મેહદી હસન (જ. 1927, લુના, રાજસ્થાન; અ. 13 જૂન 2012, કરાંચી, પાકિસ્તાન) : વિખ્યાત પાકિસ્તાની ગઝલગાયક, સ્વરકાર અને પાર્શ્વગાયક. સદીઓથી પરંપરાગત સંગીતકળાને વરેલા પરિવારમાં જન્મ. ‘કલાવંત’ નામથી જાણીતી બનેલી સંગીત પરંપરાની સોળમી પેઢીના ઉત્તરાધિકારી. પિતાનું નામ આઝિમખાન, જેમની પાસેથી મેહદી હસને શાસ્ત્રીય સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી. તેમના કાકા ઉસ્તાદ ઇસ્માઇલખાન પણ શાસ્ત્રીય સંગીતની ધ્રુપદ શૈલીના અગ્રણી ગાયક હતા. મેહદી હસનની સંગીત-શિક્ષામાં તેમનો પણ મહત્વનો ફાળો હતો. પિતા અને કાકાની રાહબરી નીચે મેહદી હસને ધ્રુપદ, ઠૂમરી, ખયાલ અને દાદરા જેવા ઉત્તર હિંદુસ્તાની સંગીતના ગાયનપ્રકારોમાં નિપુણતા પ્રાપ્ત કરી. તેમનું સંગીતશિક્ષણ તેમની આઠ વર્ષની ઉંમરે શરૂ થયું હતું. તેમનો પ્રથમ જાહેર જલસો તેમના મોટા ભાઈની સંગતમાં ફિરોઝપુર નજીકના ફાઝિલ્કા બંગલા ગામમાં 1946માં થયો હતો. દેશના વિભાજન બાદ વીસ વર્ષની ઉંમરે તેઓ તેમના પરિવાર સાથે પાકિસ્તાન જતા રહ્યા. ત્યાં ગયા પછી તરત જ તેમની આર્થિક વિટંબણાઓ શરૂ થઈ હતી. પરિણામે પરિવારના ભરણપોષણ માટે તેમણે સાઇકલની એક દુકાનમાં નોકરીની શરૂઆત કરી. થોડા સમય બાદ તેમણે કાર અને ડીઝલ-ટ્રૅક્ટરના મિકૅનિક તરીકે પણ કામ કર્યું. આ કપરા સમયમાં પણ તેમણે પોતાની સંગીતસાધના ચાલુ રાખી.
1952માં મેહદી હસનને પાકિસ્તાન રેડિયો પર મુખ્યત્વે ઠૂમરી-ગાયક તરીકે નોકરી મળી ત્યારથી તેમના જીવનમાં એક નવો અને અકલ્પિત વળાંક આવ્યો અને પાકિસ્તાનના શાસ્ત્રીય સંગીત વર્તુળમાં તેમને મોખરાનું સ્થાન મળતું ગયું. તે ગાળામાં ઠૂમરી ગાયનના ક્ષેત્રમાં ભારતીય ઉપખંડમાં ઉસ્તાદ બરકતઅલીખાન, બેગમ અખ્તર અને મુખ્તાર બેગમની બોલબાલા હતી. ઉર્દૂ ભાષાની ગીતરચનાઓમાં તેમને રસ જાગ્યો; જે સમય જતાં વિકસિત થતો ગયો. ઠૂમરી અને ખયાલ શૈલીના ગાયન ઉપરાંત ગઝલગાયકીના વિશિષ્ટ ક્ષેત્રમાં તેમણે અવનવા પ્રયોગો કરવાની શરૂઆત કરી અને ખંડસમયમાં ગઝલગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. તે દરમિયાન તેમણે તે જમાનાના મોટા ભાગના અગ્રણી ઉર્દૂ શાયરોની રચના પર યશસ્વી રીતે હાથ અજમાવ્યો અને શાસ્ત્રીય સંગીતના જાણકારો અને સર્વસામાન્ય શ્રોતાઓમાં લોકપ્રિયતા સંપાદન કરી, શાસ્ત્રીય રાગો