મેસી, લીઓનલ (જ. 24 જૂન 1987, રોઝારિયો, આર્જેન્ટિના) : આર્જેન્ટિનાનો શ્રેષ્ઠ ફૂટબૉલ ખેલાડી.
લીઓનલ મેસી આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમ તથા વિવિધ ક્લબ તરફથી ફૂટબૉલ રમે છે. તે આર્જેન્ટિનાની ટીમનો સુકાની છે અને મુખ્યત્વે ફૉરવર્ડ (ગોલ કરવાના હેતુ સાથે વિરોધી ટીમની ગોલપોસ્ટ નજીક રમનાર આક્રમક ખેલાડી) ખેલાડીની ભૂમિકા ભજવે છે. તેના નામે અનેક રેકૉડ છે.

લીઓનેલ મેસી
પ્રારંભિક તબક્કે લીઓનલ મેસીએ તેના પિતા જોર્જ મેસી પાસેથી ફૂટબૉલની તાલીમ લીધી હતી. મેસીનો આખો પરીવાર ફૂટબૉલનો ચાહક હતો. તેના ભાઈઓ રોડ્રીગો અને મેરીસ વ્યાવસાયિક ફૂટબૉલર હતા. મેસીએ ચાર વર્ષની ઉંમરથી ફૂટબૉલની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું અને સાત વર્ષનો થયો ત્યારે તો તેને સૌપ્રથમ ન્યુવેલ્સ તરફથી રમવાનો અવસર મળ્યો. અહીં તેણે છ વર્ષ દરમિયાન પાંચસો જેટલા ગોલ કર્યા. બ્રાઝિલના રોનાલ્ડોને શ્રેષ્ઠ ફૉરવર્ડ ખેલાડી તરીકે સન્માનતા મેસીએ માત્ર 17 વર્ષની વયે બાર્સેલોના ફૂટબૉલ ક્લબ તરફથી રમી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી.
દસ વર્ષની ઉંમરે મેસી વૃદ્ધિકારક અંતઃસ્રાવની ઊણપનો (Growth Hormone Deficiency) શિકાર બન્યો. જેના કારણે તેની કારકીર્દી પર જોખમનો ભય ઉભો થયો. જોકે વૃદ્ધિકારક અંતસ્ત્રાવની ઊણપને દૂર કરવાની થેરાપી શરૂ કરતા તે આ બિમારી સામેનો પડકાર પણ જીતી ગયો. 2008-09થી તે બાર્સેલોના તરફથી સતત ફૂટબૉલ રમવા લાગ્યો અને આ જ વર્ષે તેણે બાર્સેલોના ફૂટબૉલ ક્લબને La-liga લીગ, Copa del Rey કપ તથા UEFA ચેમ્પિયન લીગ જેવી મુખ્ય ત્રણ મુખ્ય ટૂરર્નામેન્ટમાં વિજેતા બનાવીને એક જ વર્ષે ત્રણ ટૂર્નામેન્ટ જીતનાર ટીમને મળતું ટાઇટલ ‘Treble’ અપાવ્યું. આ બાર્સેલોના ફૂટબૉલ ક્લબને મળેલું આ પ્રથમ Treble હતું. મેસીની આ સફળતાએ તેને ફૂટબૉલ ક્ષેત્રનો પ્રતિષ્ઠિત ઍવોર્ડ બૈલન ડી’ઑર અપાવ્યો. એ પછીના સળંગ ત્રણ વર્ષે પણ મેસીએ આ ઍવોર્ડ જીત્યો. 2011-12ની સીઝનમાં તો તે સૌથી વધુ ગોલ કરનાર યુરોપિયન ખેલાડી બન્યો; એટલું જ નહીં તેણે પોતાની જાતને બાર્સેલોનાના સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી તરીકે સ્થાપિત કરી. વર્ષ 2014-15માં તે સ્પેનની વ્યવસાયિક ફૂટબૉલ લીગ La-ligaમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ ગૉલ કરનાર ખેલાડી બન્યો અને આ વર્ષે તેણે બાર્સેલોનાને બીજી વખત ‘Treble’ અપાવ્યું. 2018માં તે બાર્સેલોનાનો સુકાની બન્યો અને 2019માં છઠ્ઠી વખત બૈલન-ડી’ઑર ઍવોર્ડ મેળવ્યો. અત્યાર સુધીમાં તેણે બાર્સેલોનાને 34 ટ્રૉફી અપાવી જેમાં 10 La-liga ટાઇટલ્સ અને ચાર ચૅમ્પિયન્સ લીગનો સમાવેશ થાય છે.
