મેલ્બા, (ડેમી) નેલી

February, 2002

મેલ્બા, (ડેમી) નેલી (જ. 19 મે 1861, રિચમૉન્ડ, મેલબોર્ન; અ. 23 ફેબ્રુઆરી 1931, સિડની, ન્યૂ સાઉથવેલ્સ) : અતિતાર સપ્તકમાં ગાનારાં વિખ્યાત ઑસ્ટ્રેલિયન કલાકાર. તેમનું મૂળ નામ હેલન પૉર્ટર મિટશેલ (Mitchel) હતું. બાળપણમાં જૂની ઢબના પિયાનો વગાડવાનો અભ્યાસ કરેલો અને ગિરજાઘર(church)માં તથા સ્થાનિક સંગીત-સમારોહમાં ગાતાં. બ્લચ માર્ચેસીના માર્ગદર્શન હેઠળ તેમણે પૅરિસ ખાતે સંગીતનો વિધિસરનો અભ્યાસ કર્યો. 1887માં બ્રસેલ્સ ખાતે સંગીતનાટ્ય(opera)માં ભાગ લીધો અને ત્યારથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ. 1889–1914 દરમિયાન લંડન ખાતેના રૉયલ ઑપેરા હાઉસ ખાતે રજૂ થયેલાં ઘણાં સંગીતનાટકોમાં ભાગ લીધો. ત્યારબાદ 1919માં અને ફરી 1922–24 દરમિયાન અને 1926માં બ્રિટિશ નૅશનલ ઑપેરા કંપની દ્વારા રજૂ થયેલ સંગીતનાટકોમાં આગળપડતો ભાગ ભજવ્યો. આ ઉપરાંત, ન્યૂયૉર્ક ખાતેના મેટ્રોપૉલિટન ઑપેરા હાઉસ ખાતે 1893–’97, 1898–’99, 1900–1901, 1904–05, 1910–11નાં વર્ષો દરમિયાન રજૂ થયેલાં સંગીતનાટકોમાં પણ ભાગ લીધો. 1897–98માં પોતાની સંગીત મંડળી સાથે અમેરિકાનો પ્રવાસ ખેડ્યો. 1907 પછીના ગાળામાં મૅનહટન ઑપેરા કંપની દ્વારા રજૂ થયેલ સંગીતના કાર્યક્રમોમાં મંડળીના સભ્ય તરીકે તથા શિકાગો-ઑપેરામાં ભાગ લીધો. તેમનો છેલ્લો જાહેર કાર્યક્રમ 1926માં રૉયલ ઑપેરા હાઉસ, લંડન ખાતે રજૂ થયેલો.

મેલ્બા તેમની રજૂઆતની શુદ્ધતા, તાજગી અને આલંકારિકતા (ornamentation) માટે વિખ્યાત હતાં. સંગીતકાર તરીકે તેમને ઘણી બધી ખ્યાતિ મળી હતી. તેઓ રૉયલ ઑપેરા હાઉસ, લંડન ખાતે જે સંગીતનાટ્યમાં ભાગ લેવાનાં હોય તેમાં તેમની સાથે બીજા કયા સંગીતકારો અને વાદકોનો સમાવેશ કરવો તેનો અંતિમ નિર્ણય પોતે કરવાનો આગ્રહ રાખતાં હતાં.

(ડેમી) નેલી મેલ્બા

મેલબૉર્નની નજીકમાં તેમનું જન્મસ્થાન હોવાથી તેમણે તેમના મૂળ નામ સાથે ‘મેલબૉર્ન’ શબ્દ પણ જોડી દીધેલો અને તે નામે તેઓ કલાકાર તરીકે પોતાને ઓળખાવતાં હતાં. કેટલાક ખાદ્ય પદાર્થોને પણ તેમનું નામ આપવામાં આવ્યું હતું.

1918માં તેમને ડેમી કમાન્ડર ઑવ્ ધી ઑર્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર (DBE) અને 1929માં ગ્રૅન્ડ ક્રૉસ ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર(GBE)ના ખિતાબથી સન્માનવામાં આવ્યાં હતાં.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે