મૈનપુરી (Mainpuri)

February, 2002

મૈનપુરી (Mainpuri) : ઉત્તરપ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 10´ ઉ. અ. અને 79° 00´ પૂ.રે.ની આજુબાજુના 2,759 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઈટાહ, પૂર્વે ફર્રુખાબાદ, અગ્નિ દિશાએ કનૌજ, દક્ષિણે ઇટાવાહ, અને પશ્ચિમે ફીરોઝાબાદ જિલ્લો આવેલો છે.

મૈનપુરી જિલ્લો (ઉત્તરપ્રદેશ)

ભૂપૃષ્ઠજળપરિવાહ : આ જિલ્લો ગંગા-જમુનાના દોઆબ પ્રદેશમાં વિસ્તરેલો છે. અહીંની જમીનો મુખ્યત્વે નદીઓના કાંપથી બનેલી છે. જિલ્લાનો ભૂમિઢોળાવ નદીઓને અનુલક્ષીને વાયવ્યથી અગ્નિ તરફનો છે. નૈર્ઋત્ય સરહદ પરથી યમુના નદી પસાર થાય છે, તેથી નૈર્ઋત્ય વિભાગ યમુના નદીના કાંપથી બનેલો છે. આ નદી અહીં વળાંકોમાં વહેતી હોવાથી ઘણાં કોતરો (બીહડ) રચાયાં છે. ઉપલી અને નીચલી ગંગા નહેરો જિલ્લાના મધ્યમાંથી પસાર થાય છે. અહીંની ભૂમિનું ઉપલું આવરણ ફળદ્રૂપ જમીનવાળું બની રહેલું છે. ભૂર અને માટિયાર જમીનો સરખા પ્રમાણમાં વિતરણ પામેલી છે, તે ખેડાણ માટે કઠણ પડે છે. સદભાગ્યે આવી જમીનોનું પ્રમાણ ઓછું છે. ક્ષારયુક્ત ઊસર જમીનો પડતર રહે છે. તેમાં ઘાસ પણ ઊગી શકતું નથી, પરંતુ તેમાંથી ઘણાં ખનિજીય દ્રવ્યો મળી રહે છે. આવી ઊસર જમીનો નદીનાળાંના શીર્ષભાગોમાં વધુ જોવા મળે છે. કાલી, ઈશાન, સિરસા, અરિંદ (રિંદ) અને સેનગર જેવી નદીશાખાઓ અહીંથી પસાર થાય છે.

ખેતીપશુપાલન : ઘઉં, ડાંગર, બાજરી, મકાઈ, ચણા, સરસવ અને રાઈ અહીંના મુખ્ય કૃષિપાકો છે. ખેતી સાથે ખેડૂતો, ગાય, ભેંસ, ઘેટાં, બકરાં જેવાં પશુઓ પાળે છે. પશુઓની ઓલાદ સારી કક્ષાની નથી, ઓલાદની કક્ષા સુધારવા માટે સરકારે અહીં પશુદવાખાનાં, પશુસંવર્ધનકેન્દ્રો, કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો, ડુક્કર-ઉછેર-કેન્દ્રો વિકસાવ્યાં છે. અહીં એક મરઘાં-ઉછેર-કેન્દ્ર પણ છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લો કાંપનાં મેદાનોવાળો હોવાથી અહીં ખનિજ-પેદાશોની અછત છે. ક્ષારયુક્ત આવરણોમાંથી મળી રહેતા કાચા માલમાંથી ચૂડીઓ અને બંગડીઓ બનાવાય છે; સૉલ્ટ પીટર અહીંથી મળતી ઘણી મહત્વની આર્થિક પેદાશ છે. અહીં ચાલતા પરંપરાગત હુન્નરઉદ્યોગો અહીંના જ કાચા માલ પર નિર્ભર છે. જિલ્લામાંથી મળતા સીસમના લાકડામાંથી અત્યંત સુંદર કોતરકામવાળી ચીજવસ્તુઓ બનાવાય છે. તે ઉપરાંત પિત્તળની પટ્ટીઓ અને તારનું લાકડા સાથેનું ભરતકામ પણ અહીં ખૂબ જાણીતું છે. વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ બનાવતાં આશરે 700 જેટલાં નાનાં કારખાનાં અને એકમો અહીં આવેલાં છે. જિલ્લામાં સાબુ, પગરખાં, કાચની બંગડીઓ, સીંગતેલ, ચોખા અને ખાતરનું ઉત્પાદન લેવાય છે. અહીંથી નિકાસ થતી ચીજવસ્તુઓમાં ખાદ્યાન્ન, ડુંગળી અને વીજળીના ગોળાઓનો તથા આયાત થતી વસ્તુઓમાં કાપડ, વનસ્પતિ ઘી, ગોળ, ખાંડ, કપાસ, લોખંડ, કાચ અને વીજળીના સામાનનો સમાવેશ થાય છે.

