મેયો કુટુંબ : અમેરિકાના રોચેસ્ટર(Rochester)માં આવેલા મેયો ક્લિનિક તથા મેયો ફાઉન્ડેશન ફૉર મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચના સ્થાપક, જૂથચિકિત્સાના પ્રણેતા અને આગળ પડતા સર્જ્યન–તબીબોનું ત્રણ પેઢીનું કુટુંબ. સન 1945માં મૂળ ઇંગ્લૅન્ડના વિલિયમ વૉરેલ મેયો અમેરિકાના મિનેસોટા રાજ્યના રોચેસ્ટરમાં આવીને વસ્યા. તેમના કુટુંબમાં સતત 3 પેઢીઓ સુધી આગળ પડતા સર્જ્યનો પાક્યા, જેમણે આધુનિક શસ્ત્રક્રિયાવિદ્યામાં ઘણો ફાળો આપ્યો છે. વિલિયમ વૉરેલ મેયો (1819–1911), તેમના બે પુત્રો વિલિયમ જેમ્સ મેયો (1861–1939) અને ચાર્લ્સ હોરેસ મેયો (1865–1939) તથા ચાર્લ્સ હૉરેસના પુત્ર ચાર્લ્સ વિલિયમ મેયો(1898–1968)ની બનેલી 3 પેઢીએ તબીબી વિદ્યાના ઇતિહાસમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરેલું છે.
વિલિયમ વૉરેલ મેયો (જ. 31 મે 1819, માન્ચેસ્ટર પાસે, ઇંગ્લૅન્ડ; અ. 6 માર્ચ 1911, રોચેસ્ટર, મિનેસોટા, અમેરિકા) સૌપ્રથમ રસાયણવિદ્યાનો અભ્યાસ કરીને સને 1945માં અમેરિકા આવ્યા અને ત્યાં તબીબી વિદ્યાનો અભ્યાસ કર્યો. ઇંગ્લૅન્ડમાં તેમણે ઓવન્સ કૉલેજ, માન્ચેસ્ટર ખાતે અભ્યાસ કર્યો અને અમેરિકામાં તેમણે ઇન્ડિયાના મેડિકલ કૉલેજ, લા પૉર્ટે અને મિસોરી (Missouri) યુનિવર્સિટી, કૉલમ્બિયામાં અભ્યાસ કર્યો. સન 1863માં તેઓ રોચેસ્ટર આવ્યા અને શસ્ત્રક્રિયા વડે ચિકિત્સા કરવાનું શરૂ કર્યું. તેમાં તેઓ ખૂબ સફળ રહ્યા. સેન્ટ ફ્રાન્સિસની સિસ્ટરોએ તથા તેમણે રોચેસ્ટરના વાવાઝોડા(tornedo)થી અસરગ્રસ્ત થયેલાઓની સારવાર કરી. ત્યારબાદ તેમણે, સેન્ટ ફ્રાન્સિસની સિસ્ટરોએ તથા તેમના પુત્રોએ મળીને એક નવી હૉસ્પિટલ સ્થાપી. આ સેન્ટ મેરીની હૉસ્પિટલ – 1લી ઑક્ટોબર, 1889ના રોજ સ્થપાઈ. તેમાં મેયો પુત્રો મુખ્ય સર્જ્યનો તરીકે કાર્ય કરતા હતા.
વિલિયમ જેમ્સ મેયો [જ. 28 જૂન 1861, લે સ્યુઅર (Le Suour), મિનેસોટા; અ. 28 જુલાઈ 1939, રોચેસ્ટર] વિલિયમ વૉરેલ મેયોના મોટા પુત્ર હતા અને એન આર્બર(Ann Arbor)ની મિશિગન યુનિવર્સિટી દ્વારા તેમણે 1883માં એમ.ડી.ની ઉપાધિ મેળવી. તેમણે પિતા સાથે અને પાછળથી નાના ભાઈ સાથે મેડિસિન અને સર્જ્યરીની વ્યાવસાયિક ચિકિત્સાક્રિયા કરી. તેઓ હૉસ્પિટલમાં મુખ્યત્વે પ્રશાસનીય કાર્ય કરતા હતા, પરંતુ બંને ભાઈઓ મળીને મહત્વના નિર્ણયો લેતા હતા. બંને ભાઈઓએ 1905 સુધી શસ્ત્રક્રિયા કરી. તેમની તબીબી ભાગીદારીમાંથી સહકારી જૂથ ચિકિત્સાલય(co-operative group clinic)નો ઉદભવ થયો, જે પાછળથી ‘મેયો ક્લિનિક’ તરીકે ઓળખાયું. વિલિયમ જેમ્સ મેયો પેટ, પેઢું (શ્રોણી, pelvis) તથા મૂત્રપિંડની શસ્ત્રક્રિયાના વિશેષજ્ઞ તરીકે સન 1928 સુધી અને વહીવટદાર તરીકે સન 1933 સુધી કાર્યરત રહ્યા. સન 1907થી મૃત્યુ સુધી તેઓ મિનેસોટા યુનિવર્સિટીના બૉર્ડ ઑવ્ રિજેન્ટ્સ(regents)ના સભ્ય રહ્યા.
