્રયોગોના અનુભવે એમ જણાયું કે પાંખની એક જ જોડી હોય તેવી મૉનોપ્લેન જાતની રચના જ સહુથી વધુ કાર્યક્ષમ હોય છે.

સૌપ્રથમ મૉનોપ્લેન બનાવવાનું શ્રેય રૂમાનિયન શોધક ત્રાજાન વુઈઆ(Trajan Vuia)ને ફાળે જાય છે. તેણે 1906માં આવું વિમાન બનાવ્યું; પરંતુ તે ઉડ્ડયનમાં નિષ્ફળ રહ્યું. આ પછી ફ્રાન્સના લૂઇ બ્લેરિયોએ 1907માં સફળ રીતે ઉડ્ડયન કરી શકે તેવું મૉનોપ્લેન બનાવ્યું અને બે વર્ષ બાદ ઇંગ્લિશ ચૅનલ પર સફળતાપૂર્વક ઉડ્ડયન કરી દેખાડ્યું. તેની આ ઝળકતી ફતેહથી યુરોપમાં મૉનોપ્લેન ડિઝાઇનનાં વિમાનો બનાવવાની શરૂઆત થઈ; પરંતુ અમેરિકાએ 1930 સુધી રાઇટ બંધુઓએ બનાવેલાં બાઇપ્લેન બનાવવાનાં ચાલુ રાખ્યાં. 1930 પછી અમેરિકામાં પણ મૉનોપ્લેન બનાવવાનું શરૂ થયું. બીજા વિશ્વયુદ્ધમાં મૉનોપ્લેનની ડિઝાઇન કારગત નીવડી અને હજુ સુધી તે કાર્યક્ષમ ગણાતી રહી છે. આજનાં લડાયક માલવાહક, ને મુસાફરો માટેનાં વિમાનો મૉનોપ્લેન ડિઝાઇન પર જ આધારિત હોય છે. તેમાં ફ્રાન્સનાં એરબસ કંપનીનાં વિમાનો, પરાધ્વનિક (supersound) કૉન્કૉર્ડ વિમાનો તથા બોઇંગનાં જમ્બો જેટ, લૉકહીડ કંપનીએ બનાવેલ ટ્રાઇસ્ટાર જેવાં અનેક વિમાનોનો સમાવેશ થાય છે.

પ્રકાશ રામચંદ્ર