મેલેરિયા (એકાંતરિત જ્વર)
એનોફિલિસ મચ્છરની માદાના ડંખ દ્વારા ફેલાતો પ્રજીવજન્ય (protozoan) ચેપી રોગ. તેને ‘એકાંતરિયો તાવ’ પણ કહે છે. સામાન્ય રીતે સખત ટાઢ વાઈને એકાંતરે દિવસે આ તાવ આવે છે. પરોપજીવો (parasite) દ્વારા થતા રોગોમાં તે સૌથી વધુ મહત્ત્વનો રોગ ગણાય છે. દર વર્ષે વિશ્વના 103 દેશોમાં 1 અબજ લોકોને તે અસર કરે છે. ઉત્તર અમેરિકા, યુરોપ અને રશિયામાંથી તેને નાબૂદ કરાયેલો છે; પરંતુ વિષુવવૃત્તીય પ્રદેશોમાં તે ફરી ફરીને માથું ઊંચકે છે. હાલ તેનાં વિવિધ ઔષધોની ઘટેલી અસરકારકતા પણ મહત્ત્વની સમસ્યા બની છે. ઔષધોની ઘટેલી અસરકારકતાને ઔષધ-સહ્યતા (drug tolerance) કહે છે અને તે પ્રજીવ અને મચ્છર એમ બંને સામે સક્રિય ઔષધો અને રસાયણો પરત્વે જોવા મળે છે. ભારત જેવા દેશોમાં તે કાયમી સમસ્યા રૂપે છે, જ્યારે વિકસિત દેશોમાં તેની મુખ્ય સમસ્યા પ્રવાસીઓના સ્વાસ્થ્ય સંબંધે અથવા પ્રવાસીઓ દ્વારા લવાતા ચેપ સંબંધે છે.
સારણી 1 : વિવિધ પ્રકારના મેલેરિયા કરતા પ્રજીવોની લાક્ષણિકતાઓ
ગુણધર્મ | પ્લા. ફાલ્સિપેરમ | પ્લા. વાઇવેક્સ | પ્લા. ઑવેલ | પ્લા. મેલેરિયાઈ | |
1 | યકૃતીય તબક્કો (intrahepatic phase) – દિવસમાં | 5.5 | 8 | 9 | 15 |
2 | ભંજપ્રાણુ (mero- zoite)ની સંખ્યા | 30,000 | 10,000 | 15,000 | 15,000 |
3 | રક્તકોષીય તબક્કો (erythrocytic phase) – કલાકોમાં | 48 | 48 | 50 | 72 |
4 | રક્તકોષો પસંદગી | યુવાન કોષો | તનુતન્વી કોષો (reticulo cytes) | તનુતન્વી કોષો | વૃદ્ધ કોષો |
5 | સ્વરૂપવિદ્યા | લઘુવલયા-કારી રૂપ (ring form) કેળાના આકારના જન્યુકોષો (gameto-cytes) | અનિયમિત લઘુવલયો અને પોષ-પ્રાણુઓ (tropho-zoites), મોટા રક્તકોષો શુફનરના ડાઘા (Schufifner) | ચેપગ્રસ્ત રક્તકોષો, મોટા અને અંડાકાર, શુફનરના ડાઘ | પટ્ટિકા (band) અને ચતુષ્ક (rectangular) રૂપના પોષ-પ્રાણુઓ |
6 | વર્ણક દ્રવ્યનો રંગ | કાળો | પીળો-છીંકણી | ગાઢો- છીંકણી | કાળો- છીંકણી |
7 | ઊથલો મારવાની ક્ષમતા | નહિ. | છે. | છે. | નહિ. |
કારણવિદ્યા (aetiology) તથા વ્યાધિકરણ (pathogenesis) : તે પ્લાઝમોડિયમ જૂથના પ્રજીવોથી થાય છે. તેના 4 પ્રકારો માણસમાં ચેપ કરે છે. પ્લાઝમોડિયમ ફાલ્સિપેરમ, પ્લા. વાઇવેક્સ, પ્લા. ઝમોડિયમ ઑવેલ અને પ્લા. ઝમોડિયમ મેલેરિયાઈ. ફક્ત પ્લા. ઝમોડિયમ ફાલ્સિપેરમના ચેપને કારણે જ લગભગ બધાં મૃત્યુ નોંધાયેલાં છે. ચારેય પ્રકારના ચેપની વિશેષતાઓ સારણી 1માં દર્શાવાઈ છે.
મેલેરિયાના પ્રજીવોનું જીવનચક્ર આકૃતિ 1માં દર્શાવાયેલું છે. એનોફિલિસ માદા મચ્છરના ડંખ સાથે તેની લાળમાંનાં મેલેરિયાના પ્રજીવોનું બીજપ્રાણુ (sporozoite) સ્વરૂપ માણસના લોહીમાં પ્રવેશે છે. તેઓ ચલનશીલ (motile) છે અને લોહીના વહન સાથે યકૃત(liver)માં પહોંચે છે. ત્યાં તેઓ યકૃતની પ્રમુખપેશી- (parenchyma)ના કોષોમાં પ્રવેશે છે અને અલૈંગિક પ્રજનન(asexual reproduction)ની ક્રિયા શરૂ કરે છે. તેને અંત:યકૃતીય અથવા યકૃતીય (hepatic) તબક્કો કહે છે. તેને ભંજ-જનન (merogony) અથવા સુભંજ-જનન(schizogony)નો પૂર્વરક્તકોષી (pre-erythrocyte) અથવા બહિર્રક્તકોષી (exoerythrocytic) તબક્કો પણ કહે છે. તે સમયે એક બીજપ્રાણુમાંથી 10,000થી 30,000 જેટલા ભંજપ્રાણુઓ (merozoites) બહાર નીકળે છે. તેથી જે યકૃતકોષમાં આ પ્રજનન થયું હોય તે ફાટી જાય છે અને ચલનશીલ ભંજપ્રાણુઓ લોહીમાં પ્રવેશે છે. આ સમયે મેલેરિયાના ચેપનાં લક્ષણો થઈ આવે છે. પ્લા. વાઇવેક્સ તથા પ્લા. ઑવેલના બીજપ્રાણુઓ યકૃતકોષમાં લાંબો સમય સુષુપ્ત રહે છે અને મહિનાઓ કે વર્ષો પછી સક્રિય બને છે. આવા સુષુપ્ત બીજપ્રાણુઓને સુષુપ્તપ્રાણુ (hypnozoites) કહે છે.
લોહીમાં પ્રવેશેલા ભંજપ્રાણુઓ રક્તકોષોમાં પ્રવેશે છે અને તેઓ પોષપ્રાણુ(trophozoites)માં રૂપાંતરણ પામે છે. રક્તકોષો સાથેનું તેમનું જોડાણ રક્તકોષોમાંના વિશિષ્ટ સ્વીકારકો(receptors)ને આભારી છે. પ્લા. વાઇવેક્સ માટેના સ્વીકારકોને ડફી – રુધિરજૂથ પ્રતિજન (Duffy – blood group antigen) – Fya અને Fyb ની સંજ્ઞા વડે ઓળખવામાં આવે છે. પશ્ચિમી આફ્રિકાની પ્રજામાં ઘણા લોકોમાં આ પ્રતિજન હોતો નથી અને તેથી તેઓને પ્લા. વાઇવેક્સનો ચેપ લાગતો નથી. રક્તકોષોમાં પોષપ્રાણુઓ સૌપ્રથમ લઘુવલયરૂપ(ring form)માં હોય છે; પરંતુ સમય જતાં તે જે તે પ્રકાર માટેનો વિશિષ્ટ રંગ અને આકારવાળો દેખાવ ધારણ કરે છે (જુઓ સારણી 1). 48 કલાકના અંતર્રક્તકોષી જીવનચક્ર(પ્લા. મેલેરિયાઈ માટે 72 કલાક)ના અંતે પોષપ્રાણુઓ રક્તકોષમાંના રક્તવર્ણક (haemoglobin)નું પૂરેપૂરું ભક્ષણ કરીને સમગ્ર રક્તકોષને ભરી દે તેટલા મોટા કદના થઈ જાય છે. ત્યારે કોષકેન્દ્રના અનેક ભંજનો (divisions) થાય છે. તેને ભંજ-જનન કહે છે. છેલ્લે રક્તકોષ તૂટે છે અને 6થી 30 ભંજપ્રાણુઓ (merozoites) બહાર પડે છે. દરેક ભંજપ્રાણુ બીજા એક રક્તકોષમાં પ્રવેશીને ફરીથી આ જ જીવનચક્ર ચાલુ રાખે છે. ભંજપ્રાણુઓના રક્તકોષ પરના હુમલા અને તેમના નાશને કારણે માણસમાં મેલેરિયાના રોગનાં લક્ષણો (ટાઢ વાઈને તાવ આવવો) ઉદભવે છે. ત્યારપછી તુરત, અથવા તો આવા રક્તકોષી તબક્કાઓની શ્રેણી પછી પ્લા. ફાલ્સિપેરમના ચેપમાં, થોડાક લોહીમાંના પરોપજીવો લાંબું જીવતા, દેખાવમાં અલગ પડતા પ્રજનનક્ષમ કોષો – જન્યુકોષો અથવા જન્યુપ્રાણુઓ(gametocytes)માં રૂપાંતરિત થાય છે.
