મેલિયેસી (મહૉગની કુળ) : વનસ્પતિઓના દ્વિદળી (મૅગ્નોલિયોપ્લીડા) વર્ગમાં આવેલું એક કુળ. તે વિશ્વના ઉષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલું છે અને લગભગ 50 પ્રજાતિઓ અને 1,400 જેટલી જાતિઓ ધરાવે છે. Swietenia mahoganii (મહૉગની વૃક્ષ) ઉત્તર તરફ દક્ષિણ ફ્લોરિડામાં સ્થાનિક છે. એશિયાની Melia azedarach (બકાન લીમડો) અમેરિકાના દક્ષિણના પ્રદેશોમાં હવે કુદરતી રીતે થાય છે. સૌથી મોટી પ્રજાતિઓમાં Cedrela (100 જાતિઓ, ઉષ્ણકટિબંધીય અમેરિકા), Trichilia (200 જાતિઓ, ઉષ્ણકટિબંધીય અમેરિકા અને આફ્રિકા) અને Guarea(100 જાતિઓ, અમેરિકા અને આફ્રિકા)નો સમાવેશ થાય છે. ભારતમાં 19 પ્રજાતિઓ અને 72 જેટલી જાતિઓ મળી આવે છે. તેની જાણીતી જાતિઓમાં Azadirachta indica (લીમડો), Amoora cuculata, Melia azedarach (બકાન લીમડો), Toona ciliata syn. Cedrela toona (તુન), Swietenia mahoganii (મહૉગની વૃક્ષ), Chloroxylon swietenia (સેટિન વુડ, ભેરિયો) અને Chickrassia tabularis (ચિત્તાગોંગ કાષ્ઠવૃક્ષ) છે.
આ કુળ મોટેભાગે વૃક્ષ કે ક્ષુપ જાતિઓ ધરાવે છે. થોડીક જાતિઓ દરિયાકિનારે ચેરના જંગલોમાં થાય છે. તેનું કાષ્ઠ સખત અને ઘણી વખત સુગંધિત હોય છે. પર્ણો પિચ્છાકાર સંયુક્ત (pinnately compound), ભાગ્યે જ ત્રિપિચ્છાકાર (દા.ત., Melia azedarach) કે અતિ વિભાજિત (decompound), અથવા ક્વચિત્ સાદાં (દા.ત., Turraea) અને અનુપર્ણીય (estipulate) હોય છે. પર્ણિકાઓ સંમુખ કે એકાંતરિક હોય છે અને તેના ઉપર પારદર્શી (pellucid) ટપકાં હોતાં નથી. તે સામાન્યત: અખંડિત અને તલસ્થ ભાગેથી વધતે-ઓછે અંશે તિર્યકી (oblique) હોય છે.
પુષ્પવિન્યાસ કક્ષીય પરિમિત લઘુપુષ્પગુચ્છી (panicle) હોય છે. પુષ્પો નિયમિત, દ્વિલિંગી અથવા ભાગ્યે જ એકલિંગી [વનસ્પતિઓ વિવિધપુષ્પી એકલિંગાશ્રયી (polygamodioecious)] અને અધોજાયી (hypogynous) હોય છે. Amoora અને Aglaiaમાં વિવિધપુષ્પી એકલિંગાશ્રયી સ્થિતિ જોવા મળે છે. પુષ્પમાં પુંકેસરચક્ર અને બીજાશયની વચ્ચે વલયાકાર કે નલિકાકાર મધુગ્રંથિયુક્ત બિંબ(disc)ની હાજરી હોય છે. વજ્રપત્રો 4 કે 5, નાનાં, સામાન્યત: યુક્ત વજ્રપત્રી (gamosepalous), કોરછાદી (imbricate) અથવા ક્વચિત જ ધારાસ્પર્શી (valvate) હોય છે. દલપત્રો 4 કે 5 (ભાગ્યે જ 3થી 8), મુક્તદલપત્રી (polypetalous), ભાગ્યે જ તલસ્થ ભાગેથી યુક્ત, વ્યાવૃત્ત (contorted) અથવા કોરછાદી હોય છે. તે પુંકેસરીય નલિકા સાથે જોડાયેલાં હોય તો ધારાસ્પર્શી હોય છે. પુંકેસરચક્ર 8થી 10, ક્વચિત્ જ 5 કે અસંખ્ય પુંકેસરોનું બનેલું, અધોજાયી અને મોટેભાગે એકગુચ્છી (monadelphous) હોય છે. પુંકેસરતંતુઓ પરસ્પર જોડાઈ પુંકેસરીય નલિકા બનાવે છે. Cedrela અને Chloroxylonમાં પુંકેસરો મુક્ત હોય છે. પુંકેસરનલિકા ઉપર પરાગાશયો લગભગ અદંડી સ્થિતિમાં હોય છે. પરાગાશય દ્વિખંડી હોય છે અને તેનું સ્ફોટન લંબવર્તી (longitudinal) અને અંતર્મુખી (introse) હોય છે. સ્ત્રીકેસરચક્ર દ્વિથી પંચયુક્તસ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ બીજાશયનું બનેલું હોય છે. બીજાશય 2થી 5 કોટરો ધરાવે છે અને પ્રત્યેક કોટરમાં અક્ષવર્તી (axile) જરાયુ (placenta) ઉપર બે અથવા ભાગ્યે જ વધારે (અથવા કેટલીક પ્રજાતિઓમાં માત્ર એક), લટકતાં, અધોમુખી (anatropous) અંડક આવેલાં હોય છે. પરાગવાહિની ટૂંકી અથવા તેનો અભાવ હોય છે. પરાગાસન સમુંડ (capitate) અથવા બિંબવત્ (discoid) કે ખંડિત (lobed) હોય છે. ફળ અનષ્ઠિલ (berry) કે પ્રાવર (capsule) પ્રકારનું અથવા ક્વચિત્ અષ્ઠિલ(drupe)પ્રકારનું હોય છે. બીજ ભ્રૂણપોષી (endospermic) કે અભ્રૂણપોષી (nonendospermic), બીજોપાંગ (aril) યુક્ત અને કેટલીક વાર સપક્ષ (winged) હોય છે.
