મેલૉન, પૉલ (જ. 11 જૂન 1907, પીટ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 1 ફેબ્રુઆરી 1999, વર્જિનિયા, યુ.એસ.) : અમેરિકાના એક અગ્રેસર કલાસંગ્રાહક તેમજ કલાને પ્રોત્સાહન આપનારા દાનવીર. અમેરિકાના કુબેરભંડારી જેવા અતિધનાઢ્ય શરાફ, કલાસંગ્રાહક તથા દાનવીર ઍન્ડ્રુ મેલૉનના તેઓ એકના એક પુત્ર થાય. અનેક કલા-મ્યુઝિયમોને તથા સાંસ્કૃતિક લાભાર્થીઓને આર્થિક મદદ કરવામાં તથા તે અંગેનો વહીવટ કરવામાં જિંદગીનાં મોટાભાગનાં વર્ષો તેમનાં વીત્યાં. એ રીતે તેમણે અનેક વર્ષો વિવિધ પ્રતિષ્ઠાનોના ટ્રસ્ટી તરીકે સેવા આપવામાં ગાળ્યાં. 1938થી મુખ્યત્વે તેઓ કલ્પકતા તથા સંશોધનકાર્યને વરેલા વર્જિનિયા મ્યુઝિયમ ઑવ્ ફાઇન આટર્સના ટ્રસ્ટી તથા દાનવીર તરીકે યોગદાન આપવામાં સક્રિય રહ્યા. 1937માં તેમના પિતાએ વૉશિંગ્ટન ડી.સી.માં અત્યંત મોટી રકમનું દાન આપીને તેમજ પોતાના સંગ્રહની કીમતી કલાકૃતિઓ આપીને નૅશનલ ગૅલરી ઑવ્ આર્ટનો પ્રારંભ કર્યો હતો. 1949માં તેનું વિધિસર ઉદ્ઘાટન થયું અને 4 વર્ષ પછી યુવાન મેલૉન તેના સર્વપ્રથમ ટ્રસ્ટી બની રહ્યા. પાછળથી તેઓ તેના અધ્યક્ષ પણ બન્યા.
તેમને આંગ્લ-અમેરિકન સાંસ્કૃતિક પ્રવાહોમાં રસ પડવાથી, તેઓ અઢારમી સદીની બ્રિટિશ કલાકૃતિઓ ખરીદવા તરફ વળ્યા. આના પરિણામે, ન્યૂ હૅવન ખાતે પૅલ સેન્ટર ફૉર બ્રિટિશ આર્ટ ઍન્ડ બ્રિટિશ સ્ટડિઝની સ્થાપના થવા પામી. આ સંસ્થાની શૈક્ષણિક-વિદ્યાકીય કામગીરીના આયોજન માટે તથા મેલૉન-અર્પિત કલાભંડારની કલાત્મક ગોઠવણી માટે નામાંકિત સ્થપતિ લૂઈ કાને સુંદર ભવનનું નિર્માણ કર્યું. મેલૉને રાષ્ટ્રને સમર્પિત કરેલી છેલ્લી ભેટ તે વૉશિંગ્ટન ખાતેની નૅશનલ ગૅલરીનું વિશાળ ઈસ્ટ બિલ્ડિંગ; તેમાં સમકાલીન કલા ઉપરાંત 1978માં શરૂ કરાયેલ સેન્ટર ફૉર એડ્વાન્સ્ડ સ્ટડી ઇન ધ વિઝ્યુલ આટર્સનો સમાવેશ કરાયો છે.
મહેશ ચોકસી