આ જન્યુપ્રાણુઓને એનોફિલિસ મચ્છરની માદા ડંખ વખતે લોહીની સાથે પોતાના શરીરમાં મેળવે છે. મચ્છરની મધ્યઉદરાંત્ર(midgut)માં નર અને માદા જન્યુપ્રાણુઓ મળે છે અને સંયુગ્મકોષ (zygote) બનાવે છે. આને લૈંગિક પ્રજનન કહે છે. સંયુગ્મકોષ પુખ્ત થાય ત્યારે તે ગતિકપ્રાણુ (ookinete) કહેવાય છે. તે મચ્છરના ઉદરાંત્ર(gut)ની દીવાલમાં પ્રવેશીને એક નાની પોટલી એટલે કે કોષ્ટિકા (small cyst) બનાવે છે. ગતિકપ્રાણુઓ અલૈંગિક પ્રજનન (સંખ્યાવૃદ્ધિ) દ્વારા અનેક પ્રગતિકપ્રાણુઓ (oocytes) બનાવે છે. તેને કારણે કોષ્ટિકા ફાટી જાય છે અને તેમાંથી ચલનશીલ બીજપ્રાણુઓ મુક્ત થાય છે, જે માદા એનોફિલિસ મચ્છરના ડંખ સાથે બીજા માણસના શરીરમાં પ્રવેશે છે. આમ મેલેરિયા કરતો પરોપજીવ લૈંગિક (મચ્છરના શરીરમાં) અને અલૈંગિક (મચ્છર તથા માણસના શરીરમાં) પ્રજનન દ્વારા પોતાનું જીવનચક્ર વિતાવે છે. માણસના શરીરના કોષમાં જે સમયે પરોપજીવનું કોઈ સ્વરૂપ મોટું થતું જાય અને તેના કોષકેન્દ્રનાં અનેક વિભાજનો થાય, ત્યારે તે પ્રક્રિયાને સુભંજ-જનન (schizogony) કહે છે અને આવા બહુકેન્દ્રી પરોપજીવને સુભંજપ્રાણુ (schizont) કહે છે. તેનામાંથી અનેક ભંજપ્રાણુ (merozoites) છૂટા પડે છે. માટે આ સમગ્ર ક્રિયાને ભંજ-જનન પણ કહે છે. તેવી રીતે મચ્છરના શરીરમાં પણ બીજપ્રાણુ બને છે. તેને બીજપ્રાણુ-જનન (sporogony) કહે છે. ભંજ-જનન, સુભંજ-જનન અને બીજપ્રાણુ-જનન અલૈંગિક પ્રજનન(સંખ્યાવૃદ્ધિ)ની પ્રક્રિયાઓ છે; જ્યારે જન્યુપ્રાણુઓનું બનવું અને તેમના સમાગમથી યુગ્મકકોષનું બનવું લૈંગિક ક્રિયા ગણાય છે. આમ લૈંગિક અને અલૈંગિક ક્રિયાઓ વડે મેલેરિયાના પરોપજીવ(પ્લાઝમોડિયા)નું જીવનચક્ર ચાલ્યા કરે છે.
વસ્તીરોગવિદ્યા : મેલેરિયા સમગ્ર વિષુવવૃત્તીય પ્રદેશોમાં વ્યાપક રૂપે જોવા મળે છે (આકૃતિ 2). આફ્રિકા અને ન્યૂગિનીમાં પ્લા. ફાલ્સિપેરમ તથા મધ્ય અમેરિકા અને ભારતીય ઉપખંડમાં પ્લા. વાઇવેક્સ પ્રમુખ રૂપે છે. ભારતમાં પણ પ્લા. ફાલ્સિપેરમનો ઉપદ્રવ ઘણો છે. દક્ષિણ અમેરિકા, પૂર્વ એશિયા તથા ઓસિયાનિયામાં બંને પ્રજાતિઓ(species)નું પ્રમાણ સમાન છે. સહારાના રણની પાસેના આફ્રિકામાં પ્લા. મેલેરિયાઈનું પ્રમાણ વધુ છે; પરંતુ અન્ય પ્રકારના પ્લાઝમોડિયાના પ્રમાણ કરતાં તે ઓછું છે. પ્લા. ઑવેલ ફક્ત આફ્રિકામાં જોવા મળે છે, અન્યત્ર તેનું પ્રમાણ 1 %થી ઓછું છે. રોગની વસ્તીસ્થાયિતા (endemicity) નક્કી કરવા માટે જે તે વિસ્તારની સમગ્ર વસ્તીના લોહીના નમૂનાઓમાં કેટલા પ્રમાણમાં પરોપજીવને દર્શાવી શકાય છે (પરોપજીવરુધિરતા, parasitaemia) તથા 2થી 9 વર્ષનાં બાળકોમાં કેટલામાં બરોળ મોટી થઈ છે અને તેને પેટ પર સંસ્પર્શન (palpation) દ્વારા દર્શાવી શકાય છે તે જાણવામાં આવે છે. અલ્પવસ્તીસ્થાયી (hypoendemic) વિસ્તારમાં તે 10 %થી ઓછાના દરે હોય છે, મધ્યવસ્તીસ્થાયી (mesoendemic) વિસ્તારમાં તે 11 %થી 50 %ના દરે હોય છે અને અતિવસ્તીસ્થાયી (hyperendemic) વિસ્તારમાં તે 51 % થી 75 %ના દરે હોય છે. પૂર્ણવસ્તીસ્થાયી (holaendemic) વિસ્તારમાં તેનો દર 75 %થી વધુ હોય છે. અતિ – તથા પૂર્ણ – વસ્તીસ્થાયી વિસ્તારમાં લગભગ દરરોજ દરેક જણ ઓછામાં ઓછું એક વખત ચેપગ્રસ્ત (સંક્રમિત, infected) મચ્છરના ડંખથી પીડાય છે. તેથી બાળપણમાં જ માંદગી અને મૃત્યુનું પ્રમાણ ઘણું વધારે રહે છે. બાળપણમાં તેથી મેલેરિયા સામેની રોગપ્રતિકારકતા (immunity, પ્રતિરક્ષા) મેળવવામાં તકલીફ પડે છે અને બાળદર્દીઓનું ઘણું મોટું પ્રમાણ અને મોટી ઉંમરે લક્ષણ વગરના ચેપવાળી ઘણી વ્યક્તિઓ જોવા મળે છે. આવા વર્ષ દરમિયાન લગભગ સતત ચાલતા ચેપ અથવા સંક્રમણને સ્થિર પારક્રમણ (stable transmission) કહે છે અને તે અતિ – તથા પૂર્ણ – વસ્તીસ્થાયી વિસ્તારોમાં જોવા મળે છે. ત્યાં પુખ્ત વયે મેલેરિયા સામે સારી એવી પ્રતિરક્ષા ઉદભવે છે, પરંતુ અલ્પ-વસ્તીસ્થાયી વિસ્તારમાં ક્યારેક જ ચેપ અથવા સંક્રમણ થાય છે. માટે તેને અસ્થિર પારક્રમણ (unstable transmission) કહે છે અને ત્યાં પૂરેપૂરી પ્રતિરક્ષા વિકસતી નથી. આવા વિસ્તારોમાં વરસાદની ઋતુમાં મચ્છરનો ઉપદ્રવ વધે ત્યારે મેલેરિયાનો ઉપદ્રવ પણ વધે છે. આવી સ્થિતિમાં ત્યાં વસ્તીવ્યાપી (epidemic) રોગ તરીકે તે જોવા મળે છે; દા. ત., ઉત્તર ભારત, શ્રીલંકા, દક્ષિણ-પૂર્વ એશિયા, ઈથિયોપિયા, દક્ષિણ આફ્રિકા અને માડાગાસ્કર. દુકાળ પછી થતી અતિશય વર્ષા કે અવસ્તીસ્થાયી (non-epidermic) વિસ્તારમાંથી સવસ્તીસ્થાયી વિસ્તારમાં વ્યાપક સ્થળાંતર થાય તો વાવડ અથવા વસ્તીવ્યાપિતા (epidemic) થવાની સંભાવના વધે છે. આવા સમયે દરેક ઉંમરની વ્યક્તિમાં મૃત્યુદર ઊંચો રહે છે.
વસ્તીરોગવિદ્યાના નિર્ધારકોમાં મચ્છરની સંખ્યા (ઘનતા), ડંખ મારવાની ટેવ તથા જીવનકાળની લંબાઈ મહત્ત્વનાં ગણાય છે. મચ્છરની અંદર જન્યુપ્રાણુઓમાંથી બીજપ્રાણુ બનવાની પ્રક્રિયા 8થી 30 દિવસ લે છે. માટે 7 દિવસથી વધુ જીવતા મચ્છરો જ ચેપ ફેલાવી શકે છે. તેવી રીતે 16° થી 18° સે.થી ઓછું તાપમાન હોય તોપણ મચ્છરમાં બીજપ્રાણુ બનતાં નથી અને તેથી ચેપ ફેલાતો અટકે છે. એનોફિલિસ ગેમ્બિઆઈ (A. gambiae) નામનો મચ્છર લાંબું જીવે છે અને તે સૌથી વધુ ચેપ ફેલાવે છે. મેલેરિયાના ચેપના ફેલાવાને ગાણિતિક પરિભાષામાં દર્શાવવા મચ્છરગત નિક્રમણદર (innoculation rate) ગણી કઢાય છે. એક વર્ષમાં એક વ્યક્તિને જેટલા બીજપ્રાણુવાળા મચ્છરના ડંખ લાગે તેને મચ્છરગત નિક્રમણ-દર કહે છે. તે લૅટિન અમેરિકા તથા દક્ષિણ-પૂર્વ એશિયામાં 1 %થી ઓછો છે અને વિષુવવૃત્તીય આફ્રિકામાં 300થી વધુ છે.
