મૅસેચૂસેટ્સ (Massachusetts)

February, 2002

મૅસેચૂસેટ્સ (Massachusetts) : યુ.એસ.ના ઈશાન ભાગમાં આવેલું સંલગ્ન રાજ્ય. ભૌગોલિક સ્થાન : 42° 15´ ઉ. અ. અને 71° 50´ પ. રે.. વિસ્તાર : 20,306 ચોકિમી.. યુ.એસ.માં આ રાજ્ય તેના કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. તે ‘બે સ્ટેટ’ (Bay State) અથવા ‘ઓલ્ડ કૉલોની સ્ટેટ’ જેવાં ઉપનામોથી પણ ઓળખાય છે. બૉસ્ટન તેનું પાટનગર, મોટું શહેર, નાણાકીય કેન્દ્ર, દરિયાઈ બંદર તેમજ અંતિમ હવાઈ મથક છે. બૉસ્ટનમાં અને આજુબાજુ આવેલી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓએ આ રાજ્યને મોટું શૈક્ષણિક, સાંસ્કૃતિક, ઔષધીય તથા સંશોધનનું મથક બનાવ્યું છે. અમેરિકાના ઇતિહાસમાં પણ મૅસેચૂસેટ્સનું સ્થાન અનોખું તેમજ મહત્ત્વનું રહ્યું છે. અમેરિકામાં શરૂઆતમાં જ્યારે બ્રિટિશ વસાહતો સ્થપાયેલી ત્યારે સર્વપ્રથમ દૈનિકપત્ર, છાપખાનું, પુસ્તકાલય અને કૉલેજ આ રાજ્યમાં સ્થપાયેલાં. અમેરિકી ક્રાંતિ તરફ દોરી જનારી ઘણી ઘટનાઓ અહીં આકાર પામેલી. અમેરિકી ક્રાંતિ 1775ના એપ્રિલની 19મી તારીખે શરૂ થયેલી અને 1783માં પૂરી થયેલી. અહીં બીજી ઘણી ઐતિહાસિક ઘટનાઓ પણ ઘટેલી છે. આ રાજ્યને સત્તાવાર રીતે ‘કૉમનવેલ્થ’ નામથી પણ ઓળખવામાં આવે છે.

મૅસેચૂસેટ્સ

ભૂમિ : મૅસેચૂસેટ્સનો પૂર્વ તરફનો એકતૃતીયાંશ ભૂમિભાગ કિનારાના નીચાણવાળા પ્રદેશથી બનેલો છે, તેમાં રાજ્યના દૂરતટીય (offshore) ટાપુઓનો પણ સમાવેશ થઈ જાય છે. આ પ્રદેશમાં ઘણી ગોળાકાર ટેકરીઓ, કળણભૂમિના વિસ્તારો, નાનાં સરોવરો, તળાવો તથા ટૂંકી છીછરી નદીઓ આવેલાં છે. બૉસ્ટનથી દક્ષિણે આવેલી ગ્રેટ બ્લૂ હિલ આશરે 195 મીટરની ઊંચાઈ ધરાવે છે. કિનારા પર ઘણાં શ્રેષ્ઠ કક્ષાનાં બારાં આવેલાં છે. તે પૈકી ઉત્તરમાં ગ્લૉસ્ટર; બૉસ્ટન ઉપસાગરમાં બૉસ્ટન, ક્વિન્સી અને વેમથ; તથા દક્ષિણમાં ન્યૂબેડફર્ડ અને ફૉલ રિવર વિશેષ ઉલ્લેખનીય છે. એલિઝાબેથ ટાપુઓ, માર્થા-વિનેયાર્ડ અને નાન્ટુકેટ ટાપુ આ રાજ્યના મોટા ટાપુઓ ગણાય છે. કૉડની ભૂશિર સહિતનો અગ્નિ મૅસેચૂસેટ્સનો દ્વીપકલ્પ નાન્ટુકેટની જલસંયોગીની સરહદો રચે છે.

પૂર્વીય ન્યૂ ઇંગ્લૅન્ડનો ઊંચાણવાળો પ્રદેશ દરિયાકિનારાના નીચાણવાળા ભાગોથી સ્થાનભેદે 65થી 100 કિમી.ની લંબાઈમાં પશ્ચિમ તરફ વિસ્તરેલો છે. અહીં 300 મીટરની ઊંચાઈએથી નીકળતી નદીઓએ તેને કોતરી કાઢ્યો છે; પછીથી આ વિસ્તાર ક્ધોક્ટિકટ વૅલીના નીચાણવાળા ભાગ તરફ ઢળતો જાય છે તથા આશરે 30 કિમી.ની પહોળાઈનું રકાબી આકારનું થાળું રચે છે. કનેક્ટિકટ નદી અહીંના ખીણ-વિસ્તારમાં વહે છે. આ નદીએ આ વિસ્તારમાં ખેતીયોગ્ય ફળદ્રૂપ જમીનો બનાવી છે.