Azadirachta indica (લીમડો) ઔષધ-વનસ્પતિ તરીકે, છાંયડા માટે અને ઇમારતી કાષ્ઠ તરીકે ઉપયોગી છે. આ કુળની વૃક્ષ જાતિઓ રસ્તાની બંને બાજુએ અને ઉદ્યાનોમાં વાવવામાં આવે છે. Swietenia mahoganii, Cedrela odorata અને C. toona શોભન-વૃક્ષ તરીકે અને ઇમારતી કાષ્ઠ માટે ઉપયોગી છે.
બૅન્થમ અને હૂકરે તેને ચાર જનજાતિઓ(tribes)માં વર્ગીકૃત કર્યું છે. બૅન્થમ અને હૂકર, ઍંગ્લર અને પ્રેન્ટલ અને બેસી તેને જિરાનિયેલ્સ ગોત્રમાં, રેન્ડલ અને તખ્તજાન રુટેલ્સ ગોત્રમાં, ક્રોન્ક્વિસ્ટ સેપિન્ડેલ્સ ગોત્રમાં અને હચિન્સન મેલિયેલ્સ ગોત્રમાં મૂકે છે. હચિન્સનના મત પ્રમાણે મેલિયેલ્સ અને રુટેલ્સ ગોત્રોનો સમાંતર ઉદ્વિકાસ થયો છે; પરંતુ મેલિયેલ્સમાં પર્ણો સુગંધિત ગ્રંથિઓ ધરાવતાં નથી અને પુંકેસરીય નલિકાનું નિર્માણ થાય છે. આ લક્ષણો રુટેલ્સ ગોત્રથી અલગ પડે છે.
મેલિયેસીનું આણ્વિક જાતિવિકાસવિજ્ઞાન (phylogenetics) :
મેલિયેસીનો આણ્વિક જાતિવિકાસવિજ્ઞાનનો અભ્યાસ કોષકેન્દ્રીય અને હરિતકણીય DNAની શૃંખલાઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ કુળનાં હાલનાં બધાં ચાર માન્ય ઉપકુળ અને બે જનજાતિઓ (tribes) (અનુક્રમે 32 પ્રજાતિઓ અને 35 જાતિઓ)નો ત્રણ પ્રદેશમાંથી DNAની શૃખંલાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો : હરિતકણીય જનીનો, rbcL, matK (અંશત:) અને કોષકેન્દ્રીય 26SrDNA (અંશત:)
આ થોડાક વિશ્લેષણોનાં પરિણામો માત્ર બે જ ઉપકુળો (મેલિઑઈડી અને સ્વીટેનિઑઈડી)ની માન્યતાને અનુમોદન આપે છે, જેઓ દૂહિતા સમૂહો છે. પહેલા માન્યતા પામેલી એક માત્ર જનજાતિ મેલિઈને એકસ્રોતોદભવી (monophyletic) તરીકે ભારપૂર્વક અનુમોદન આપવામાં આવ્યું છે. બે નાનાં એકપ્રજાતીય(monogeneric) ઉપકુળોના સભ્યો Quivisianthe અને Capuronianthus અનુક્રમે મેલિઑઈડી અને સ્વીટેનિઑઈડીમાં ગોઠવાય છે. આ ઉપકુળોમાં કરવામાં આવેલા તેમના સમાવેશનો આ વિશ્લેષણો ટેકો આપે છે. ઉપરાંત, ઍગ્લેઈ અને ગ્વારિઈ વચ્ચે આ અભ્યાસ ગાઢ સંબંધ હોવાનું તથા સિડ્રેલી અને સ્વીટેનિઑઈડી એકસ્રોતોદભવી હોવાની સંભાવ્યતા સૂચવે છે, ટ્રાઈકીલીઈ(મેલિઑઈડ) અને સ્વીટેનિઈ (સ્વીટેનિઑઈડી) એકસ્રોતોદભવી નહિ હોવાનું દર્શાવે છે.
બળદેવભાઈ પટેલ