શારીરિક પ્રતિભાવો અને વિકારો : મેલેરિયા કરતા પરોપજીવ સામે શરીરમાં વિવિધ રક્ષણાત્મક પ્રક્રિયાઓ થાય છે; જેમ કે, બીજપ્રાણુઓનો યકૃતકોષમાં પ્રવેશ, ભંજપ્રાણુઓનો રક્તકોષમાં પ્રવેશ તથા જન્યુપ્રાણુઓનું ફલનીકરણ. આ ત્રણેય ક્રિયાઓ અટકાવતાં પ્રતિદ્રવ્યો શરીરમાં બને છે. વળી CD4, CD8 અને T પ્રકારના લસિકાકોષો યકૃતકોષમાંના પરોપજીવને મારે છે તથા કોષીય પ્રકારની પ્રતિરક્ષા (cell mediated immunity) અને પ્રતિદ્રવ્ય-આધારિત કોષવિષતા (antibody-dependent cytotoxicity) રક્તકોષમાંના પરોપજીવને મારે છે. મેલેરિયાના પરોપજીવ દ્વારા શરીરમાં ફેલાતા વ્યાધિવિષ(toxin)નો નાશ કરવા માટેનાં પ્રતિદ્રવ્યો (antibodies) પણ શરીરમાં બને છે. 40° સે. કે વધુ તાવ પણ પરોપજીવને મારે છે.
જે વિસ્તારોમાં મેલેરિયા વ્યાપક રૂપે છે ત્યાં થેલેસિમિયા (ભૌમધ્ય- સામુદ્રિક પાંડુતા), દાત્રકોષી પાંડુતા (sickle cell anaemia) તથા ગ્લુકોઝ-6-ફૉસ્ફૉડિહાઇડ્રૉજિનેઝ(G6PD)ની ઊણપ જેવા જનીનીય વિકારો પણ વધુ જોવા મળે છે. આ પ્રકારના જનીનીય વિકારો પ્લા. ફાલ્સિપેરમ સામે રક્ષણ આપે છે.
પ્લાઝમોડિયમ ફાલ્સિપેરમમાં ચેપગ્રસ્ત રક્તકોષો લોહીમાં ફરતા રહેવાને બદલે મગજ કે અન્ય પેશીઓમાં ભરાઈ રહે છે અને તેથી રુધિરાભિસરણ કરતા લોહીમાં ફક્ત થોડાક જ રક્તકોષો તેમની હાજરી દર્શાવે છે. તેથી રક્તકોષોમાંના તેમના પ્રમાણને આધારિત પરોપજીવરુધિરતા (parasitaemia) ગણી કઢાઈ હોય તો તે ઓછો અંદાજ આપે છે. આવું અન્ય ત્રણ પ્રકારના પ્રજીવોમાં બનતું નથી.
ચિહ્નો અને લક્ષણો : શરૂઆતમાં કોઈ અન્ય સામાન્ય વિષાણુજન્ય (viral) ચેપની માફક શારીરિક અસ્વસ્થતાની લાગણી, માથાનો દુખાવો, થાક તથા સ્નાયુમાં કળતર અનુભવાય છે. ક્યારેક માથાનો, છાતીનો, પેટનો, સાંધાનો કે સ્નાયુનો દુખાવો અતિશય હોય કે ખૂબ ઝાડા થાય તો શરૂઆતમાં કોઈ અન્ય રોગનું નિદાન પણ સૂચવાય છે. જોકે મેલેરિયામાં કદી ન થતી ડોકની અક્કડતા કે મેલેરિયાને લીધે પ્રકાશઅસહ્યતા(photophobia)થી તેને મેનિન્જાઇટિસથી અલગ પાડી શકાય છે. વળી ડેન્ગ્યુ જ્વર જેટલો તીવ્ર સ્નાયુનો દુખાવો હોતો નથી તથા ટાઇફસ કે લેપ્ટોસ્પાયરોસિસ જેવી સ્નાયુઓમાં સ્પર્શવેદના (tenderness) પણ થતી નથી. ઘણી વખત ઊબકા, ઊલટી અને ઊઠતાં કે ઊભાં થતાં લોહીનું દબાણ ઘટે છે. મેલેરિયાના તાવમાં આદર્શ લક્ષણસમૂહ તરીકે નિયમિત સમયાંતરે પુષ્કળ ટાઢ વાઈને તીવ્ર પ્રમાણમાં ચડતો તાવ આવે છે. એકાંતરે દિવસે તાવ આવતો હોવાથી તેને એકાંતરિયો તાવ પણ કહે છે. તે પ્લા. વાઇવેક્સ તથા પ્લા. ઑવેલના ચેપમાં જોવા મળે છે. શરૂઆતમાં તાવ થોડો અનિયમિત રૂપે રહે છે અને પ્લા. ફાલ્સિપેરમના ચેપમાં તે ક્યારેય નિયમિત થતો નથી. જ્યારે તાવ 40° સે. (104° ફે.) કે વધુ થાય ત્યારે નાડીના ધબકારા વધેલા હોય છે અને કેટલાક દર્દીમાં સન્નિપાત (delirium) થઈ આવે છે. બાળકોમાં આંચકી (convulsion) થઈ આવે છે; પરંતુ પ્લા. ફાલ્સિપેરમના ચેપમાં જો શરીરમાં વ્યાપક રૂપે આંચકી આવે તો તે મસ્તિષ્કી મેલેરિયા (cerebral malaria) થવાની સંભાવના દર્શાવે છે. મોટાભાગના કિસ્સાઓમાં ટાઢ વાઈને આવતા તાવ ઉપરાંત થોડી ફિક્કાશ અને ક્યારેક મોટી થયેલી બરોળ જોવા મળે છે. નાનાં બાળકોમાં યકૃત પણ થોડું મોટું થાય છે. જો દર્દીને તાવની સાથે થોડો કમળો થાય તો તે 2-3 અઠવાડિયાંમાં શમે છે. પ્લા. ફાલ્સિપેરમના ચેપ સાથે ક્યારેક ચામડી પર સ્ફોટ (rash) નીકળી આવે છે. વસ્તીસ્થાયી રોગવાળા વિસ્તારમાં વારંવાર ચેપ લાગે તો બરોળ મોટી થાય છે.
તીવ્ર ફાલ્સિપેરમ મેલેરિયા : તેને ‘ઝેરી મેલેરિયા’ પણ કહે છે. જો યોગ્ય સારવાર કરાય અને અન્ય અવયવોમાં આનુષંગિક તકલીફ ન થયેલી હોય તો મૃત્યુદર 0.1 % જેટલો રહે છે; પરંતુ જો કોઈ મહત્ત્વનો અવયવ અસરગ્રસ્ત થાય કે 31 %થી વધુ રક્તકોષો ચેપગ્રસ્ત બને તો મૃત્યુદર વધે છે. ફાલ્સિપેરમ મેલેરિયાના મહત્ત્વના આનુષંગિક વિકારો સારણી-2માં દર્શાવ્યા છે. જો દર્દી બેભાન થાય કે એને આંચકીઓ આવે તો તેને મસ્તિષ્કી મેલેરિયા (cerebral malaria) થયો છે એવું કહેવાય છે અને તેમાં 20 % જેટલી પુખ્તવયની વ્યક્તિઓ અને 15 % બાળકો મૃત્યુ પામે છે. દર્દીને સન્નિપાત થાય, મનોનિક્ષણ (obtundation) થાય કે વર્તનવિકાર ઉદભવે તો તેને પણ ગંભીર લેખવામાં આવે છે. દર્દી તકલીફમાંથી બહાર આવે તો, 10 % બાળકોમાં તથા ક્યારેક પુખ્ત વયે, થોડી ઘણી ચેતાતંત્રીય અક્ષમતાઓ રહી જવાની સંભાવના રહે છે; જેમ કે, પક્ષઘાત, મસ્તિષ્કીઘાત (cerebral palsy), મસ્તિષ્કબાહ્યકગત અંધતા (cortical blindness), બહેરાશ, જાણવા-શીખવામાં મુશ્કેલી પડવી વગેરે.
એક બીજી મહત્ત્વની આનુષંગિક તકલીફ છે લોહીમાં શર્કરા(ગ્લુકોઝ)નું ઘટવું. તેને અલ્પમધુરુધિરતા (hypoglycaemia) કહે છે. બાળકો તથા સ્ત્રીઓમાં થતા તીવ્ર ચેપમાં તે ખાસ જોવા મળે છે અને ઘણી વખત ઘાતક નીવડે છે. યકૃત દ્વારા ગ્લુકોઝના ઉત્પાદનમાં ઘટાડો, પ્રજીવ દ્વારા ગ્લુકોઝનો વપરાશ તથા ક્વિનીનનો ઉપયોગ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. ક્વિનીન સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન(અલ્પમધુક અંત:સ્રાવ)નું સ્રવણ (secretion) વધારીને ગ્લુકોઝનું સ્તર ઘટાડે છે. ગ્લુકોઝનું ઘટવું ઘણી વખત સુસ્પષ્ટ રીતે અલગ જણાઈ આવતું નથી; કેમ કે, તેનાં લક્ષણો અને ચિહ્નો–પરસેવો થવો, નાડીના ધબકારા વધવા તથા બેભાનાવસ્થા થવી વગેરે મેલેરિયાના ચેપને કારણે પણ થાય છે. ક્યારેક અલ્પમધુરુધિરતાની સાથે શરીરમાં લૅક્ટિક ઍસિડનો ભરાવો થાય છે. તેનાથી થતા વિકારને દુગ્ધામ્લતાવિકાર (lactic acidosis) કહે છે. પુખ્તવયે મૂત્રપિંડી નિષ્ફળતા થાય તો દુગ્ધામ્લતાવિકાર વધુ વિષમ બને છે. તેને કારણે અમ્લતાવિકારપૂર્ણ શ્વસન (acidotic breathing) થાય છે અને ક્યારેક શ્વસનક્રિયામાં દુસ્ત્રાસ (distress) ઉદભવે તો તે રુધિરાભિસરણની નિષ્ફળતા કે શ્વસનક્રિયામાં અટકાવ (શ્વસનબદ્ધતા, respiratory arrest) કરીને મૃત્યુ નિપજાવે છે. ગ્લુકોઝનો અજારક ચયાપચય (anaerobic metabolism), પેશીમાં પરોપજીવવાળા રક્તકોષો જમા થવાથી થતો રુધિરાભિસરણનો અટકાવ, પરોપજીવ દ્વારા દુગ્ધામ્લ(lactic acid)નું ઉત્પાદન તથા દુગ્ધામ્લના ક્ષારોને દૂર કરવાની યકૃત અને મૂત્રપિંડની અક્ષમતા આ વિકાર સર્જે છે. આ ઉપરાંત અન્ય આનુષંગિક તકલીફ રૂપે ફેફસાંમાં પાણી ભરાય છે. તેને અહૃદ્જન્ય ફેફસીશોફ (noncardiac pulmonary oedema) કહે છે. ક્યારેક યકૃત અને મૂત્રપિંડમાં ક્રિયાનિષ્ફળતા ઉદભવે છે. ફેફસામાં જીવાણુજન્ય ચેપ લાગે છે તથા શરીરમાં વ્યાપકપણે પરુ ફેલાય છે. તેને પૂયરુધિરતા (septicaemia) કહે છે.