ચાર્લ્સ હોરેસ મેયો (જ. 19 જુલાઈ 1865, રોચેસ્ટર; અ. 26 મે 1939, શિકાગો) નાના ભાઈ હતા તેમને ‘શસ્ત્રક્રિયાના વિસ્મય’ (surgical wonder) તરીકે ઓળખવામાં આવતા હતા. સન 1888માં શિકાગો મેડિકલ કૉલેજ(પાછળથી જે ઉત્તરપશ્ચિમી યુનિવર્સિટી મેડિકલ સ્કૂલનો ભાગ બની)માંથી તેમણે એમ.ડી.ની ઉપાધિ મેળવી. તે વર્ષથી જ પિતા તથા મોટા ભાઈ સાથે શસ્ત્રક્રિયાના વ્યવસાયમાં જોડાયા. તેઓ બધાં જ ક્ષેત્રની શસ્ત્રક્રિયા કરતા હતા. ગળામાં થતા ગલગંડ(goitre)ની શસ્ત્રક્રિયાના અને મગજની આધુનિક શસ્ત્રક્રિયાના તેઓ સ્થાપક ગણાય છે. મોતિયો કાઢવાના તથા હાડકાં અને સાંધાને લગતી વિવિધ શસ્ત્રક્રિયાઓના તેઓ સંશોધક હતા. સન 1930માં તેઓ શસ્ત્રક્રિયાના વ્યવસાયમાંથી અને સન 1933માં તેઓ મેયો ક્લિનિકના વહીવટમાંથી નિવૃત્ત થયા. તેઓ સન 1919થી 1936 સુધી મિનેસોટા યુનિવર્સિટીની મેડિકલ સ્કૂલમાં તથા સન 1915થી 1936 સુધી મિનેસોટા ગ્રૅજ્યુએટ સ્કૂલમાં શસ્ત્રક્રિયાવિદ્યાના પ્રોફેસર રહ્યા હતા. તેમના મોટા ભાઈ તેમને અંત:સ્ફુરણાવાળું મગજ ધરાવનાર વ્યક્તિ માનતા હતા. તેમનું શરીરરચના અને ક્રિયા અંગેનું જ્ઞાન અને લોકોના વ્યક્તિત્વને ઓળખી કાઢવાની તેમની કુનેહ નવી શસ્ત્રક્રિયાઓ વિકસાવવામાં તેમને મદદરૂપ બન્યાં હતાં. તેઓ ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ના સલાહકારપદે રહી ચૂક્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે કર્નલ તરીકે તેઓ યુ.એસ. લશ્કરના શસ્ત્રક્રિયાલક્ષી વિભાગના વડા રહી ચૂક્યા હતા. આ પદે તેમણે અને તેમના ભાઈએ વારાફરતી સેવાઓ આપી હતી. યુદ્ધ પછી બંને ભાઈઓને મેડિકલ-કૉર રિઝર્વના બ્રિગેડિયર જનરલ તરીકે નિયુક્ત કરાયા હતા.
ચાર્લ્સ વિલિયમ મેયો (જ. 28 જુલાઈ 1898, રોચેસ્ટર; અ. 28 જુલાઈ 1968, રોચેસ્ટર) નાના ભાઈ ચાર્લ્સ હોરેસના પુત્ર હતા. તેઓ કુશળ શસ્ત્રક્રિયાવિદ, મેયો ક્લિનિકના બૉર્ડ ઑવ્ ગવર્નર્સના સભ્ય, મેયો ઍસોસિયેશનના પ્રમુખ, બૉર્ડ ઑવ્ રિજેન્ટ્સ (regents) ઑવ્ મિનેસોટા યુનિવર્સિટીના સભ્ય તથા સન 1961–1967માં તેના પ્રમુખ રહી ચૂક્યા હતા. સન 1953માં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની આઠમી પ્રમુખસભા(plenery session)માં તેમણે અમેરિકાના પ્રતિનિધિ-મંડળના સભ્ય તરીકે વ્યાખ્યાન આપ્યું હતું, જે આજે પણ યાદગાર ગણાય છે.
1900ના શરૂઆતનાં વર્ષોમાં મેયો કુટુંબ દ્વારા સ્પથાયેલું ચિકિત્સાજૂથ મોટું થતું ગયું. તેમાં અનેક યુવાન તબીબો, વૈજ્ઞાનિકો તથા સંશોધકો જોડાયા. સન 1919માં મેયો પરિવારની મિલકતો અને મૂડીને મેયો પૉપર્ટી ઍસોસિયેશનમાં તબદીલ કરાઈ. આ સંસ્થા પાછળથી મેયો ઍસોસિયેશનના નામે ઓળખાઈ. તે એક સેવાભાવી શૈક્ષણિક સંસ્થા બની. સન 1900ની આસપાસમાં મેયો ક્લિનિક પણ અંગત ભાગીદારીની સંસ્થાને બદલે તબીબો અને સંબંધિત ક્ષેત્રોના તજ્જ્ઞોનો એક સ્વયંસેવાભાવી સંઘ બન્યો. વીસમી સદીના પાછલા ભાગમાં મેયો ક્લિનિક 500 તબીબોવાળી અને દર વર્ષે 2,00,000 દર્દીઓને સારવાર આપતી સંસ્થા બની. સન 1915માં મેયો ભાઈઓએ યુનિવર્સિટી ઑવ્ મિનેસોટાને $ 1,500,000નું દાન આપ્યું, જેમાંથી રોચેસ્ટર ખાતે શૈક્ષણિક અને સંશોધન માટેનું મેયો ફાઉન્ડેશન સ્થપાયું.
શિલીન નં. શુક્લ