મૈલા આંચલ (1954) : હિંદીના લેખક ફણીશ્વરનાથ રેણુની નવલકથા. ‘મૈલા આંચલ’ના પ્રકાશનની સાથે જ હિન્દી નવલકથાક્ષેત્રે ‘આંચલિક’ શબ્દનો પ્રાદુર્ભાવ થયો. આમ નવલકથાના રચનાકૌશલ્યમાં નવીનતા લાવીને ‘રેણુ’એ આંચલિક નવલકથાને ઉચ્ચાસને સ્થાપી બતાવી. ‘મૈલા આંચલ’ કોઈ એક વ્યક્તિની કથા નથી, પણ બિહારના પૂર્ણિયા જિલ્લામાં આવેલા મેરીગંજ નામના પ્રદેશવિશેષની કથા છે. તેથી જ હિંદીની પૂર્વવર્તી નવલકથાઓથી આ નવલકૃતિ જુદી પડે છે. જોકે પ્રેમચંદકૃત ‘ગોદાન’માં પ્રદેશની કથા તો છે, છતાં નાયક હોરી પણ છે; જ્યારે અહીં ‘મૈલા આંચલ’માં પ્રદેશ જ નાયકત્વ ધારણ કરે છે. પ્રદેશમાં અનેક સુસંસ્કૃત – અસંસ્કૃત કે સભ્ય-અસભ્ય, શિક્ષિત-અશિક્ષિત, સુંદર-અસુંદર લોકો છે. તેમના જીવનની વિસંગત પરિસ્થિતિઓ છે; એમના જીવનનાં હાસ-પરિહાસ છે; રાજકારણી દાવપેચ છે; વળી એમની સાથે સંલગ્ન પ્રકૃતિનાંયે સુંદર-અસુંદર રૂપો છે. તેમાં નદી-પર્વત તેમજ શસ્ય-શ્યામલા ભૂમિ છે. મેરીગંજનાં બધાં જ પ્રાદેશિક ઘટક તત્વો ‘મૈલા આંચલ’માં નાયકની ભૂમિકા અદા કરે છે. આમાં સ્ત્રી-પુરુષનાં વિશિષ્ટ પાત્રો, વાતાવરણ, સંવાદ, ભાષાભંગિઓ વગેરે અનેક કથોપકારક તત્વો છે જ.
મેરીગંજ ગામમાં યાદવ, કાયસ્થ, ક્ષત્રિય, રાજપૂત, બ્રાહ્મણ અને હરિજનાદિ સૌ પોતપોતાનાં જૂથો અર્થાત્ વાડાઓ બનાવીને બેઠા છે. આ નવલકથામાં ડૉ. પ્રશાંતકુમાર નાયક બની શકે એમ હતા, પણ કથાકારે નાયકત્વ તો મેરીગંજને જ આપ્યું જણાય છે. જો ડૉ. પ્રશાંત અને કમલીની પ્રણયકથા કેન્દ્રસ્થાને રહી હોત તો આ કૃતિ બીજા જેવી જ નવલકૃતિ થઈ શકી હોત, પણ લેખકે અહીં પ્રદેશગત કથાને જ કેન્દ્રમાં રાખીને નવલકથાને વિશિષ્ટ રૂપ આપ્યું છે.
‘મૈલા આંચલ’માં મેરીગંજની કથા દ્વારા સાંપ્રત યુગને વાચા મળી છે અને જનવાદી ર્દષ્ટિકોણ ઊપસી આવ્યો છે. માનવતાવાદ દ્વારા આંચલિક સંસ્કૃતિ અને લોકતત્વને જાળવી રાખવામાં કથાકારે એમની સર્જનક્ષમતા દાખવી છે. આ માટે તેમની મદદે આવી છે મેરીગંજની ભાષા-સમૃદ્ધિ.
નવલકારે આ પ્રદેશલક્ષી કૃતિમાં ગ્રામીણ જીવનનો ઘટનાક્રમ જે ચીવટ અને સૂક્ષ્મતાથી ઝડપ્યો–આલેખ્યો છે તેનાથી એક અનોખું પરિમાણ ઉદભવે છે. લોકલઢણના લહેકાવાળી આરોહ-અવરોહાત્મક ભાષામાં મેરીગંજના પ્રદેશસમસ્તની અખિલાઈ સવાર-સાંજના સમય-ગુંજન સાથે ધબકી ઊઠે છે. લોકસમુદાયનાં આક્રોશ અને ક્રોધ તેમજ કોમળતા અને મીઠાશ, પર્યાવરણની બદબૂ અને ગંદકી તેમજ સુંદરતા અને ખુશ્બૂના તાણાવાણામાંથી અહીં માનવીય સમભાવ અને આત્મીયતાનો એક પુદગલ રચાય છે. એમાં આ કથાની આકર્ષકતા છે.
રજનીકાન્ત જોશી