મેલાસ્ટોમેસી (મેલાસ્ટોમેટેસી) : વનસ્પતિઓના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલું એક કુળ. તે લગભગ 200 પ્રજાતિઓ અને 4,500 જાતિઓ ધરાવતું સર્વોષ્ણકટિબંધી (pantropical) કુળ છે. તે પૈકી 3,000 જેટલી જાતિઓ અમેરિકામાં થાય છે. બ્રાઝિલના જે ભાગોમાં તેની જાતિઓ વિપુલ પ્રમાણમાં થાય છે ત્યાંના વનસ્પતિસમૂહનું આ કુળ એક લાક્ષણિક ઘટક બનાવે છે. અમેરિકામાં તે પૂર્વ અને દક્ષિણ-પૂર્વમાં જ થાય છે; જ્યાં Rhexiaની લગભગ 10 જાતિઓ સ્થાનિક (indigenous) છે. આ કુળની સૌથી મોટી પ્રજાતિઓમાં Miconia (900 કે તેથી વધારે જાતિઓ), Tibouchina (200થી વધારે જાતિઓ), Leandra (200 જાતિઓ), Clidemia (160 જાતિઓ), Medinilla (160 જાતિઓ), Memecyclon (130 જાતિઓ) અને Sonerila(70 જાતિઓ)નો સમાવેશ થાય છે.
આ કુળની વનસ્પતિઓ શાકીય, ક્ષુપ અથવા વૃક્ષ-સ્વરૂપની, ટટ્ટાર, આરોહી (climbing) કે પરરોહી (epiphytic) હોય છે. પર્ણો સાદાં, સામાન્યત; સંમુખ-ચતુષ્ક (opposite decussate), યુગ્મ પૈકીમાંનું એક પર્ણ બીજા પર્ણ કરતાં નાનું, ક્વચિત જ એકાંતરિક (યુગ્મ પૈકીમાંનું એક પર્ણ સંપૂર્ણ અપકર્ષ પામે છે.), તૈલી-ગ્રંથિઓ વિનાનાં અને અનુપપર્ણીય હોય છે. તેનો શિરાવિન્યાસ પાણિવત્ (palmate) હોય છે અને 3થી 9 વધતે-ઓછે અંશે સમાંતર મુખ્ય શિરાઓ આડી શિરાઓ દ્વારા પરસ્પર જોડાય છે.
પુષ્પવિન્યાસ અગ્રીમ કે કક્ષીય લઘુપુષ્પગુચ્છી (paniculate) પરિમિત (cymose) પ્રકારનો, પુષ્પો નિયમિત (અથવા સહેજ અનિયમિત), દ્વિલિંગી, ચતુરવયવી કે પંચાવયવી, પરિજાય (perigynous) કે ઉપરિજાય (epigynous) અને પુષ્પમુકુટ (corona) વિનાનાં હોય છે. વજ્ર 5 વજ્રપત્રોનું બનેલું અને ધારાસ્પર્શી (valvate) હોય છે અથવા તે જોડાઈને છત્ર (hood) જેવી રચના બનાવે છે. દલપુંજ 5 દલપત્રોનો બનેલો, મુક્ત, કોરછાદી (imbricate) અથવા સંવલિત (convolute) હોય છે. પુંકેસરો દલપત્રોથી બેગણા, દ્વિચક્રીય, ભાગ્યે જ દલપત્રો જેટલા અને એકચક્રીય કે બેગણાથી વધારે હોય છે. પુંકેસર તંતુઓ મુક્ત, ઘણી વાર જાનુનત (geniculate) અને કલિકામાં અંતર્ભૂત (inflexed) હોય છે. પરાગાશયો દ્વિખંડી, અંતર્મુખી (introse) અને તલલગ્ન (basifixed) હોય છે. તેનું સ્ફોટન એક અગ્રસ્થ છિદ્ર (ભાગ્યે જ લંબવર્તી કે પ્રત્યેક ખંડ માટે એક છિદ્ર) દ્વારા થાય છે. યોજી (Connective)ઘણી વાર વિવિધ ઉપાંગો ધરાવતી હોય છે. સ્ત્રીકેસરચક્ર 4થી 14 સ્ત્રીકેસરના જોડાણથી બને છે. બીજાશય સામાન્ય રીતે અધ:સ્થ (inferior) હોય છે. જરાયુવિન્યાસ 4થી 14 જેટલાં કોટરો ધરાવતો અક્ષવર્તી (axile) કે ક્વચિત જ દેખાવે તલસ્થ (basal) પ્રકારનો હોય છે. પ્રત્યેક જરાયુ ઉપર અસંખ્ય અધોમુખી (anatropous) અંડકો આવેલાં હોય છે. પરાગવાહિની અને પરાગાસન એક અને સાદાં હોય છે. ફળ વિવરીય (loculicidal), પ્રાવર (capsule) કે અનષ્ઠિલ (berry) પ્રકારનાં હોય છે. બીજ અભ્રૂણપોષી (nonendospermic) હોય છે અને અત્યંત નાનો ભ્રૂણ ધરાવે છે.
આ કુળ તેના પર્ણના શિરાવિન્યાસ અને પુંકેસરોની બાહ્યાકાર-વિદ્યા દ્વારા સરળતાથી ઓળખી શકાય છે.
આ કુળની આર્થિક અગત્ય ઘણી ઓછી છે. Rhexia, Tibouchina, Heterocentron અને Medinellaની કેટલીક જાતિઓ શોભન-વનસ્પતિઓ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે.
બળદેવભાઈ પટેલ