મેહરા, પ્રાણનાથ (જ. 27 ઑક્ટોબર 1907, અમૃતસર; અ. 19 નવેમ્બર 1994) : ભારતીય વનસ્પતિવિજ્ઞાની. તેમણે સરકારી કૉલેજ, લાહોરમાંથી વનસ્પતિશાસ્ત્રના વિષયમાં એમ.એસસી.ની ઉપાધિ મેળવી અને પંજાબ વિશ્વવિદ્યાલયમાં તેમની કારકિર્દીનો પ્રારંભ થયો; જ્યાં પ્રા. એસ. આર. કશ્યપના સાંનિધ્યમાં વાહક અપુષ્પ અને અનાવૃત બીજધારી વનસ્પતિઓના ઉદવિકાસીય ઇતિહાસ(evolutionary history of vascular cryptogams and gymnosperm)માં પારંગત થયા. 1942માં તેમણે ડી.એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી અને 1944માં વનસ્પતિવિભાગમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ થયા. દેશનું વિભાજન થતાં તે પંજાબ યુનિવર્સિટી ચંડીગઢમાં સ્થાયી થયા.
1956–57ના વર્ષમાં તે સ્ટૅનફર્ડ યુનિવર્સિટી, કૅલિફૉર્નિયામાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે ખ્યાતિ પામ્યા અને ત્યાં પ્રા. વિલિયમ કૅમ્પબેલ સ્ટિયરથી અત્યંત પ્રભાવિત થયા. વનસ્પતિવિજ્ઞાન, ઔષધશાસ્ત્ર, વનવિદ્યા અને કૃષિવિજ્ઞાનના ક્ષેત્રે મૌલિક પ્રદાન કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આઠ જેટલી સંસ્થાઓના અધ્યક્ષપદે તે રહ્યા. 1964માં રૉકફેલર ફેલોશિપ મળતાં તેમણે અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં વ્યાખ્યાનો આપ્યાં. તેમને સાત વ્યાખ્યાનમાળાઓ માટે ચાર સુવર્ણચંદ્રકો એનાયત થયા. તેમની પાસે દસેક જેટલી વિવિધ સંસ્થાઓનું સભ્યપદ હતું. તેમણે ચાર સામયિકોના તંત્રીપદે કામ કર્યું.
તેમણે હિપેટેસીના ઉદભવ અને તેની ઉત્ક્રાંતિ માટે સંઘનન(condensation)નો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંતને સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મળી. તેમના ત્રિઅંગીઓના જાતિવિકાસીય (phylogenetic) વર્ગીકરણે નવી જ દિશાઓ ચીંધી. તેમણે પી.એલ. 480ની યોજના હેઠળ હિમાલયની કાષ્ઠીય વનસ્પતિઓ(501 વૃક્ષજાતિઓ પર આધારિત)ની કોષ-જનીનવિદ્યાકીય ઉત્ક્રાંતિ (cytogenetic evolution in hardwoods based upon 501 species of trees in Himalayas) સમજવા માટે કોષવિદ્યાકીય સંશોધનો કર્યાં. તેમણે આશરે 225 મૌલિક સંશોધનપત્રો પ્રકાશિત કર્યાં છે; તે પૈકી 15 સંશોધનપત્રો સાયપરેસી કુળ વિશે છે.
તેમણે આકારજનન (morphogenesis), કોષ-વર્ગીકરણવિજ્ઞાન (cytotaxonomy) પેશી સંસ્કરણ (tissue culture) અને પરાગાણુવિજ્ઞાન (palynology) જેવા આધુનિક વિષયો બી.એસસી.ના અભ્યાસક્રમમાં દાખલ કર્યા અને એમ.એસસી.માં તેનું પુનરાવર્તન ન થાય તેની કાળજી રાખી વિવિધ વિષયો ઉપર તેમણે 102 જેટલા વિદ્યાર્થીઓના પીએચ.ડી.ના મહાનિબંધો તૈયાર કરાવ્યા. તેમના માનમાં કાશ્મીર વિશ્વવિદ્યાલય, શ્રીનગરના પ્રા. પી. કચરુએ પ્રા. પી. એન. મેહરા સ્મૃતિગ્રંથ પ્રકાશિત કર્યો.
તેમણે સતત 30 વર્ષ સુધી (1947થી 1977) વનસ્પતિ વિભાગના વડા તરીકેની સેવાઓ આપી. તે દરમિયાન ‘ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી’ના ફેલો તરીકેનું બહુમાન મળ્યું. તેમના વિદ્યાર્થી ડૉ. એસ.સી. વર્માએ તેમના સંશોધનકાર્યના અભિવાદન રૂપે ‘વનસ્પતિ-વિજ્ઞાનમાં સમકાલીન વલણો’(Contemporary Trends in Plant Science)નો પરિસંવાદ 1980માં ગોઠવ્યો, જેમાં પ્રા. મેહરાએ બીજરૂપ વક્તવ્ય (keynote address) આપ્યું હતું.
તેમણે વનસ્પતિવિજ્ઞાનની બધી શાખાઓ વિકસે તેવાં સ્તુત્ય પગલાં લીધાં, તેને પરિણામે ફૂગમાં પ્રા. કે. એસ. થિંડ અને દેહધર્મવિદ્યામાં પ્રા. કે. કે. નંદા ઘણું મહત્વનું પ્રદાન કરી શક્યા.
સરકારે તેમની સેવાની કદર રૂપે નિવૃત્તિવયમાં પાંચ વર્ષ વધારો કરી આપ્યો.
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