મેયર, મિશેલ (Mayor, Michel)

February, 2002

મેયર, મિશેલ (Mayor, Michel) જ. 12 જાન્યુઆરી 1942, લોસાન, સ્વિટ્ઝર્લૅન્ડ) : સૂર્ય સમાન તારાની આસપાસ પરિભ્રમણ કરતા તથા સૂર્યમાળાની બહાર આવેલા અક નવીન ગ્રહની (exoplanet) શોધ માટે 2019નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક-ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો તથા અન્ય ભાગ ડિડિયેર કેલોઝ અને જેમ્સ પીબલ્સને પ્રાપ્ત થયો હતો.

મિશેલ મેયર

મિશેલ મેયરે 1966માં યુનિવર્સિટી ઑવ્ લોસાનમાંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી તથા 1971માં જિનીવા વેધશાળામાંથી ખગોળશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજમાં સંશોધક બન્યા. 1988માં યુનિવર્સિટી ઑવ્ જિનીવામાં પ્રાધ્યાપકનું સ્થાન અને તે પછી જિનીવા વેધશાળામાં નિર્દેશકનું પદ મેળવ્યું. મેયરના સંશોધનના મુખ્ય વિષયોમાં સૂર્યમાળાની બહારના ગ્રહો, વૈજ્ઞાનિક ઉપકરણો(યંત્રો)નો વિકાસ, યુગ્મ તારાઓ (binary stars), આકાશગંગાઓનું બંધારણ અને ગતિશાસ્ત્રનો સમાવેશ થાય છે.

ખગોળીય પદાર્થોની ગતિનો અભ્યાસ કરવા માટે મેયરે ડૉપ્લર સ્પેક્ટ્રોમીટર વિકસાવ્યું હતું. 1994માં જિનીવામાં આ યંત્ર કાર્યરત થતાં મેયર તથા તેમના પીએચ.ડી. વિદ્યાર્થી ડિડિયેર કેલોઝે સૂર્ય-સમાન તારાઓનો અભ્યાસ શરૂ કર્યો. 1995ના જુલાઈમાં 51 પેગાસી નામે તારાનો અભ્યાસ કરતા તેમને જણાયું કે 51 પેગાસીની આસપાસ પરિભ્રમણ કરતો એક ગ્રહ છે, જેને 51 પેગાસી બી (51 Pegasi b) નામ આપવામાં આવ્યું. સૂર્યમંડળની બહાર તથા તારાઓની મુખ્ય શ્રેણી(Main Sequence)માં મળી આવેલો આ પ્રથમ ગ્રહ (exoplanet) હતો. તે ગુરુ (hot-Jupiter) સમાન ગ્રહ હતો. આ શોધ માટે તેમને 2019નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો.

મિશેલ મેયર અનેક ઇનામો તથા ખિતાબોથી સન્માનિત થયા છે. 2004માં તેમને આલ્બર્ટ આઇન્સ્ટાઇન ચંદ્રક અર્પણ કરવામાં આવ્યો. 2015માં તેમને રૉયલ ઍસ્ટ્રેનૉમિકલ સોસાયટી દ્વારા સુવર્ણચંદ્રક એનાયત થયો. 2017માં તેમને ભૌતિકશાસ્ત્રમાં વુલ્ફ પ્રાઇઝ પ્રાપ્ત થયું. હાલમાં તેઓ યુનિવર્સિટી ઑવ્ જિનીવામાં નિવૃત્ત પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે.

પૂરવી ઝવેરી