સારણી 2 : ઝેરી મેલેરિયા(ફાલ્સિપેરમ મેલેરિયા)માં થતા કેટલાક મુખ્ય આનુષંગિક વિકારો
(અ) | પ્રમુખ : |
બેભાનાવસ્થા (મસ્તિષ્કી મેલેરિયા, cerebral malaria), અતિઅમ્લરુધિરતા (acidaemia) – લોહીમાં અમ્લતા વધવી, અમ્લતાવિકાર (acidosis) – શરીરમાં વધેલી અમ્લતાનો વિકાર, તીવ્ર સમરંગી-સમકોષી પાંડુતા (sever normochromic normocytic anaemia) – લોહીમાં હીમોગ્લોબિનનું ઘટવું, મૂત્રપિંડી અનુપાત અથવા ક્રિયાનિષ્ફળતા (renal failure), ફુપ્ફુસીય જલશોફ અથવા ફેફસીશોફ (pulmonary oedema) – ફેફસામાં પાણી ભરાવાથી આવતો સોજો, પુખ્તવયી શ્વસન-દુસ્ત્રાસ સંલક્ષણ (adult respiratory distress syndrome) – શ્વાસોચ્છ્વાસમાં તકલીફ, અલ્પમધુરુધિરતા (hypoglycaemia) – લોહીમાં ગ્લુકોઝનું ઘટવું, અલ્પરુધિરદાબ તથા આઘાત (shock) – લોહીનું દબાણ ઘટવું, રુધિરસ્રાવ (haemorhage) – ગંઠકકોષો (platelets) ઘટવાથી શરીરમાં વિવિધ સ્થળે લોહી વહેવું, વ્યાપક અંતર્વાહિની રુધિરગંઠન (disseminated intravascular coagulation, DIC) – શરીરની નસોમાં લોહી જામી જાય અને સાથે સાથે બહારની બાજુ અનેક સ્થળેથી લોહી વહે, આંચકી, ખેંચ કે વાઈ આવવી (સંગ્રહણન, convulsion or seizure), રક્તવર્ણક-મૂત્રમેહ (haemoglobinuria) – પેશાબમાં હીમોગ્લોબિનનું વહી જવું. |
(આ) | અન્ય : |
સભાનાવસ્થામાં ઘટાડો, મનોનિક્ષણ (obtundation), અતિશય અશક્તિ, અતિપરોપજીવ-રુધિરતા (hyperparasitaemia), 5 % થી વધુ રક્તકોષો ચેપગ્રસ્ત તથા કમળો |
સગર્ભાવસ્થા અને મેલેરિયા : જે વિસ્તારોમાં ફાલ્સિપેરમ મેલેરિયાનું પ્રમાણ વધુ હોય તે વિસ્તારોમાં નવાં જન્મતાં બાળકોનું વજન ઓછું રહે છે (આશરે 170 ગ્રામ જેટલો ઘટાડો). જો માતાને માનવ-પ્રતિરક્ષાઊણપકારી વિષાણુ(human immunodeficiency virus, HIV)નો ચેપ લાગ્યો હોય તો મેલેરિયા માટેના વસ્તીસ્થાયી વિસ્તારમાં નવા જન્મતા બાળકનું વજન ઓછું રહે છે. અસ્થાયી પારક્રમણ(unstable transmission)વાળા વિસ્તારમાં ભારે પ્રમાણમાં પરોપજીવવાળા ચેપમાં પાંડુતા, લોહીમાં ગ્લુકોઝનો ઘટાડો તથા શ્વસનક્રિયામાં તકલીફ વગેરે થાય છે તથા ગર્ભશિશુને દુસ્ત્રાસ, કાલપૂર્વ પ્રસૂતિ, મૃતશિશુજન્મ (still birth) અથવા ઓછા વજનવાળા શિશુનો જન્મ વગેરે વિવિધ આનુષંગિક તકલીફો થાય છે. કેટલાક કિસ્સાઓમાં જન્મજાત મેલેરિયા થાય છે.
પારસરણજન્ય મેલેરિયા (transfusion malaria) : લોહી ચડાવવાથી, ઇન્જેક્શનની સોયથી કે અવયવ પ્રતિરોપણથી મેલેરિયાનો ચેપ ફેલાઈ શકે છે. આવા કિસ્સામાં પૂર્વરક્તકોષીય તબક્કો હોતો નથી અને તેને કારણે ચેપ લાગ્યા પછી ખૂબ ઝડપથી તાવ વગેરે લક્ષણો થઈ આવે છે. સારવારના સિદ્ધાંતો સામાન્ય મેલેરિયા જેવા જ છે, પરંતુ નશાકારક દવાઓ લેતી વ્યક્તિઓ જો તેમની ઇન્જેક્શન સોય સમાન રાખે અને ફાલ્સિપેરમનો ચેપ લાગે તો તેવો ચેપ વધુ તીવ્ર હોય છે. પારસરણથી લાગતા પ્લા. વાઇવેક્સ અને ઑવેલના ચેપમાં પ્રાઇમાક્વિન નામની દવા વડે નિ:શેષકારી સારવાર (radical therapy) આપવાની હોતી નથી.
મેલેરિયાની દીર્ઘકાલીન આનુષંગિક તકલીફો : લાંબા ગાળાના ચેપ કે વારંવાર લાગતા ચેપ પછી બરોળ મોટી થાય છે, સમકોષી – સમરંગી પાંડુતા (normocytic, normochromic anaemia) થાય છે તથા અતિ-પ્રતિરક્ષાલક્ષી ગ્લોબ્યુલિનરુધિરતા (hypergamma- globulinaemia) થાય છે. મોટી થયેલી બરોળ (સ્પ્લીહા, spleen)ને સ્પ્લીહાવર્ધન (splenomegaly) કહે છે. તેને વિષુવવૃત્તીય સ્પ્લીહાવર્ધન (tropical splenomegaly) પણ કહે છે. બરોળની સાથે દર્દીનું યકૃત પણ મોટું થાય છે (યકૃતવર્ધન, hepatomegaly) તથા રુધિરરસમાં પ્રતિરક્ષાગ્લોબ્યુલિન – M (immunoglobulin – M, IgM) તથા મેલેરિયા સામેનાં પ્રતિદ્રવ્યો (antibodies) પણ વધે છે. તેની સાથે યકૃતમાંની વિવરાભિકાઓ(sinusoids)માં લસિકાકોષોનો ભરાવો થાય છે તથા આફ્રિકામાં લોહીની અંદર પણ બી પ્રકારના લસિકાકોષો (lymphocytes) વધે છે. તેમને અનુક્રમે યકૃતીય વિવરાભિકાગત અતિલસિકાકોષિતા (hepatic sinusoidal lymphocytosis) તથા પરિઘીય અતિ-બી-લસિકાકોષિતા (peripheral B cell lymphocytosis) કહે છે. આ પ્રતિરક્ષાગત સંલક્ષણ(immunological syndrome)માં CD8 પ્રકારના લસિકાકોષો ઘટે છે અને CD4 લસિકાકોષો વધે છે. તેના કારણે દર્દીના શરીરમાં અતિપ્રતિક્રિયાકારી સ્પ્લીહાવર્ધન (hyper-reactive splenomegaly) થાય છે. દર્દીના પેટના ઉપલા-ડાબા ભાગમાં મોટી થયેલી બરોળની ગાંઠ ઉદભવે છે અને ત્યાં ખેંચાણ અનુભવાય છે. જો પરિસ્પ્લીહાશોથ(perisplenitis)નો વિકાર થાય તો ત્યાં સખત દુખાવો ઊપડે છે. ઘણા કિસ્સાઓમાં લોહીના રક્તકોષો અને હીમોગ્લોબિન (રક્તવર્ણક) ઘટવાને કારણે પાંડુતા (anaemia) થાય છે તથા લોહીના અન્ય કોષોની સંખ્યામાં પણ ઘટાડો થાય છે. તેને અલ્પરુધિરકોષિતા (pancytopaenia) કહે છે. તેવા સમયે લોહીમાં મેલેરિયાના પ્રજીવો જોવા મળતા નથી. પ્રતિરક્ષા (રોગપ્રતિકાર-ક્ષમતા) ઘટવાને લીધે ફેફસાં અને ચામડીમાં વારંવાર ચેપ થાય છે અને તેથી કેટલીક વ્યક્તિઓ વ્યાપક ફેલાતા ચેપ(સંક્રમણ)ને કારણે મૃત્યુ પામે છે. તેને સંક્રમણવ્યાપિતા (sepsis) કહે છે. તેથી જે વિસ્તારમાં મેલેરિયાનો ચેપ સ્થાપિત થયેલો હોય ત્યાં દરેક વ્યક્તિને મેલેરિયાનો ચેપ લાગતો રોકવા માટે ઔષધો લેવાનું સૂચવાય છે. તેને પ્રતિરોધી ઔષધચિકિત્સા (chemoprophylaxis) કહે છે. જો તે વિસ્તારમાં મેલેરિયા વસ્તીસ્થાયી રૂપે ન હોય તો મેલેરિયાની સારવાર અપાય છે. જો સારવાર ન લેવાય અથવા સારવાર અસરકારક ન રહે તો ક્યારેક લસિકાકોષો સંબંધિત કૅન્સર ઉદભવે છે. પ્લા. મેલેરિયાઈ અને કદાચ અન્ય પ્રકારના પરોપજીવોના વારંવાર થતા કે લાંબા સમયના ચેપને કારણે ક્યારેક મૂત્રપિંડમાંના મૂત્રકગુચ્છ(glomerulus)ને ઈજા કરતા પ્રતિરક્ષા-સંકુલો (immune complexes) ઉદભવે છે, જે અપમૂત્રપિંડી સંલક્ષણ (nephrotic syndrome) સર્જે છે. તેને ચતુર્થદૈનિક મેલેરિયા-સંલગ્ન મૂત્રપિંડરુગ્ણતા (quartan malaria nephropathy) કહે છે. તેના પર મેલેરિયા-વિરોધી દવાઓ, કોર્ટિકોસ્ટિરૉઇડ કે કોષવિષ-ઔષધો(cytotoxic agents)ની ખાસ અસર થતી નથી.
મેલેરિયાને લીધે થતા પ્રતિરક્ષાલક્ષી વિકારોને કારણે લસિકાર્બુદ (lymphoma) નામના લસિકાકોષોના કૅન્સર કરતા વિષાણુઓને દબાવતા પ્રતિરક્ષા-ઘટકો ઘટે છે. કદાચ તેને કારણે આફ્રિકાના મેલેરિયાગ્રસ્ત વિસ્તારોનાં બાળકોમાં ઍપ્સ્ટિન-બાર વિષાણુનો ચેપ તથા તેની સાથે જોડાયેલા બર્કિટના લસિકાર્બુદ(Burkitt’s lymphoma)નું પ્રમાણ વધુ જોવા મળે છે.
નિદાન : લોહીમાં મેલેરિયાના પરોપજીવના અલૈંગિક સ્વરૂપના નિદર્શન વડે નિદાન થાય છે. તે માટે લોહીના બિન્દુને કાચની તકતી પર ફેલાવવામાં આવે છે. તેને રુધિરલીંપણ (blood smear) કહે છે. તેનું રોમેનૉવસ્કી-અભિરંજન(Romanovsky staining)ની ક્રિયા કરીને પરોપજીવના અલૈંગિક સ્વરૂપોનું સૂક્ષ્મદર્શક (microscope) વડે અવલોકન કરાય છે. જો તપાસ નકારાત્મક રહે, પણ મેલેરિયાની શંકા તીવ્ર હોય તો ફેરતપાસ કરાય છે. તે સમયે જીમ્સા, રાઇટ, ફિલ્ડ કે લિશ્મૅનની અભિરંજનની ક્રિયા કરાય છે. તેનાં 7.2 pH મૂલ્યે થતી જીમ્સાની ક્રિયા વધુ ઇષ્ટ ગણાય છે. તે સમયે રુધિરલીંપણમાં લોહીના પાતળા તેમજ જાડા થર બનાવીને તપાસ કરાય છે. તેમને અનુક્રમે તનુલીંપણ(thin smear) અને સ્થૂળ લીંપણ (thick smear) કહે છે.
તનુલીંપણને ઝડપથી હવા વડે સૂકવી કઢાય છે. તે પછી તેને નિર્જલીય (anhydrous) મેન્થોલ વડે સ્થાપિત કરીને અભિરંજિત કરાય છે. ત્યારબાદ તેને સૂક્ષ્મદર્શકના તૈલડૂબ ર્દગકાચ (oil immersion lens) વડે તપાસવામાં આવે છે. દર 1000 રક્તકોષે કેટલા રક્તકોષોમાં પરોપજીવ છે તેની સંખ્યા જાણીને દર માઇક્રો-લિટરે કેટલા પરોપજીવગ્રસ્ત રક્તકોષો છે તે ગણી કઢાય છે. ફાલ્સિપેરમ મેલેરિયા માટે વિશિષ્ટ એવા હિસ્ટિડિનયુક્ત પ્રોટીન-2 અથવા લૅક્ટેટ ડિહાઇડ્રૉજિનેઝ-પ્રતિજનને ઓળખી કાઢવા માટે સરળ, અતિસંવેદનશીલ અને ચોકસાઈપૂર્ણ દંડ કે પત્રક (card) કસોટીઓ પણ વિકસી છે. સામાન્ય રીતે 105 પરોપજીવ/માઇક્રો-લિટર લોહીના દરની પરોપજીવરુધિરતા(parasitaemia)ને ઘાતક ગણવામાં આવે છે; પરંતુ અલ્પપ્રતિરક્ષાવાળી વ્યક્તિ તેથી ઓછી સાંદ્રતાએ જોખમ અનુભવે છે અને અપૂર્ણપ્રતિરક્ષાવાળી વ્યક્તિ તેથી વધુ સાંદ્રતાએ પણ સામાન્ય તકલીફ અનુભવે છે. તીવ્ર પ્રકારના ફાલ્સિપેરમ મેલેરિયામાં જો 20 %થી વધુ પરોપજીવો વર્ણકદ્રવ્યો (pigments) ધરાવતા હોય, શરીરમાં રુધિરાભિસરણ કરી રહેલા લોહીમાં સુભંજપ્રાણુ (schizont) જોવા મળે કે 5 %થી વધુ તટસ્થકોષો(neutrophils)માં મેલેરિયાના વર્ણકદ્રવ્યનું કોષભક્ષણ (phagocytosis) થયેલું જોવા મળે તો તે જોખમી રોગ ગણાય છે. જો પોષપ્રાણુઓ (trophozoites) ન હોય અને ફક્ત જન્યુપ્રાણુઓ (gametocytes) જ લોહીમાં જોવા મળે તો તે ઔષધની ઘટેલી અસરકારકતા સૂચવતા નથી.
સ્થૂળલીંપણમાં રુધિરપટ (blood film) વધતી-ઓછી જાડાઈવાળું હોવું જરૂરી ગણાય છે. તેને બરાબર સૂકવીને સ્થાપિત કર્યા વગર અભિરંજિત કરાય છે. તેમાં અનેક રક્તકોષો એકબીજા પર આવી જાય છે અને તેમાંનાં ઘણાં કોષવિલયન (lysis) પામીને તૂટી ગયેલાં હોય છે. તેથી સૂક્ષ્મદર્શકના એક નિદર્શનક્ષેત્રમાં 20થી 40 ગણા વધુ રક્તકોષોનું અવલોકન કરી શકાય છે. તેથી નૈદાનિક સંવેદિતા (diagnostic sensitivity) વધે છે. પરોપજીવો અને શ્વેતકોષોને ગણવામાં આવે છે અને શ્વેતકોષોની સંખ્યાને આધારે પરોપજીવોની સંખ્યા ગણી કઢાય છે. એક સરળ અંદાજ માટે 8000 શ્વેતકોષો/માઇક્રો-લિટર હશે એમ માનીને 200 શ્વેતકોષોવાળા નિદર્શનક્ષેત્રોમાં પરોપજીવની સંખ્યા ગણી કઢાય છે. સ્થૂળલીંપણમાં ઘણાં કૃત્રિમ રૂપો (artifacts) થતાં હોવાથી અવલોકનનું અર્થઘટન કરનારનો અનુભવ કેટલો છે તે મહત્ત્વનું છે. તૈલડૂબ ર્દગકાચ વડે 100થી 200 નિદર્શનક્ષેત્રોનો અભ્યાસ કર્યા પછી પણ પરોપજીવ ન જોવા મળે તો નકારાત્મક પરિણામ જાહેર કરાય છે. ક્યારેક તટસ્થકોષમાં કે એકકેન્દ્રકોષ(monocytes)માં કોષભક્ષિત વર્ણક-દ્રવ્ય (phagocytosed pigment) જોવા મળે તો ટૂંકા સમય પહેલાં મેલેરિયા થયો હતો તેવું નિદાન કરાય છે. જો પરોપજીવની સંખ્યા ઘણી ઓછી હોય તો એક્રિડિન ઑરેન્જ નામના દીપ્તિકારી અભિરંજક (fluorescent dye) વડે ઝડપથી નિદાન કરી શકાય છે.
સામાન્ય રીતે સામાન્ય કદના (સમકોષી, normocytic) અને સામાન્ય રંગના (સમરંગી, normochromic) રક્તકોષોવાળી પાંડુતા થાય છે. લોહીના શ્વેતકોષોની સંખ્યા સામાન્ય રહે છે, ગંઠકકોષો (platelets) ઘટે છે તથા રક્તકોષઠારણ-દર (erythrocyte sedimentation rate, ESR), સી-પ્રતિક્રિયક પ્રોટીન (C- reactive protein) તથા રુધિરપ્રરસની શ્યાનતા (plasma viscocity) વધે છે. તીવ્ર ચેપ હોય તો રુધિરગુલ્મક દ્રવ્યો (coagulating factors) તથા ગંઠકકોષો અતિશય પ્રમાણમાં ઘટે છે. સામાન્ય વિકારમાં ક્રિયેટિનિન અને યુરિયા-નાઇટ્રોજનની રુધિરસપાટી સમધાત રહે છે. તીવ્ર વિકાર હોય તો ગ્લુકોઝ, સોડિયમ, બાયકાર્બોનેટ, કૅલ્શિયમ, ફૉસ્ફેટ અને આલ્બ્યુમિન ઘટે છે તથા યુરિયા – નાઇટ્રોજન, ક્રિયેટિનિન, લૅક્ટેટ, યુરેટ, સ્નાયુ અને યકૃતના ઉત્સેચકો (enzymes) તથા સંયુગ્મિત (conjugated) અને અસંયુગ્મિત (unconjugated) બિલિરુબિન વધે છે. સામાન્ય વિકારમાં પેશાબ સામાન્ય રહે છે, પણ તીવ્ર ફાલ્સિપેરમ મેલેરિયામાં હીમોગ્લોબિન વહે ત્યારે પેશાબ ગાઢા લાલ છીંકણી રંગનો બને છે. જો મસ્તિષ્કી મેલેરિયા થયેલો હોય તો મગજ-કરોડરજ્જુની આસપાસનું પ્રવાહી 160 મિમી.ના દબાણવાળું હોય છે. તેમાં થોડાક પ્રમાણમાં પ્રોટીન અને કોષોની સંખ્યા વધે છે.
સારણી 3 : મેલેરિયાનો પ્રતિરોધ તથા પ્રવાસીઓ દ્વારા જાત-સારવાર
ઔષધ | ઉપયોગ | |
(અ) | પ્રતિરોધ | |
(1) મેફલોક્વિન | ક્લોરોક્વિનની અસરકારકતા ઘટી હોય તેવા વિસ્તારોમાં. | |
(2) ડૉક્સિસાઇક્લિન | મેફલોક્વિનને બદલે વાપરી શકાય; સગર્ભા સ્ત્રી અને 8 વર્ષથી નાના બાળકને ન અપાય. | |
(3) ક્લોરોક્વિન | જ્યાં ક્લોરોક્વિનની અસરકારકતા ટકી રહેલી હોય ત્યાં. | |
(4) પ્રોગ્વેનિલ | ક્લોરોક્વિન સાથે મેફલોક્વિન કે ડૉક્સિસાઇક્લિનને બદલે. | |
(5) પ્રિમાક્વિન | G6 PDની ઊણપ ન હોય તો પ્રવાસીઓ દ્વારા કે નિવાસીઓ દ્વારા મેલેરિયાનો તાવ શમે તે પછી અપાય છે; જેથી તે ફરી ઊથલો ન મારે. બાળકો કે સગર્ભા સ્ત્રીમાં સુરક્ષાની ખાતરી નથી. | |
(6) ઍટોવાક્વોન | પ્રૉગ્વાનિલ કે મેફલોક્વિનને બદલે. બાળકો તથા સગર્ભા સ્ત્રીમાં સુરક્ષિતતાની ખાતરી નથી. | |
(આ) | જાત-સારવાર | |
(1) પાયરિમિથામિન સલ્ફાડૉક્સિન | ક્લોરોક્વિનની બિનઅસરકારકતાવાળા વિસ્તારોમાં પ્રવાસીઓ જો મેફલોક્વિન કે ડૉક્સિસાઇક્લિન લેતા હોય છતાં મેલેરિયા થાય તો ફક્ત સારવાર રૂપે. |
પૂર્વનિવારણ (prevention) : વિષુવવૃત્તીય પ્રદેશોમાં મચ્છર-ઉત્પાદક ક્ષેત્રોની વ્યાપકતા, ચેપગ્રસ્ત વ્યક્તિઓની મોટી સંખ્યા, સાધનસ્રોત(resources)ની અછત, નબળી અંત:સંરચના (infrastructure) તથા અક્ષમ રોગનિયંત્રણ કાર્યક્રમોને કારણે મેલેરિયાની વિશ્વભરમાંથી નાબૂદી હાલ શક્ય નથી. તેથી મચ્છરનાશક (insecticide) રસાયણોનો વિવેકપૂર્ણ ઉપયોગ, ત્વરિત નિદાન, અસરકારક સારવાર તથા ઔષધીય પ્રતિરોધક (chemoprophylaxis) વડે તેનું પૂર્વનિવારણ શક્ય છે. મેલેરિયા કરતા પરોપજીવો તથા તેમના વાહક તરીકે વર્તતા મચ્છરો અનેક રસાયણો સામે ટકી રહેવાની ક્ષમતા સર્જી શકે છે; માટે સમગ્ર ક્રિયા સંકુલ બની છે. મેલેરિયાગત પ્રતિરક્ષાના સિદ્ધાંતોમાં વ્યાપક સમજણ ઉત્પન્ન થવા છતાં સુરક્ષિત, અસરકારક તથા લાંબો સમય ટકે એવી રસી (vaccine) વિક્સી શકી નથી; જોકે દૂરના ભવિષ્યમાં આવી રસી શોધાઈ શકે તેમ છે. તેથી હાલ મેલેરિયાના પૂર્વનિવારણમાં પ્રતિવાહક (antivector) રસાયણો અને ઔષધો તરફ ધ્યાન અપાય છે. વાતાવરણમાં મચ્છર અને તેની ઇયળોને મારવા માટેનાં રસાયણોનો ઉપયોગ, જળસંગ્રહસ્થાનોને ઢાંકણ તથા તેમના પર અને ખાબોચિયા પર જીવનાશક રસાયણોનો ઉપયોગ, ઇયળ ખાઈ જતી માછલીઓનો ઉછેર, મચ્છરદાનીનો ઉપયોગ તથા મચ્છર-અપકર્ષી મલમને શરીર પર લગાડવાની ક્રિયા અને સવાર-સાંજ ને સમગ્ર રાત્રી દરમિયાન મચ્છર ડંખ ન મારે તેવી યોજનાઓ વગેરે વિવિધ સાધનો, રસાયણો અને ક્રિયાઓ વડે મેલેરિયાનો ચેપ લાગતો કે ફેલાતો અટકાવાય છે. મેલેરિયાનો ચેપ તથા રોગ થતો અટકાવવા વિવિધ ઔષધોનો ઉપયોગ કરી શકાય છે (સારણી 3).
જુદા જુદા વિસ્તારમાં મેલેરિયાના પરોપજીવોની ઔષધવશ્યતા (drug sensitivity) અને ઔષધસહ્યતા (drug tolerance) જુદી જુદી હોવાને કારણે કોઈ એક પ્રકારની પૂર્વનિવારણની સૂચના બધે ઉપયોગી રહેતી નથી. વળી બાળકો તથા સગર્ભા સ્ત્રીઓમાં કેટલાંક ઔષધો જોખમી પણ છે. વસ્તીસ્થાયી વિસ્તારોમાં સગર્ભા સ્ત્રીઓને ક્લોરોક્વિન કે પ્રૉગ્વેનિલ નિયમિતપણે લેવાનું સૂચવાય છે. 3 મહિનાથી 4 વર્ષનાં બાળકોમાં પણ તેની જરૂરિયાત હોય તો તે વિશે વિચારવાનું સૂચવાય છે. મેલેરિયામુક્ત વિસ્તારમાંથી મેલેરિયાગ્રસ્ત વિસ્તારમાં જતા પ્રવાસીઓએ એક અઠવાડિયા અગાઉથી દવા શરૂ કરવાનું સૂચવાય છે. તેઓને કોઈ આડઅસર ન થાય કે લોહીનો વિકાર ન ઉદભવે તો તેમણે સમગ્ર પ્રવાસ દરમિયાન તથા ત્યાંથી પાછા મેલેરિયામુક્ત વિસ્તારમાં પહોંચ્યા પછી 4 અઠવાડિયાં સુધી તે ઔષધો લેવાં પડે છે. વિષુવવૃત્તીય પ્રદેશોમાં જતા પ્રવાસીઓ માટે હાલ મેફ્લોક્વિન એ પ્રથમ પસંદગીની દવા છે. સામાન્ય રીતે તે બહુઔષધસહ્ય (multidrug resistant) ફાલ્સિપેરમ મેલેરિયા સામે પણ અસરકારક રહે છે. તેને કારણે ઘણી વખત થોડા ઊબકા, અંધારાં આવવાં, વિચારોમાં ગૂંચવણ (fuzzy thinking), ઊંઘમાં ફેરફાર તથા માંદા હોવાની લાગણી વગેરે થાય છે. આશરે 0.001 % દર્દીઓમાં ફરીથી સામાન્ય સ્થિતિ થાય તેવા પ્રકારની માનસિક ગૂંચવણ, તીવ્ર મનોવિકાર (psychosis), આંચકી (ખેંચ, convulsion) કે મસ્તિષ્કરુગ્ણતા (encephalopathy) થાય છે. મેફ્લોક્વિન અઠવાડિયે એક વખત અપાય છે; જ્યારે તેને બદલે અપાતી ડૉક્સિસાઇક્લિન રોજ લેવી પડે છે. જ્યાં ક્લોરોક્વિન અસરકારક છે ત્યાં અઠવાડિયે એક વખત તેને લેવાનું ઇષ્ટ ગણાય છે. મેલેરિયા થતો અટકાવવા માટેની છેલ્લામાં છેલ્લી માહિતી માટે www.cdc.gov/travel/index.htm તથા અમેરિકામાંની ફૅક્સ-સેવા 888-232-3299 પર સંપર્ક કરી શકાય છે.