પોતાના દેશ તરફથી સૌથી વધુ મૅચ રમનાર મેસીએ 2008ની ઑલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો. 2011થી મેસી અર્જેન્ટિનાની રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમનો સુકાની બન્યો અને સળંગ ત્રણ વર્ષ તે ટીમને ફિફા વર્લ્ડકપ (2014), કોપા અમેરિકા (2015) અને કોપા અમેરિકા (2016) જેવી અત્યંત મહત્ત્વની ટૂર્નામેન્ટની ફાઇનલમાં લઈ ગયો. જોકે આ ત્રણ સ્પર્ધાઓમાંથી એકેમાં પણ તેની ટીમ ફાઇનલમાં વિજેતા ન બની શકી. પરિણામે તેણે 2016માં માત્ર 29 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરી.
પોતાના દેશ અને ટીમ ખાતર તેણે બે વર્ષ પછી પોતાની નિવૃત્તિ પાછી ખેંચી અને 2018માં તે ફરીથી પોતાના દેશ માટે મેદાનમાં આવ્યો. 2021માં તેણે કોપા અમેરિકા સ્પર્ધામાં આર્જેન્ટિનાને વિજય અપાવ્યો. 28 વર્ષ બાદ આર્જેન્ટિના આ ટ્રૉફી જીત્યું. ત્યારબાદ 2022માં તેના નેતૃત્વ હેઠળ આર્જેન્ટિના ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું અને ફ્રાંન્સને હરાવીને 36 વર્ષ બાદ વર્લ્ડ કપ પોતાના નામે કર્યો. 2023માં આઠમી વખત બૈલન-ડી’ઑર ઍવોર્ડ મેળવ્યો. 2024માં વધુ એક વખત તેણે તેની ટીમને કોપા અમેરિકા ટૂર્નામેન્ટમાં વિજય અપાવ્યો.
વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીને આપવામાં આવતો બૈલન-ડી’ઑર ઍવોર્ડ મેસીએ આઠ વખત મેળવ્યો છે. આ ઉપરાંત છ વખત યુરોપિયન ગોલ્ડન શૂ, બે વખત ફીફા વર્લ્ડ કપ ગોલ્ડ બૉલ, બે વખત 2010-11 અને 2014-15માં યુ.ઈ.એફ.એ.માં પ્લેયર ઑફ ધ યર, બે વખત કૅમ્પા અમેરિકા ગોલ્ડન બૉલ, એક વખત ગોલ્ડન બૂટ અને નવ વખત la-liga બેસ્ટ ખેલાડીનો ઍવૉર્ડ અને આ સિવાય પણ તે અનેક નાનામોટા ખિતાબ મેળવી ચૂક્યો છે. 4 જાન્યુઆરી, 2025ના રોજ મેસીને અમેરિકા તરફથી ‘પ્રેસિડેન્ટલ મેડલ ઑફ ફ્રીડમ’થી સન્માનિત કરવામાં આવ્યો. મેસીએ તેની સંપૂર્ણ કારકિર્દીમાં 899 જેટલા ગોલ નોંધાવ્યા છે. તે ઇતિહાસના એક MOST DECORATED’ ખેલાડી તરીકે હંમેશાં યાદ રહેશે.
જગદીશ શાહ
