મેસૉન (Meson) : અવપારમાણ્વિક કણ. હૅડ્રૉન તરીકે ઓળખાતા કણ-પરિવારમાં મેસૉન એક વર્ગ છે. તમામ હૅડ્રૉન એકબીજા સાથે પ્રબળ આંતરક્રિયા કરતા હોય છે. આવા ઉચ્ચ બળને પ્રબળ બળ અથવા ન્યુક્લિયર બળ તરીકે ઓળખવામાં આવે છે. આ ન્યુક્લિયર બળ પારમાણ્વિક ન્યુક્લિયસને જકડી રાખે છે.
કણોનો બીજો વર્ગ છે બેરિયૉન. તેમાં પ્રોટૉન, ન્યૂટ્રૉન અને હાઇપેરૉનનો સમાવેશ થાય છે.
મેસૉન અસ્થાયી કણ છે. મેસૉનનું સર્જન થતાંની સાથે તુરત જ તેનો ક્ષય થાય છે અને તેનાથી હલકા કણોમાં તે રૂપાંતરિત થાય છે. મેસૉન ધન અને ઋણ વિદ્યુતભાર ધરાવે છે. તટસ્થ મેસૉન પણ હોય છે.
મેસૉન અનેક પ્રકારના હોય છે. દળની ર્દષ્ટિએ હલકામાં હલકા મેસૉનને પાઇ-મેસૉન અથવા પાયૉન કહે છે; ભારેમાં ભારે મેસૉનને ઊપ્સિલૉન મેસૉન તરીકે ઓળખવામાં આવે છે. આ કણ પ્રોટૉન કરતાં આશરે દસગણો વધારે ભારે હોય છે. બીજા મ્યૂ.મેસૉન એટલે કે મ્યૂઑન અને કે-મેસૉન એટલે કે કેઑન પણ અસ્તિત્વ ધરાવે છે.
જાપાનના ભૌતિકશાસ્ત્રી યુકાવાએ 1937માં મેસૉન સૂચિત કર્યો.
ફોટૉન એ વિદ્યુતચુંબકીય ક્ષેત્રનો કણ છે. આવા ફૉટોન વિદ્યુતચુંબકીય બળોના વાહકો તરીકે કામગીરી બજાવે છે. તે જ રીતે ન્યૂક્લિયર ક્ષેત્રને પણ કણ હોવો જોઈએ, જેના દ્વારા પ્રબળ આંતરક્રિયા થાય. એટલે કે મેસૉન ન્યૂક્લિયર બળોના વાહક તરીકે કાર્ય કરે છે. આ વાત હિડેકી યુકાવાએ સૌપ્રથમ વાર રજૂ કરી હતી. પણ મેસૉનને ભૌતિકવિજ્ઞાનીઓ મૂળભૂત એકમ તરીકે ઓળખતા નથી. મેસૉન બીજા અંદર બે કણો ધરાવે છે; જે મૂળભૂત કણની પ્રકૃતિ ધરાવે છે. આ બે કણો છે ક્વાર્ક અને પ્રતિક્વાર્ક. હવે તો ભૌતિક વિજ્ઞાનીઓ માનતા થયા છે કે પ્રબળ ન્યૂક્લિયર બળનું સંચારણ ગ્લૂઑન કણ દ્વારા થાય છે. યુ.એસ.ના ભૌતિકવિજ્ઞાની સી. ડી. ઍન્ડરસને આ કણને મેસૉન તરીકે ઓળખાવ્યો હતો. મ્યૂઑન પણ શોધાયો હતો, જેના ઉપર પ્રબળ ન્યૂક્લિયર બળની અસર થતી નહોતી; તેથી તેને મેસૉનના વર્ગમાં ઓળખાવી શકાયો નહિ.
બ્રિટિશ ભૌતિકવિજ્ઞાની સેસિલ પૉવેલે બ્રહ્માંડ-કિરણોના વર્ષણ દરમિયાન પાયૉન શોધી કાઢ્યો. 1947માં મેસૉન કણ પ્રાયોગિક રીતે શોધાયો હતો. આજકાલ કણ પ્રવેગકોની મદદથી મેસૉન કૃત્રિમ રીતે પેદા કરી શકાય છે.
આનંદ પ્ર. પટેલ