પર પણ તેમનું પ્રભુત્વ હતું. તેમની ગાયનની રજૂઆત અને તેમની શૈલીના પરિણામે તેઓ દક્ષિણ એશિયાના પ્રદેશમાં પ્રથમ પંક્તિના ગઝલગાયક તરીકે ખ્યાતિ પામ્યા. તેમની આ ગઝલગાયકીની યાત્રામાં તેમને પાકિસ્તાન રેડિયોના ઉચ્ચ અધિકારીઓ ઝેડ. એ. બુખારી અને રફીક અન્વરનો સક્રિય સાથસહકાર મળતો રહ્યો. વીસમી સદીના છઠ્ઠા અને સાતમા દાયકામાં ગઝલગાયકીમાં તેમની સ્પર્ધા કરી શકે તેવો એક પણ ગાયક તે અરસામાં પાકિસ્તાનમાં પાક્યો નહિ અને તેને કારણે તે અરસામાં અને તેના પછી પણ થોડાંક વર્ષો સુધી ગઝલગાયકીના સામ્રાજ્ય પર મેહદી હસનનું અતુલનીય વર્ચસ્ રહ્યું હતું. આટલા માટે જ તેઓ ‘શહેનશાહ-ઇ-ગઝલ’(King of Guzals)નું બિરુદ પ્રાપ્ત કરી શક્યા હતા.
તેમણે તેમની અત્યાર સુધીની સંગીત-કારકિર્દી દરમિયાન પાકિસ્તાની ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકે પણ સેવાઓ આપી છે અને તે અરસામાં એક પણ પાકિસ્તાની ફિલ્મ એવી બનાવવામાં આવી નથી કે જેમાં મેહદી હસનને પાર્શ્વગાયક તરીકે સ્થાન મળ્યું ન હોય. સંગીતના સમાલોચકો (crities) તો તેમને નૂરજહાંની સમકક્ષ ગણે છે. ‘ભારતરત્ન’ લતા મંગેશકરે તેમને ‘ઈશ્વરનો અવાજ’ (Voice of God) કહીને ગૌરવાન્વિત કર્યા હતા. માંદગીને કારણે છેલ્લા બે દાયકાથી મેહદી હસન પાર્શ્વગાયનમાંથી નિવૃત્ત થયા હતા.
તેમના શિષ્યોમાં પરવેઝ મેહદી અને તલત અઝીઝ અગ્રણી હતા. નિકટના વર્તુળમાં તેઓ ‘ખાનસાહેબ’ જેવા હુલામણા નામથી ઓળખાય હતા.
તેમને અત્યાર સુધી (વર્ષ 2009) મળેલા પુરસ્કારો અને ઍવૉર્ડોમાં ‘તમઘ્રા-ઇ-ઇમ્તિયાઝ’નો ઍવૉર્ડ, નિગાર ફિલ્મ ઍન્ડ ગ્રૅજ્યુએટ ઍવૉર્ડ, જલંધર ખાતે તેમને આપવામાં આવેલ ‘સાયગલ ઍવૉર્ડ’ (1979), નેપાળમાં પ્રદાન કરવામાં આવેલ ‘ગોરખા દક્ષણ બાહુ’ ઍવૉર્ડ (1983) અને દુબાઈ ખાતે તેમને આપવામાં આવેલ જાહેર સન્માનનો સમાવેશ થાય છે.
લંડનના આલ્બર્ટ હૉલમાં તેમનો ગઝલગાયનનો કાર્યક્રમ પ્રસ્તુત થયેલો, જે ખૂબ લોકપ્રિય બન્યો હતો. તેમની 60 ઉપરાંત કૅસેટો અને સી.ડી.ઓ બહાર પડી છે, જેમાંથી કેટલાકે તો વેચાણના વિક્રમ પ્રસ્થાપિત કર્યા છે.
2009માં તેઓ ગંભીર માંદગીમાં સપડાયેલા હતા, જેને કારણે તીવ્ર આર્થિક સંકટમાં તેઓ કરાંચી ખાતે અવસાન સુધી જીવન પસાર કર્યુ હતુ.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે