મૉનોસૅકેરાઇડ : સાદી શર્કરાઓના વર્ગ માટેનું રાસાયણિક નામ. તેમનું રાસાયણિક સૂત્ર સામાન્ય કાર્બોહાઇડ્રેટ સ્વરૂપમાં Cn(H2O)n વડે દર્શાવી શકાય. અહીં nનું મૂલ્ય 3થી 7 જેટલું હોય છે તથા બધી જ સાદી શર્કરાઓને આવરી લે છે. nના મૂલ્ય પ્રમાણે આવી શર્કરાઓને ટ્રાયોઝ (triose), ટેટ્રોઝ (tetrose), પેન્ટોઝ (pentose), હેક્ઝોઝ (hexose) તથા હેપ્ટોઝ (heptose) એવાં નામ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત શર્કરાઓને આલ્ડીહાઇડ શર્કરાઓ અથવા આલ્ડોઝ (aldose) અને કીટોન શર્કરાઓ અથવા કીટોઝ (ketose) નામે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. આલ્ડોઝ શર્કરાના અણુમાં આલ્ડીહાઇડ સમૂહ (–C–CHO) અથવા કીટોન સમૂહ (–C–CO–C) હોય છે. મૉનોસૅકેરાઇડની સંખ્યા લગભગ 70 જેટલી છે; જેમાંની 20 જેટલી કુદરતમાં મળી આવે છે. બાકીની સંશ્લેષિત છે. તેમની શૃંખલામાં 8, 9 અને 10 કાર્બન પરમાણુઓ ધરાવતાં આલ્ડોઝ મૉનોસૅકેરાઇડનું પણ સંશ્લેષણ કરવામાં આવ્યું છે. મૉનોસૅકેરાઇડ પાણીમાં સુદ્રાવ્ય ઇથેનૉમમાં અલ્પ દ્રાવ્ય અને ઇથરમાં અદ્રાવ્ય હોય છે.
મૉનોસૅકેરાઇડ સંયોજાઈ વધુ સંકીર્ણ શર્કરાઓ તથા કાર્બોહાઇડ્રેટ સંયોજનો બનાવે છે, જે જીવરસાયણમાં અગત્યનો ભાગ ભજવે છે.
અનેક સાદી શર્કરાઓ એકબીજાના સમઘટકો સ્વરૂપે હોય છે; ઉદા., ગેલૅક્ટોઝ અને ગ્લુકોઝ. તેમનાં બંધારણીય સૂત્રોમાં કાર્બન પરમાણુઓની શૃંખલામાં હાઇડ્રૉક્સી (–OH) સમૂહનું સ્થાન એકબીજાથી જુદું હોય છે. (અવકાશીય સંરચના જુદી જુદી હોય છે.) આવી સંરચનાને કારણે મૉનોસૅકેરાઇડો પ્રકાશ-ક્રિયાશીલતા દર્શાવે છે અને ધ્રુવીભૂત પ્રકાશનું જમણી યા ડાબી દિશામાં ભ્રમણ કરી શકે છે. મૉનોસૅકેરાઇડ અણુની કાર્બન શૃંખલાને છેડે આવેલા કાર્બન(CH2OH)ની ઉપરના પ્રથમ કાર્બન પરના હાઇડ્રૉક્સી (–OH) સમૂહના સ્થાન મુજબ તેમને લીવો (વામ ભ્રમણીય) L-શર્કરા તથા દક્ષિણાવર્તી D–શર્કરા કહેવામાં આવે છે. આવાં મૉનોસૅકેરાઇડ્ઝનાં નામ આ પ્રમાણે ગણાવી શકાય. ગ્લુકોઝ, ગુલોઝ, ટેલોઝ, ઇરિથ્રોસ, લિક્સોઝ, થ્રિયોઝ, મેન્નોઝ, એરાબિનોઝ, એલ્લોઝ, આયોડોઝ, ગેલૅક્ટોઝ, એલ્ટ્રોઝ વગેરે.
મોટા અણુવાળાં મૉનોસૅકેરાઇડ્ઝ દ્રાવણમાં સરળ શૃંખલાવાળાં તથા ચક્રીય રચનાવાળાં સ્વરૂપોના સમતોલન રૂપે હોય છે. આ ચક્રીય રચના તેના પરિવર્તનીય ગુણને લીધે અગત્યની છે.
ઉદા., સેલ્યુલોઝ તથા સ્ટાર્ચ – એ બંને ગ્લુકોઝ એકમોમાંથી બનેલાં છે, પરંતુ તેમની વચ્ચેનો તફાવત એ છે કે તેમાંના ગ્લુકોઝના ચક્રીય સ્વરૂપનું પાસું અલગ હોવાથી તેઓ એકબીજાંના ભૌતિક ગુણધર્મોમાં જુદાં જણાય છે.
જ. પો. ત્રિવેદી