મેલીઝ, જ્યૉર્જ (જ. 8 ડિસેમ્બર 1861, પૅરિસ; અ. 21 જાન્યુઆરી 1938, પૅરિસ) : ફ્રાન્સના વિશ્વ સિનેમાના મહત્ત્વના વિકાસ-પ્રવર્તક. વિશ્વ સિનેમાસૃષ્ટિનાં પ્રારંભિક વર્ષોમાં કચકડાની કલા વિશે તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો છે. કારકિર્દીના પ્રારંભમાં તેઓ તખ્તા પર હાથચાલાકીના અજાયબીભર્યા પ્રયોગો કરી બતાવતા હતા. 1895માં તેમણે લ્યૂમ્પેર બંધુઓની પ્રોજેક્ટર દ્વારા રજૂ થતી ર્દશ્યચિત્રણા જોયા પછી તેમનું ચિત્ત વિકાસની કલ્પનાઓથી ઊભરાવા લાગ્યું. થોડા જ વખતમાં તેમણે સ્ટુડિયો-આધારિત નિર્માણશૈલી વિકસાવી. સિનેમામાં શક્ય બનતાં ભવ્ય-વિશાળ દેખાવો તથા યાંત્રિક કરામતી ર્દશ્યોના કારણે તેમને આ માધ્યમનું જબરું આકર્ષણ જાગ્યું. મોટાભાગે અદભુત તથા કલ્પના-તરંગી વિષયવસ્તુ અને શીર્ષકો ધરાવતી તેમની સંખ્યાબંધ નાની-નાની ફિલ્મો નાચગાનમાં વ્યસ્ત સુંદરીઓ, અંગકસરતના ખેલો કરનારા ચાલાક ખેલાડીઓ, ભય અને આઘાત જન્માવે તેવા અકસ્માતો તથા જાદુઈ-તિલસ્મી પરિવર્તનો જેવી ર્દશ્યસામગ્રીથી ભરપૂર હોય છે. 1896 પછીના એક દાયકા સુધી તેમની સ્ટાર ફિલ્મ કંપની ચલચિત્ર જગતમાં એક મહત્ત્વનું અને સર્વોપરી પરિબળ બની રહ્યું. એ 10 વર્ષ દરમિયાન તેમણે મૌલિક, સંશોધનાત્મક તથા રસપ્રદ નાનાં-ટૂંકાં ચલચિત્રોનું નિર્માણ કર્યું; દા.ત., ‘એ ટ્રિપ ટુ ધ મૂન’ (1902) તથા ‘2000 લીગ અંડર ધ સી’ (1907) તેમજ ‘ન્યૂયૉર્ક પૅરિસ બાય ઑટોમોબાઇલ’ (1908). આમ તરકીબી (trick) ચિત્રનિર્માણ-શૈલીના તેઓ આદ્ય પ્રણેતા બની રહ્યા.

તેમની નિર્માણ-પદ્ધતિ તથા ફિલ્મની ઘટનાને સ્થિરચિત્ર(tableaux)ની ક્રમબદ્ધ શ્રેણી તરીકે લેખવાનો તેમનો અભિગમ ક્રમશ: જુનવાણી બની ગયો. 1912માં તેમણે ફિલ્મનિર્માણ બંધ કર્યું અને તેમને ગરીબીમાં સબડવાના દિવસો આવ્યા. તેઓ તેમના અવસાન સમયે તો સાવ વીસરાઈ ચૂક્યા હતા.

મહેશ ચોકસી