સારવાર : દર્દીને તાવ આવતો હોય અને તે મેલેરિયાગ્રસ્ત વિસ્તારમાં રહેતો હોય કે ત્યાં જઈને આવેલો હોય તો લોહીની તપાસ કરીને નિદાન કરાય છે. જો રુધિરલીંપણ કસોટી નકારાત્મક રહે તો 2 દિવસ સુધી દર 12 કલાકે લોહીની તપાસ કરાય છે. તીવ્ર મેલેરિયા હોય કે મોં વાટે દવા ન લઈ શકે તેમ હોય તો ઇન્જેક્શન દ્વારા દવા અપાય છે. મોં વાટે આપી શકાય તેવી ઘણી દવાઓ ઉપલબ્ધ છે, માટે તેમાંની જે અસરકારક દવા હોવાની સંભાવના હોય તે અપાય છે. પ્લા. ફાલ્સિપેરમ સામે ઘણી વખત ક્લોરોક્વિન તથા અન્ય કેટલીક દવાઓ બિનઅસરકારક હોવાનું નોંધાયું છે. તેવી રીતે ઇન્ડોનેશિયા, ઓસિયાના અને બ્રાઝિલમાં પ્લા. વાઇવેક્સ પર પણ ક્લોરોક્વિનની અસરકારકતા ઘટી છે; તેમ છતાં પ્લા. વાઇવેક્સ, પ્લા. ઑવેલ તથા પ્લા. મેલેરિયાઈથી થતો મેલેરિયા ‘સૌમ્ય’ મેલેરિયા (benign malaria) કહેવાય છે; જ્યારે પ્લા. ફાલ્સિપેરમથી થતા મેલેરિયાથી મૃત્યુ થતાં હોવાથી તેને ‘ઘાતક’ અથવા ‘ઝેરી’ મેલેરિયા (malignant malaria) કહે છે. સૌમ્ય મેલેરિયામાં ક્લોરોક્વિન પ્રથમ પસંદગીની દવા ગણાય છે. મુખ્ય પ્રતિમેલેરિયા ઔષધો (antimalarial drugs) સારણી 4માં દર્શાવ્યાં છે :
સારણી 4 : મુખ્ય પ્રતિમેલેરિયા ઔષધો
1. | ક્વિનીન, ક્વિનિડિન |
2. | ક્લોરોક્વિન |
3. | મેફ્લોક્વિન |
4. | ડૉક્સિસાઇક્લિન, ટેટ્રાસાઇક્લિન |
5. | હેલોડ્રેન્ટ્રિન |
6. | અર્ટિમિસિન અને તેની નીપજો – આર્ટેમિથર, આર્ટેસ્યુનેટ |
7. | પાયરિમિથામિન |
8. | પ્રૉગ્વેનિલ (ક્લોરોગ્વેનાઇડ) |
9. | પ્રાઇમાક્વિન |
10. | એટોવાક્વોન |
11. | લ્યુમેડ્રેન્ટ્રિન |
ક્વિનીન અને ક્વિનિડિનને મોં વાટે કે ઇન્જેક્શન દ્વારા અપાય તો તે ઝડપથી અવશોષાય છે. તેમનો સ્વાદ ઘણો કડવો હોય છે. સામાન્ય માણસમાં તેમનો અર્ધક્રિયાકાળ (half life, t1⁄2) અનુક્રમે 11 કલાક અને 8 કલાકે છે; જે મેલેરિયાગ્રસ્ત દર્દીમાં વધીને અનુક્રમે 16 કલાક અને 13 કલાક થાય છે. તે મુખ્યત્વે પોષપ્રાણુ (trophozoites) અને સૌમ્ય મેલેરિયાના જન્યુપ્રાણુ (gametocytes) પર અસરકારક છે; પરંતુ યકૃતીય તબક્કામાં તે નિષ્ફળ રહે છે. તેમની સામાન્ય રીતે જોવા મળતી આડઅસરોને સિન્કોનિઝમ કહે છે. તેમાં કાનમાં ઘંટડીઓ, ઊંચા અવાજ માટેની બહેરાશ, ઊબકા, ઊલટી, અતિઅસ્વસ્થતા કે બેચેની (dysphoria), ઊઠતી – ઊભા થતી વખતે લોહીના દબાણમાં ઘટાડો થાય છે. હૃદયના વીજાલેખ- (electrocardiogram, ECG)માં QTc નામનો સમયખંડ લંબાય છે. ક્યારેક ઝાડા થાય છે. ચામડી પર સ્ફોટ (rash) નીકળે છે તથા જોવામાં મુશ્કેલી અનુભવાય છે. તેની ઝેરી આડઅસરો રૂપે ઘણી વખત લોહીમાં ગ્લુકોઝ ઘટી જાય છે તો ક્યારેક લોહીનું દબાણ ઘટે, બહેરાશ આવે, હૃદયના ધબકારા અનિયમિત થાય, લોહીના રક્તકોષો તૂટે (રક્તકોષવિલયન, haemolysis) એવું થાય છે. તેની સાથે મૂત્રપિંડી નિષ્ફળતા થાય તો તેને રક્તકોષવિલયન – મૂત્રવિષરુધિરી સંલક્ષણ (haemolytic-uraemic syndrome) કહે છે. ક્યારેક પિત્તસ્થાયી કમળો (cholestatic jaundice) તો ક્યારેક ચેતા-સ્નાયુઓમાં લકવો પણ થાય છે. બંનેમાં ક્વિનિડિન હૃદય માટે વધુ જોખમી છે, માટે તેનો ઉપયોગ મેલેરિયાની સારવારમાં જવલ્લે જ થાય છે.
ક્લોરોક્વિનનું મુખમાર્ગી તથા ઇન્જેક્શન પછી સારું અવશોષણ થાય છે. તેનો અર્ધક્રિયાકાળ 1થી 2 કલાક ગણાય છે; પરંતુ તેની ઔષધગતિકી ઘણી સંકુલ ગણાય છે. તે ક્વિનિનની માફક પોષપ્રાણુ તથા જન્યુપ્રાણુઓનો નાશ કરે છે; પરંતુ તેના કાર્યનું સ્થાન થોડું વહેલું છે. તેની મુખ્ય સામાન્ય આડઅસરોમાં ઊબકા, અતિઅસ્વસ્થતા કે બેચેની (dysphoria), અશ્વેત વ્યક્તિઓમાં ખૂજલી તથા ઊઠતાં – ઊભા થતાં લોહીના ઘટતા દબાણનો સમાવેશ થાય છે. ક્યારેક પાસેનું વાંચવામાં મુશ્કેલી પડે છે અને ચામડી પર સ્ફોટ ઉદભવે છે. તે કડવી છે; પરંતુ તેને મોં વાટે લઈ શકાય છે. વધુ તીવ્ર આડઅસરો રૂપે લોહીનું દબાણ ઘટવાથી થતો આઘાત (મુખ્યત્વે ઇન્જેક્શન પછી), હૃદય-ધબકારાની અનિયમિતતા તથા ચેતા-માનસિક વિકારો જોવા મળે છે. જો કુલ માત્રા 100 ગ્રામથી વધે તો લાંબા ગાળે ર્દષ્ટિપટલરુગ્ણતા (retinopathy) થાય છે તથા હૃદય અને હાથપગના સ્નાયુઓમાં પણ વિકાર ઉદભવે છે (સ્નાયુરુગ્ણતા, myopathy).
મેફ્લોક્વિનની પ્રતિમેલેરિયા અસરકારકતા ક્વિનીન જેવી છે. તેને ફક્ત મોં વાટે અપાય છે અને તેનો અર્ધક્રિયાકાળ 14થી 20 દિવસ છે. મેલેરિયાના દર્દીમાં તે ઓછો રહે છે. તેની આડઅસર રૂપે ઊબકા, ચક્કર આવવાં, અતિઅસ્વસ્થતા કે બેચેની (dysphoria), વિચિત્ર વિચારણા (fuzzy thinking), અનિદ્રા, રાત્રિ-દુ:સ્વપ્ન (nightmares) તથા અસંબંધતાની ભાવના થાય છે. તીવ્ર આડઅસરો રૂપે ચેતા-માનસિક પ્રતિક્રિયા, આંચકી (ખેંચ, convulsion) તથા મસ્તિષ્કરુગ્ણતા (encephalopathy) થાય છે.
ટ્રેટાસાઇક્લિન તથા ડૉક્સિસાઇક્લિનને મોં વાટે અપાય તો તેમનું પૂરતું અવશોષણ થાય છે. ટેટ્રાસાઇક્લિનનો અર્ધક્રિયાકાળ 8 કલાકનો છે જ્યારે ડૉક્સિસાઇક્લિનનો 18 કલાકનો છે. તે સગર્ભા સ્ત્રી કે 8 વર્ષથી નાના બાળકને આપી શકાતાં નથી. તેમની પ્રતિમેલેરિયા સક્રિયતા નબળી છે. માટે તે હંમેશાં અન્ય કોઈ દવા સાથે અપાય છે. મુખ્ય સામાન્ય આડઅસરો રૂપે જઠર-આંતરડામાં તકલીફ, વૃદ્ધિ પામતાં હાડકાં અને દાંતમાં દવાની જમાવટ, પ્રકાશ-સંવેદિતા (photosensitivity), ફૂગચેપ તથા સૌમ્ય અંત:કર્પરી અતિદાબ (benign intracranial hypotension) થાય છે. ખોપરીમાં મગજની મૃદુપેશી પર દબાણ વધે તેને અંત:કર્પરી અતિદાબ કહે છે. જો દર્દીને મૂત્રપિંડની અક્ષમતા થયેલી હોય તો ટેટ્રાસાઇક્લિન ક્યારેક મૂત્રપિંડની નિષ્ફળતા સર્જે છે.
