મૈથાણ(જિ. સુરેન્દ્રનગર)નો મંદિર સમૂહ

May, 2024

મૈથાણ(જિ. સુરેન્દ્રનગર)નો મંદિર સમૂહ : મહાગુર્જરીશૈલીનાં જોડાજોડ એકાંકી પ્રકારનાં ત્રણ મંદિરોનો સમૂહ. પ્રાક સોલંકીકાળનાં આ મંદિરો ગર્ભગૃહ અને મુખમંડપનાં બનેલાં છે. દરેકના ગર્ભગૃહનું તલ-આયોજન ત્રિ-રથ પ્રકારનું છે, એટલે કે દરેકનું તલમાન મધ્યમાં ભદ્ર-નિર્ગમ ધરાવે છે. આ ત્રણ મંદિરો છે. ત્રણેય મંદિરોની ઉભડક બાંધણીમાં સૌથી નીચે કલશાદિ થરોથી શોભતો વેદીબંધ અને એની ઉપર મથાળે સાદી વરંડિકા(કાંઠલા)થી શોભતો મંડોવર છે. મંડોવરની જંઘાના ભાગમાં આવેલ ગવાક્ષો પર દોઢિયાની રચના છે. ગવાક્ષોમાં મૂર્તિશિલ્પ છે. સૂર્યમંદિરમાં પશ્ચિમ ભદ્રે સૂર્યની મૂર્તિ છે ઉત્તર અને દક્ષિણ ભદ્રમાં અર્ધપર્યંકાસનમાં બેઠેલી દેવીઓ સંભવતઃ સૂર્યપત્નીઓ રાજ્ઞી અને નિક્ષુભા અથવા છાયા અને સંજ્ઞા હોવાની સંભાવના છે. ભદ્ર ગવાક્ષના ઉદગમ (દોઢિયા) ચંદ્રશાલાના અલંકરણ અને અર્ધરત્નનાં સુશોભનોથી અંકિત છે. અહીંના શિવમંદિરની ચોકીના ચોરસ સ્તંભો અત્યંત અલંકૃત છે. આ મંદિરની દ્વારશાખા ભરચક કોતરકામવાળી છે. એમાં ઘટપલ્લવયુક્ત ભદ્રશાખાનું કંડારકામ પ્રશંસનીય છે. ઉત્તરાંગમાં નવગ્રહનો શિલ્પપટ્ટ જડેલો છે. વિષ્ણુમંદિર ચૂનાના પ્લાસ્ટર વડે ખૂબ રગદોળેલું હોવાથી તેની શિલ્પસમૃદ્ધિ એમાં દબાઈ ગઈ છે. સૂર્યમંદિરના રંગમંડપનું સન 1806માં સમારકામ થયાનો લેખ મંડપમાં મૂકેલો છે.

પ્રવીણચંદ્ર પરીખ