પશ્ચિમ તરફનો ન્યૂ ઇંગ્લૅન્ડનો ઊંચાણવાળો વિસ્તાર આ રાજ્યમાં બર્કશાયર હિલ્સ નામથી ઓળખાય છે. તે કનેક્ટિકટ ખીણના નીચાણવાળા ભાગથી 30થી 35 કિમી.ની લંબાઈમાં પશ્ચિમ તરફ વિસ્તરે છે. પછીથી તે 600 મીટર કે તેથી વધુ અસમતળ ઊંચાઈ ધરાવતાં સ્થળોમાં ફેરવાય છે. અહીંનું માઉન્ટ ગ્રેલૉક (1,064 મીટર) શિખર રાજ્યનું સર્વોચ્ચ સ્થળ છે. અહીંના ઢોળાવો પર નગરો અને ખેતરો આવેલાં છે. 16 કિમી. કે તેથી ઓછી પહોળાઈવાળી બર્કશાયર ખીણ બર્કશાયર હિલ્સથી પશ્ચિમ તરફ આવેલી છે. અહીં લીલાં હરિયાળાં મેદાનો છે, તેમાં પશુપાલન થાય છે અને ડેરીની પેદાશોનું ઉત્પાદન લેવાય છે. રાજ્યના છેક પશ્ચિમ છેડા પર ટેકોનિક પર્વતો આવેલા છે. તેમનો પહોળામાં પહોળો ભાગ 10 કિમી. જેટલો છે. આ હારમાળા વાયવ્યથી નૈર્ઋત્ય ખૂણા સુધી ઢળતી જાય છે. નૈર્ઋત્ય ભાગ તરફ માઉન્ટ એવરેટ (Mount Everett) 793 મીટરની ઊંચાઈ ધરાવે છે.

મૅસેચૂસેટ્સનું પાટનગર બૉસ્ટન

આબોહવા : મૂળભૂત રીતે જોતાં મૅસેચૂસેટ્સની આબોહવા સમશીતોષ્ણ પ્રકારની છે, પરંતુ તેનો પશ્ચિમ ભાગ વધુ ઠંડો અને સૂકો છે. અહીં જુલાઈ અને ઑગસ્ટ ગરમ રહે છે, તે વખતે તાપમાન 21° સે. સુધી જાય છે; જ્યારે શિયાળાનું તાપમાન –1° સે. સુધી જાય છે.

અર્થતંત્ર : શિક્ષણ, નાણાં, સ્વાસ્થ્યસંભાળ, કાયદાકીય બાબતો અને વેપાર જેવા સેવા-ઉદ્યોગોમાં રાજ્યના આશરે 75 % લોકો રોકાયેલા છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી તથા મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (MIT) અહીંનાં મુખ્ય શૈક્ષણિક મથકો છે. આ યુનિવર્સિટીઓમાંથી બહાર પડતા સારા વિદ્યાર્થીઓ તેમજ નિષ્ણાતો અને વિદ્વાનોની સેવાઓનો અહીંની કંપનીઓને લાભ મળી રહે છે.

ઈશાન યુ.એસ.માં આવેલાં મુખ્ય નાણાકીય મથકો પૈકી બૉસ્ટન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અહીં સ્ટૉક એક્સ્ચૅન્જ અને બૅંકિંગ કંપનીઓ આવેલી છે. બૉસ્ટન એ સ્વાસ્થ્યસંભાળ માટેનું મહત્ત્વનું કેન્દ્ર પણ છે. બૉસ્ટન ખાતે આવેલી મૅસેચૂસેટ્સ જનરલ હૉસ્પિટલ દુનિયાભરની આગળ પડતી ઔષધીય સંશોધન-સંસ્થા પણ ગણાય છે.

પૂર્વ કિનારે આવેલું બૉસ્ટન બંદર રાજ્યના મોટાભાગની વેપારી માલસામાનની હેરફેર કરે છે. રાજ્યમાં મોટરગાડીઓ, કરિયાણું અને ખનિજતેલનો જથ્થાબંધ વેપાર વિકસ્યો છે. આ રાજ્યમાં જુદાં જુદાં સ્થળોના પ્રવાસે આવતા લોકો પાસેથી અહીંની દુકાનો, રેસ્ટોરાં વગેરેને આવક મળી રહે છે. બૉસ્ટન, કૉડની ભૂશિર, બર્કશાયર વિસ્તાર તેમજ ભૂશિર નજીકના ટાપુઓ અહીંનાં મહત્ત્વનાં પ્રવાસ-સ્થળો છે.

ઈશાન મૅસેચૂસેટ્સનો વિસ્તાર કમ્પ્યૂટરો, ટેલિફોન અને સંદેશાવ્યવહારની સામગ્રી તથા અન્ય વીજાણુ સાધનસામગ્રીના ઉત્પાદનથી ધમધમતો રહે છે. મોટરગાડીઓ, વૈજ્ઞાનિક સાધનો તેમજ છાપકામ માટેની સામગ્રીનું ઉત્પાદન પણ થાય છે. બૉસ્ટનમાં પુસ્તકો અને દૈનિક પત્રોનું મોટા પાયા પર પ્રકાશન થાય છે. ફ્રેમિંગહામમાં મોટરગાડીઓના ભાગોનું જોડાણ કરતા એકમો પણ આવેલા છે.

રાજ્યના અર્થતંત્રમાં ખેતી, માછીમારી અને ખાણકાર્યનો ફાળો નજીવો છે. ફૂલછોડ-ઉછેરની બાગાયતી વાડીઓની પ્રવૃત્તિ વિકસી છે. મેદાની વિસ્તારો ડેરીની પેદાશોમાંથી આવક ઊભી કરી આપે છે. ન્યૂ બેડફર્ડ બંદર યુ.એસ. માટેનું મત્સ્યકેન્દ્ર બની રહેલું છે. આ બંદરેથી દેશની લગભગ 50 % જેટલી માછલીઓની નિકાસ થાય છે. રેતી અને ગ્રૅવલ અહીંની મુખ્ય ખનિજપેદાશો ગણાય છે.

વસ્તી જોવાલાયક સ્થળો : 2010 મુજબ આ રાજ્યની વસ્તી  65,47,629 જેટલી છે. બૉસ્ટન, વુસ્ટર, સ્પ્રિન્ગફીલ્ડ, ન્યૂ બેડફર્ડ, બ્રૉક્ટન અને કેમ્બ્રિજ અહીંનાં મુખ્ય શહેરો છે. બૉસ્ટન, સ્પ્રિન્ગફીલ્ડ, નૅશનલ બાસ્કેટબૉલ હૉલ ઑવ્ ફેઇમ, બૉસ્ટન ખાતેનાં ઇઝાબેલા સ્ટુઅર્ટ ગાર્ડનર મ્યુઝિયમ અને ફાઇન આર્ટસ મ્યુઝિયમ, ટૅગલવુડ મ્યુઝિક ફેસ્ટિવલ, સમર હૉલ ઑવ ધ બૉસ્ટન સિમ્ફની ઑરકેસ્ટ્રા, યુ.એસ.ની સર્વપ્રથમ સ્થપાયેલી મહિલા-કૉલેજ તથા માઉન્ટ હૉલિયૉક કૉલેજ અહીંનાં જોવાલાયક સ્થળો છે.

ઇતિહાસ : મૅસેચૂસેટ્સ રાજ્યમાં આવેલા પ્લિમથ નજીક ‘મે ફ્લાવર’ નામના વહાણમાં 11 નવેમ્બર, 1620ના રોજ પિલ્ગ્રિમ્સ અંગ્રેજો આવ્યા. તે અગાઉ સદીઓથી રેડ ઇન્ડિયન્સ ત્યાં વસતા હતા. 1770માં બ્રિટિશ સૈનિકોએ બૉસ્ટનના પાંચ નાગરિકોને મારી નાખ્યા. તે બનાવ બૉસ્ટનની કતલ તરીકે જાણીતો બન્યો. ત્રણ વર્ષ પછી 1773માં બૉસ્ટન બંદરે આવેલી ચાની પેટીઓ, ત્યાંના લોકોએ દરિયામાં પધરાવી દીધી. આ બનાવ બૉસ્ટન ટી પાર્ટી તરીકે ક્રાંતિનો બનાવ ગણાય છે. બ્રિટિશ સરકારે બૉસ્ટન બંદર બંધ કર્યું. ત્યારબાદ આ રાજ્યના લોકોએ અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધમાં પણ ભાગ લીધો હતો. ઓગણીસમી સદીના ત્રીજા અને ચોથા દાયકામાં ઉદ્યોગો વધ્યા અને સામાજિક પરિવર્તન થયું. ગુલામી-વિરોધી ચળવળને આ રાજ્યમાં મજબૂત ટેકો મળ્યો. અમેરિકાના આંતરવિગ્રહ (1861-1865) દરમિયાન આ રાજ્ય યુનિયનની તરફેણમાં હતું. વીસમી સદીમાં આ રાજ્યના જૉન એફ. કૅનેડી યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ તરીકે વિશ્વવિખ્યાત થયા હતા.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુકલ