મેલેનિન (Melanin) : વિવર્ણ (albino) સિવાયનાં પૃષ્ઠવંશી પ્રાણીઓનાં ર્દષ્ટિપટલ, ચામડી, પીંછાં તથા વાળમાં રહેલું તપખીરિયા (બદામી) કાળા રંગનું જૈવિક વર્ણક (biological biochrome) રંગદ્રવ્ય (pigment). તે ટાયરૉસિનેઝ (tyrosinase) નામના ઉત્સેચક દ્વારા ટાયરોસીન(ઍમિનોઍસિડ)માંથી ઉદભવતો બહુલક પદાર્થ છે. ચોક્કસ પ્રકારના બાહ્ય ત્વચામાંના કોષો જેને મેલાનોફૉર અથવા મેલેનોસાઇટ કહે છે, તેમના દ્વારા આ મેલેનિન બને છે. આ કોષોમાં તેનું વિક્ષેપન મેલેનોસાઇટ ઉત્તેજક હૉર્મોન તથા મેલાટોનિન દ્વારા થાય છે. કેટલાંક અપૃષ્ઠવંશીઓ (invertebrates) કવકો તથા સૂક્ષ્મજીવાણુઓ પણ મેલેનિન વર્ણક ઉત્પન્ન કરી શકે છે. શાહી જેવા પદાર્થ ઉત્પન્ન કરનારાં અષ્ટપાદ તથા સ્ક્વિડ આનાં ઉદાહરણો છે.
આનુવંશિક રંજકહીનતા(વિવર્ણતા, albinism)નું કારણ ટાયરૉસિનેઝ ઉત્સેચકની ગેરહાજરીને કારણે હોય છે. જુદા જુદા વંશની વ્યક્તિઓમાં મેલેનોસાઇટનું પ્રમાણ લગભગ એકસરખું જ હોય છે. મેલેનોસાઇટમાં મેલેનિનનું ઉત્પાદન સૂર્યને લીધે ઉત્તેજિત થાય છે. મેલેનિનનું કાર્ય સૂર્યનાં હાનિકારક કિરણોને શોષી લેવાનું હોય છે.
મેલેનિન ઇન્ડોલ 5, 6 – ક્વિનોન તથા 5, 6 – ડાઇહાઇડ્રૉક્સિ- ઇન્ડોલ ડાઇકાબૉર્ક્સિલિક ઍસિડ ધરાવતો બહુલક છે. ટાયરૉસિનમાંથી મેલેનિનનું ઉદભવન આકૃતિ 1 મુજબ થતું હોય છે.
મેલેનિનનું આંશિક બંધારણ નીચે દર્શાવ્યું છે :
જ. પો. ત્રિવેદી