મેરિયમ, ચાર્લ્સ એડ્વર્ડ (જ. 15 નવેમ્બર 1874, હોપકિન્ટન, લોવા, અમેરિકા; અ. 8 જાન્યુઆરી 1953) : રાજ્યશાસ્ત્રના જાણીતા પ્રાધ્યાપક. રાજકારણમાં નવા ર્દષ્ટિકોણથી વિચારવાનો સિલસિલો અમેરિકન પોલિટિકલ સાયન્સ ઍસોસિયેશન – ‘આપ્સા’ – નાં વાર્ષિક અધિવેશનોમાં આરંભાયો. આ દિશામાં મેરિયમે નોંધપાત્ર કામગીરી બજાવી. 1925માં ‘આપ્સા’ના અધ્યક્ષીય પ્રવચન દરમિયાન તેમણે જણાવ્યું કે આપણા સમયની સૌથી મોટી આવશ્યકતા રાજ્યશાસ્ત્રના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અને તકનીકનો વિકાસ કરવાની છે. રાજકીય વર્તન-વ્યવહારને આપણે આપણા અભ્યાસનું કેન્દ્રબિંદુ બનાવવાં જોઈએ. આ વિચારો દ્વારા તેમણે રાજ્યશાસ્ત્રની વર્તનલક્ષી વિદ્યાશાખા માટે આધાર તૈયાર કર્યો, જે અનુભવજન્ય અભ્યાસપદ્ધતિ તરીકે પણ ઓળખાય છે.
આ પૂર્વેનું રાજ્યશાસ્ત્ર ત્યારથી પરંપરાગત રાજ્યશાસ્ત્ર તરીકે ઓળખાયું. તેમાં ઘટના, પદ્ધતિઓ અને વ્યવહારનો અભ્યાસ થતો નહિ. વધુમાં રાજકીય સંસ્થાઓ અને પદ્ધતિઓ કેમ ચાલવી જોઈએ એવા આદર્શો વિશે વાત થતી, પરંતુ વાસ્તવમાં જે રીતે આ સંસ્થાઓ ચાલતી તેનો ભાગ્યે જ અભ્યાસ થતો; દા.ત., પક્ષો કે મતદારોએ આદર્શ રીતે કેવી રીતે ચાલવું તેની સૈદ્ધાંતિક ચર્ચાઓ થતી, પરંતુ તેમાં પક્ષો અને મતદારોનાં વર્તન-વ્યવહારના અભ્યાસને સ્થાન મળતું નહિ. આથી આદર્શ અને વ્યવહાર વચ્ચે ભારે મોટો તફાવત ઊભો થતો હતો. એટલે કે પરંપરાગત રાજ્યશાસ્ત્રનું અધ્યયન ઔપચારિક હતું અને તેથી તે વાસ્તવિકતાથી ઘણું દૂર હતું.
રાજ્યશાસ્ત્રની આ મર્યાદાઓ પરત્વે મેરિયમે ધ્યાન દોર્યું; એટલું જ નહિ, પરંતુ પક્ષો, સરકારો કે લોકોના વર્તનને આધારે રાજ્યશાસ્ત્રને સમજવા-સમજાવવાની વિવિધ પદ્ધતિઓ વિકસાવી અને તે દ્વારા રાજ્યશાસ્ત્રને વિસ્તાર અને ઊંડાઈ બંને અર્પ્યાં.
