મેહદી નવાજ જંગ (જ. 14 મે 1894, હૈદરાબાદ; અ. 28 જૂન 1967, હૈદરાબાદ) : ગુજરાતના પ્રથમ રાજ્યપાલ, અરબી-ફારસીના વિદ્વાન તથા હૈદરાબાદના નિઝામ પરિવારના સભ્ય. પિતા સૈયદ અબ્બાસસાહેબ. ત્રણ સો વર્ષ પૂર્વે ઈરાનથી દિલ્હી આવી વસેલા ખાનદાન અને ખમીરવંતા કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદમાં. 1911માં મુંબઈ યુનિવર્સિટીમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. હૈદરાબાદની કૉલેજમાં અભ્યાસ કર્યો, પરંતુ છેલ્લા વર્ષમાં ટાઇફૉઇડની બીમારીને કારણે સ્નાતકની પદવી પ્રાપ્ત ન કરી શક્યા. ત્યારબાદ કાયદાનો અભ્યાસ કરી. વહીવટી તાલીમ લઈ નિઝામ સરકારમાં અમલદાર તરીકે જોડાયા. દરમિયાન અડોરી સ્ટેશને મહાત્મા ગાંધીજીનાં દર્શન થતાં તેમના પ્રશંસક બની ગયા. સરકારમાં ખજાનચી તરીકે તથા સ્થાનિક ભંડોળના સેક્રેટરીના હોદ્દે પ્રશંસનીય કામગીરી બજાવી અને મદદનીશ કલેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા.

મેહદી નવાજ જંગ

1919–20માં દક્ષિણમાં પડેલા કારમા દુષ્કાળ સમયે હૈદરાબાદ સરકાર તરફથી દુષ્કાળરાહત અધિકારી તરીકે તેમની નિમણૂક થઈ. અસરગ્રસ્ત વિસ્તારોમાં તેમણે એવી ખંતભરી સેવા કરી કે લોકો તેમને ‘મેહદીબાબા’ તરીકે ઓળખવા લાગ્યા. 1921માં તેમને સહકારી ક્ષેત્રની કામગીરી સોંપવામાં આવી. તેનો અભ્યાસ કરવા તેમણે ઇંગ્લૅન્ડ, આયર્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ડેન્માર્ક જેવા દેશોનો અને ભારતમાં ઉત્તરપ્રદેશ, બંગાળ, પંજાબ અને જમ્મુ પ્રદેશોનો પ્રવાસ કર્યો હતો. દરમિયાન સહકારી ક્ષેત્રના નિષ્ણાત વૈકુંઠભાઈ મહેતાના પ્રભાવ નીચે તેઓ આવ્યા. સહકારી ક્ષેત્રમાં તેમણે હૈદરાબાદ સહકારી સંઘ, માટી રંગાટ તથા ચરખા બનાવવાની સહકારી મંડળીઓ, સહકારી વ્યાપાર નિગમ, ખેતીવાડી સહકારી મંડળી વગેરેની સ્થાપના કરી હતી.

1926થી 1937 દરમિયાન તેમણે હૈદરાબાદ સરકારના મંત્રીમંડળના મંત્રી અને પ્રધાનમંડળના પ્રમુખ મહારાજા કૃષ્ણપ્રસાદના રહસ્યમંત્રી તરીકે સેવા આપી હતી. વળી તેમણે ચાલુ રાખેલી સમાજસેવા અને સહકારી પ્રવૃત્તિઓની કદર રૂપે સરકારે તેમને ‘નવાબ’નો ખિતાબ એનાયત કર્યો હતો. 1937માં તેઓ પરદેશ ગયા. ત્યાંથી પાછા આવ્યા પછી હૈદરાબાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે  નિમાયા. તેમણે શહેરમાં વીજળી, સિમેન્ટના રસ્તા, બગીચા, રમતગમતનાં મેદાનો, હૉસ્પિટલો, સાર્વજનિક સભાગૃહ, ધિરાણમંડળી, સહકારી ભંડાર, વીમા યોજના, કર્મચારીઓ માટે સસ્તા ભાડાનાં મકાનો, ગરીબો માટે ઘર વગેરેની વ્યવસ્થાઓ કરાવી નગરને નમૂનેદાર બનાવ્યું. 1942માં મ્યુનિસિપલ કર્મચારીઓ માટે આચારસંહિતા તૈયાર કરવા માટે તેમની નિમણૂક થઈ હતી. ત્યારબાદ તેઓ ઉદ્યોગ ખાતાના મંત્રી નિમાયા. એ હોદ્દા દરમિયાન તેમણે રેયૉન સિલ્ક મિલ્સની સ્થાપના કરી અને અનેક કંપનીઓમાં નિયામકપદે રહી વિકાસનાં કાર્યો કર્યાં. 1949માં નિઝામ સરકારના પ્રતિનિધિ તરીકે નાગપુર પરગણાની કામગીરી માટે તેમની નિમણૂક ઊંચા હોદ્દા પર કરવામાં આવી હતી. તે જ વર્ષમાં તેમણે નિવૃત્તિ લઈ કૉંગ્રેસ પક્ષમાં જોડાઈ, ધારાસભ્ય બની, આંધ્રપ્રદેશના જાહેર બાંધકામ, રસ્તા અને મકાનો અને વીજળી ખાતાના પ્રધાન તરીકે 1960 સુધી યશસ્વી કામગીરી બજાવી હતી.

1960માં તેમની નિમણૂક ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ તરીકે થઈ. શિક્ષણ, આરોગ્ય, કલાસંસ્કાર, સંશોધન જેવાં પ્રજાજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ઊંડો રસ લઈ રાજ્યની પ્રગતિ સાધવામાં તેઓ અગ્રેસર રહ્યા. ગુજરાત રાજ્યમાં લલિતકળા અને નાટ્ય-સંગીતની સંસ્થાઓ શરૂ કરવા માટે તેઓ પ્રેરણાસ્રોત બની રહ્યા. તેમણે લોકકલ્યાણનાં કામો કરી ઘણા લોકોમાં સહૃદયતાની ફોરમ પ્રસરાવી હતી. 1965માં તેઓ રાજ્યપાલપદેથી નિવૃત્ત થયા.

તેમને જાહેર આરોગ્ય, કલા-સંસ્કાર, માનવતા અને સંશોધન પ્રત્યે વિશેષ લગાવ હતો. તેમણે આશરે રૂ. 40 લાખના ભંડોળથી હૈદરાબાદમાં નીલોફર હૉસ્પિટલની ઇનામી યોજનાઓ દ્વારા એકઠા કરેલા લગભગ રૂ. 22 લાખના ખર્ચે કૅન્સર અને રેડિયમ ઇન્સ્ટિટ્યૂટની વિનયન કૉલેજ તથા બાળકો અને સ્ત્રીઓ માટેનાં સારવાર કેન્દ્રોની તથા ગામડાંઓમાં આરોગ્યકેન્દ્રોની સ્થાપનામાં સક્રિય ભાગ ભજવ્યો હતો. વળી વિશ્વવિખ્યાત સાલારજંગ મ્યુઝિયમની પુનર્રચના કરવા માટેની સમિતિના ચૅરમૅનપદે રહીને તેમણે કરેલું કાર્ય પ્રશંસાને પાત્ર ઠર્યું. તેઓ હૈદરાબાદમાં સ્કાઉટ પ્રવૃત્તિના પ્રણેતા બન્યા અને આંધ્રપ્રદેશ સ્કાઉટ મંડળનું ઉપપ્રમુખપદ અને પાછળથી પ્રમુખપદ પણ શોભાવ્યું. તેમની કલાભિજ્ઞતાની કદર રૂપે તેમની ભારતીય લલિત કલા એકૅડેમીના પ્રમુખપદે નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓ જુદી જુદી સાત ભાષાઓના જાણકાર હતા.

જિગીશ દેરાસરી