મેરી હદીસે ઉમ્રે ગુરેઝાં (1963) : ઉર્દૂ કવિ આનંદ નારાયણ મુલ્લા(જ. 1901)નો કાવ્યસંગ્રહ. કવિનો આ ત્રીજો સંગ્રહ છે; પરંતુ તેમાં અગાઉના બે કાવ્યસંગ્રહોનાં કેટલાંક કાવ્યો પણ લેવાયાં છે. ન્યાયાધીશ તરીકેના વ્યવસાયમાં પ્રવૃત્ત રહેવાથી તેઓ કાવ્યલેખન પરત્વે પૂરતો સમય ફાળવી શક્યા નથી. આમ છતાં સમકાલીન ઉર્દૂ કવિઓમાં તેઓ એક અગ્રણી કવિ લેખાય છે.
કિશોરાવસ્થામાં જ તેઓ અંગ્રેજી તથા ઉર્દૂમાં કાવ્યો લખતા થયા હતા અને થોડા જ સમયમાં નામના પામ્યા હતા. સમગ્ર ઉત્તર ભારતનાં તમામ કવિ-સંમેલનો તથા મુશાયરામાં નિયમિત ભાગ લેનારાઓમાં તેઓ પણ ઉલ્લેખનીય છે.
તેમનાં કાવ્યોમાંથી કેટલાંક મનોવૈજ્ઞાનિક તથ્યો બહાર આવતાં વરતાય છે. એ તથ્યો અપરિચિત નથી, પરંતુ તેમની પૂર્વે કોઈએ તેનું કાવ્યાલેખન પણ નથી કર્યું. તેમના નામી સમકાલીનો કરતાં તેઓ ગઝલ-લખાવટમાં વિશેષ સંયત બાનીનો પ્રયોગ કરે છે; વળી કાવ્યવિષયની તેમની અભિવ્યક્તિ હંમેશાં તાજગીસભર હોય છે. તેમની ગઝલો અન્ય કાવ્યો કરતાં વધારે વિચારપ્રેરક છે અને તેમનો અભિગમ પણ તદનુરૂપ રહ્યો છે.
આ કાવ્યસંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1964ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.
મહેશ ચોકસી