પરિવહનપ્રવાસન : જિલ્લામાં 789 કિમી. લંબાઈના સડકમાર્ગો તેમજ 99 કિમી.ના બ્રૉડગેજ રેલમાર્ગો આવેલા છે. અહીં પ્રાચીન મંદિરો અને સ્થાપત્યના અવશેષો જોવા મળે છે. શહેનશાહ અકબરના વખતમાં ઈંટ-માટીથી બનાવાયેલા એક દુર્ગના અવશેષો અહીં મળે છે. 1873નું પેગોડાવાળું ધાર્મિક સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ઈ. સ. 277ના અરસાનાં વૈષ્ણવ સંપ્રદાયનાં ગણાતાં કેટલાંક શિલ્પો પણ અહીંથી મળી આવેલાં છે. વર્ષના જુદા જુદા વારતહેવારોએ જિલ્લાનાં કેટલાંક સ્થળોએ મેળા ભરાય છે અને ઉત્સવો ઊજવાય છે.

વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 18,47,194 જેટલી છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ અનુક્રમે 55 % અને 45 % જેટલું છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 87 % અને 13 % જેટલું છે. જિલ્લામાં મુખ્યત્વે હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં હિન્દુઓ, મુસ્લિમો, બૌદ્ધો અને જૈનોની વસ્તી વિશેષ પ્રમાણમાં છે; જ્યારે થોડા પ્રમાણમાં શીખ અને ખ્રિસ્તી ધર્મના લોકો વસે છે. ગામડાંના પ્રમાણમાં નગરોમાં શિક્ષણનું પ્રમાણ વિશેષ છે. મૈનપુરીમાં ત્રણ કૉલેજો છે. જિલ્લાનાં સાત નગરોમાં દવાખાનાંની સેવા ઉપલબ્ધ છે.

ઇતિહાસ : આ જિલ્લો વ્રજભૂમિનો એક ભાગ ગણાય છે. મધ્યયુગમાં અહીં ભક્તિમાર્ગી સંપ્રદાયનું ખૂબ વર્ચસ્ હતું. શહેર અને જિલ્લાનું ‘મૈનપુરી’ નામ સંભવત: પ્રેમના દેવતા મદન-મેયન પરથી ઊતરી આવ્યું હોવાનું મનાય છે. ઈ. સ. 1194ના અરસામાં અહીં રાપ્રી(Rapri)ના રાજાનું શાસન હતું. શાહબુદ્દીન ઘોરીએ તેને હરાવેલો. તેથી એમ કહી શકાય કે આ વિસ્તાર મુસ્લિમોને હસ્તક ગયો તે અગાઉ હર્ષવર્ધન અને કનોજના રાજાઓના કબજા હેઠળ હતો. રાપ્રી ખાતે આવેલી મસ્જિદ સુલતાન અલાઉદ્દીન ખલજીના સમર્થ સેનાપતિ મલિક કાફૂરે 1312માં બંધાવેલી. ખલજીના શાસનકાળ દરમિયાન ભોંગાવન અહીંનું મુખ્ય મથક હતું. તોમરોનો સાથ લઈને મોહમ્મદશાહ તઘલખ સામે તેણે કરેલો બળવો કવખતનો હોવાથી નિષ્ફળ રહેલો. ત્યારબાદ અફઘાન શાસક શેરશાહ સૂરીએ આ જિલ્લાનો કબજો મેળવેલો. અકબરના રાજ્યકાળ દરમિયાન આગ્રાના સૂબાને હસ્તક આ જિલ્લો આવ્યો. જિલ્લાના મહાલો આગ્રા અને કનોજની સરકારોને હસ્તક વહેંચાઈ ગયા. 1801માં આ વિસ્તાર બ્રિટિશ વર્ચસ્ હેઠળ આવ્યો. 1803માં તેમણે શિકોહાબાદને લશ્કરી મથક બનાવેલું.

ગિરીશભાઈ પંડ્યા