રાજકારણને સમજવા માટે માનવસ્વભાવ (નેતા તથા નાગરિકના વ્યક્તિત્વ અને વર્તન) પર ભાર મૂકીને મનોવૈજ્ઞાનિક અભિગમ પ્રયોજવા પર તેમણે ભાર મૂક્યો. ગ્રેહામ વૉલેસના ગ્રંથ ‘હ્યૂમન નેચર ઇન પૉલિટિક્સ’ને આ માટે આધારરૂપ લેખવામાં આવ્યો. તો શાસન-પ્રક્રિયા કે રાજકારણની વાસ્તવિકતાને વિચારવા માટે સમાજશાસ્ત્રીય અભિગમ પર ભાર મૂકવામાં આવ્યો. તે માટે આર્થર બેન્ટલીનો ગ્રંથ ‘ધ પ્રોસેસ ઑવ્ ધ ગવર્નમેન્ટ – અ સ્ટડી ઑવ્ સોશિયલ પ્રોસેસ’ને આધારરૂપ લેખવામાં આવ્યો. આમ રાજ્યશાસ્ત્રમાં આંતરવિદ્યાકીય અભિગમનો પાયો નંખાયો. તેમણે ‘ન્યૂ આસ્પેક્ટ્સ ઑવ્ પૉલિટિક્સ’ (1925) ગ્રંથ પ્રકાશિત કર્યો, જે દ્વારા માનવવર્તનનો અધિક વિશ્વાસપૂર્વક અને કુશળતાપૂર્વક અભ્યાસ કરી શકાય તેવું રાજ્યશાસ્ત્ર વિકસાવવા માટેનો પાયો બાંધ્યો. વધુમાં વિભાવનાઓ અને ઘટનાઓની સમજ વિકસાવવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનોની જેમ ધારણા, ચકાસણી, તપાસણી, વિશ્લેષણ વગેરેનો રાજ્યશાસ્ત્રીઓએ ઉપયોગ કરવો જોઈએ તેવો આગ્રહ સેવ્યો. 1930માં ફ્રકલિન રૂઝવેલ્ટની સરકારની ઘણી સલાહકાર સમિતિઓના તેઓ સભ્ય હતા. ઉપરાંત શિકાગોના સ્થાનિક રાજકારણમાં પણ તેઓ ઘણાં વર્ષો સક્રિય રહ્યા હતા.
શિકાગો યુનિવર્સિટીમાંના અધ્યાપનકાર્ય (1900થી 1940) દરમિયાન તેમણે આ વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રને સુપેરે વિકસાવી તેજસ્વી વિદ્યાર્થીઓની હરોળ તૈયાર કરી. એક આંદોલન છેડ્યું, જેથી આ વિષય વૈજ્ઞાનિક સ્વરૂપ અને સત્વ પામી શકે. હૅરલ્ડ લાસવેલ, હૅરલ્ડ ગોસનેલ, લિયૉનાર્દ વ્હાઇટ, ફ્રેડ્રિક શૂમા, ગૅબ્રિયલ આલ્મૉન્ડ, એવરી લાઇસરસન જેવા વિદ્વાનોએ આ દિશામાં મહત્વનો ફાળો આપ્યો. આ કારણોથી રાજકીય વર્તનના અભ્યાસને બળ મળ્યું. 1950થી 1965 સુધીના દોઢ દાયકામાં આ વર્તનવાદી આંદોલન રચના અને અસરની ર્દષ્ટિએ પરાકાષ્ઠાએ પહોંચ્યું, જે તેમના જેવા વિદ્વાનોના અથાગ પ્રયાસોને આભારી હતું. આથી રાજ્યશાસ્ત્રની વર્તનલક્ષી વિદ્યાશાખા ઉદભવી અને વિકસી, જે પ્રારંભે ‘શિકાગો સ્કૂલ’ તરીકે ઓળખાતી હતી.
‘ધી અમેરિકન પાર્ટી સિસ્ટમ’ (1922), ‘ધ રોલ ઑવ્ પૉલિટિક્સ ઇન સોશિયલ ચેઇન્જ’ (1936), ‘ધ ન્યૂ ડેમૉક્રસી ઍન્ડ ધ ન્યૂ ડેસ્પૉટિઝમ’ (1939) અને ‘સિસ્ટમૅટિક પૉલિટિક્સ’ (1945) રાજ્યશાસ્ત્રમાં નવી શૈલી અભિવ્યક્ત કરતા તેમના જાણીતા ગ્રંથો છે.
રક્ષા મ. વ્યાસ