મૉઝિસ, ઍડવિન કૉરલી (જ. 1955, ડ્રેટન, ઑહિયો) : વિઘ્ન-દોડના નિપુણ ખેલાડી. ઑગસ્ટ, 1977 તથા જૂન, 1987 વચ્ચેના ગાળા દરમિયાન તેમણે વિક્રમજનક 122 જેટલી રેસોમાં ભાગ લીધો અને તેમાંથી એકેયમાં તેમની હાર થઈ ન હતી.
1977, 1979 અને 1981માં 440 મીટર વિઘ્નદોડમાં તેઓ વિશ્વકપના સુવર્ણચંદ્રક વિજેતા બન્યા હતા. 1983માં તેઓ વિશ્વ-ચૅમ્પિયન બન્યા; 1976 અને 1984માં તેઓ ઑલિમ્પિક ચૅમ્પિયન બન્યા અને 1980માં અમેરિકાએ ઑલિમ્પિક રમતોનો બહિષ્કાર કર્યો ન હોત તો કદાચ ઉપરાઉપરી સળંગ 3 વિજય (હૅટ-ટ્રિક) સર્જવાની તક તેમને મળત. 1988ની ઑલિમ્પિક રમતોમાં તેઓ કાંસ્ય ચંદ્રકના વિજેતા બન્યા. 1976 અને 1983 વચ્ચે તેમણે 4 વખત વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો.
મહેશ ચોકસી