હેલોડ્રેન્ટ્રિનનું મુખમાર્ગી અવશોષણ કેટલા પ્રમાણમાં તૈલી આહાર લેવાયો છે તેને આધારે અનિયમિત પ્રકારનું છે. તેનો પોતાનો અર્ધક્રિયાકાળ 1થી 3 દિવસનો છે, પરંતુ તેની સક્રિય નીપજ રૂપે ઉદભવતી ડિસ્બ્યુટાયલ ચયાપચયી-નીપજ (metabolite) 3થી 7 દિવસનો અર્ધક્રિયાકાળ ધરાવે છે. તેની પ્રતિમેલેરિયા સક્રિયતા ક્વિનીન જેવી છે. તેની સામાન્ય આડઅસરો રૂપે ઝાડા થાય છે. તે હૃદયના આવેગવહનને વિષમ કરે છે. તેથી હૃદયના કર્ણક અને ક્ષેપક વચ્ચે આવેગવહન-રોધ સર્જે છે. હૃદયના વીજાલેખમાં QTc સમયખંડ લંબાય છે અને ઘણી વખત ઘાતક નીવડે એવી ક્ષેપકીય અતાલતા (ventricular arrhythmia) સર્જે છે. જેમાં ક્ષેપકના ધબકારાનો તાલ અનિયમિત બને છે. તેને કારણે હૃદયમાં આવેગવહનનો વિકાર હોય, હૃદયના વીજાલેખમાં QTc સમયખંડ લાંબો હોય કે દર્દીઓ ક્વિનિડિન, ક્વિનીન, મેફ્લોક્વિન, ક્લોરોક્વિન, ચેતા-ઉત્તેજકો (neuroleptics), પ્રતિ-અતાલ ઔષધો (antiarrhythmic drugs), ત્રિચક્રીય ખિન્નતારોધકો, ટેર્ફેનાડિન કે ઍસ્ટિમેઝોલ લેતા હોય તો હેલોફેન્ટ્રિનને વાપરવામાં આવતું નથી.
આર્ટેમિસિન અને તેની નીપજો (આર્ટેમિથર અને આર્ટેસ્યુનેટ) મોં વાટે લીધા પછી તેમનું પૂરતું અવશોષણ થાય છે, પરંતુ આર્ટેમિથરનું અવશોષણ, સ્નાયુમાં ઇન્જેક્શન દ્વારા આપ્યા પછી, અનિયમિત સ્વરૂપે થાય છે. બંને ઔષધો તેમના સક્રિય ચયાપચયી નીપજ ડિહાઇડ્રૉઆર્ટેમિસિનમાં રૂપાંતરિત થાય છે. બધાં ઔષધોનો અર્ધક્રિયાકાળ 1 કલાકથી ઓછો છે. તેઓ યકૃતીય તબક્કામાં સક્રિય નથી. તે સિવાયના મેલેરિયાના પરોપજીવોનાં બધાં જ સ્વરૂપો પર વ્યાપક રીતે અને ઝડપથી અસર કરે છે. આડઅસર રૂપે તે તનુતન્વીકોષો (reticulocytes)ની સંખ્યા ઘટાડે છે, તાવ લાવે છે તથા ક્યારેક વિષમોર્જા (allergy) થાય છે. પ્રાણીઓમાં તેનું ઇન્જેક્શન ચેતાવિષરૂપ અસર દર્શાવે છે, પરંતુ માનવમાં તેવી ઝેરી અસર નોંધવામાં આવી નથી.
પાયરિમિથામિનને મોં વાટે લેવાથી ઝડપથી અને પૂરતું અવશોષાય છે. તેનો અર્ધક્રિયાકાળ 4 દિવસનો છે. તે લોહીમાં દેખાતાં બધાં જ પુખ્ત સ્વરૂપો પર અસરકારક છે. તેની ખાસ કોઈ આડઅસર નથી. જો લાંબો સમય લેવાય તો ફોલિક ઍસિડ નામના વિટામિન-બી જૂથના પ્રજીવકના ચયાપચયમાં વિષમતા સર્જે છે અને તેથી તે મહારક્તબીજકોષી પાંડુતા (magaloblastic anaemia) તથા રુધિરકોષ-અલ્પતા (pancytopaenia) કરે છે; તેથી રક્તકોષ શ્રેણીમાંના કોષકેન્દ્રવાળા કોષોનું કદ મોટું થાય છે. તેમને મહારક્તબીજકોષ (megaloblast) કહે છે. લોહીના કોષોની સંખ્યા ઘટે તેને રુધિરકોષ અલ્પતા કહે છે.
પ્રૉગ્વેનિલ(ક્લોરોગ્વેનાઇડ) મોં વાટે આપ્યા પછી તે ઝડપથી અવશોષાય છે અને તેના સક્રિય સ્વરૂપ – સાઇક્લોગ્વેનિલમાં રૂપાંતરિત થાય છે. તેનો અર્ધક્રિયાકાળ 16 કલાકનો છે. તે પાયરિમિથામિન જેવી અસર ધરાવે છે; પરંતુ તે કદી એકલા ઔષધ તરીકે વાપરવામાં આવતું નથી. મોટે ભાગે કોઈ આડઅસર થતી નથી; પરંતુ ક્યારેક મોંમાં ચાંદાં પડે છે, માથાના વાળ ખરે છે તથા તેનાથી મહારક્તબીજકોષી પાંડુતા તથા મૂત્રપિંડનિષ્ફળતા થાય છે.
પ્રાઇમાક્વિનનું મુખમાર્ગી પ્રવેશ પછી પૂર્ણ અવશોષણ થાય છે. તેનો અર્ધક્રિયાકાળ 7 કલાકનો છે. તે પ્લા. વાઇવેક્સ અને પ્લા. ઑવેલના યકૃતીય તબક્કાને તથા પ્લા. ફાલ્સિપેરમના જન્યુપ્રાણુઓનો નાશ કરે છે ને તેથી તેને નિ:શેષ રોગાંત (radical cure) માટે વપરાય છે. તેના ઉપયોગમાં ઊબકા, ઊલટી, ઝાડા, પેટમાં દુખાવો, રક્તકોષવિલયન તથા મેટ્હીમોગ્લોબિન-રુધિરતા થાય છે તથા જો દર્દીને G6PD નામના ઉત્સેચકની ઊણપ હોય તો અતિતીવ્ર રક્તકોષ-વિલયનને કારણે ઘણા રક્તકોષો તૂટે છે.
ઍટોવાક્વોનનું અવશોષણ અનિયમિત છે તથા તેનો અર્ધક્રિયાકાળ 30થી 70 કલાકનો છે. તે પોષપ્રાણુઓ સાથે સક્રિય છે. લ્યુમેડ્રેન્ટ્રિનનું અવશોષણ અનિયમિત છે અને તેનો અર્ધક્રિયાકાળ 3થી 4 દિવસનો છે. તેની અસર ક્વિનીન જેવી છે. આ બંને ઔષધોની આડઅસરો અને ઝેરી અસરો જાણમાં નથી.
તીવ્ર ઝેરી મેલેરિયામાં ઘણી વખત ક્લોરોક્વિન અસરકારક ન રહેતી હોય તો નસ વાટે ક્વિનીન વડે સારવાર કરાય છે. તે સાથે દર્દીને ભારે માત્રામાં ગ્લુકોકોર્ટિકોઇડ્ઝ તથા અન્ય ઔષધો આપીને તેની સ્થિતિને સ્થિર કરાય છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ન ઘટે તે ખાસ જોવાય છે. બેભાન દર્દીમાં તથા ક્વિનીન મેળવતાં બધા જ દર્દીમાં નસ વાટે વધારાનો ગ્લુકોઝ અપાય છે; પરંતુ આનુષંગિક તકલીફ વગરના મેલેરિયામાં મુખમાર્ગી ક્લોરોક્વિનની સારવાર શરૂ કરાય છે. ક્લોરોક્વિનની અસરકારકતા ન હોય ત્યાં સલ્ફાડૉક્સિન – પાયરિમિથાયિન, ક્વિનીન અને ટ્રેટાસાઇક્લિન કે મેફલોક્વિન વપરાય છે. થાઇલૅન્ડ, મ્યાનમાર, વિયેટનામ તથા કમ્બોડિયામાં મેફલોક્વિનની અસરકારકતા પણ ઘટેલી જોવા મળે છે. પ્લા. વાઇવેક્સ કે પ્લા. ઑવેલના ચેપમાં નિ:શેષ રોગાન્ત માટે 14 દિવસ માટે પ્રાઇમાક્વિન અપાય છે. પ્રાઇમાક્વિન અને ક્વિનીન મેળવતા દર્દીઓને G6PDની ઊણપ ન હોય તે જરૂરી ગણાય છે. જો દર્દીને મૂત્રપિંડનિષ્ફળતા, લોહીમાં ગ્લુકોઝનો ઘટાડો કે ફેફસામાં પાણીનો ભરાવો થાય તો તેની તાત્કાલિક યોગ્ય સારવાર કરાય છે.
શિલીન નં. શુક્લ