મેમ્ફિસ (યુ.એસ.) : યુ.એસ.ના ટેનેસી રાજ્યનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 35° 08´ ઉ. અ. અને 90° 10´ પ. રે. પર રાજ્યના નૈર્ઋત્ય કોણમાં મિસિસિપી નદીના પૂર્વ કાંઠે વસેલું છે અને 730 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. શેલ્બી પરગણાનું તે મુખ્ય મથક પણ છે. આજે તે પશ્ચિમ ટેનેસી અને પડોશી રાજ્યોના વ્યાપારી અને ઔદ્યોગિક મથક તરીકે જાણીતું બનેલું છે. તેની વસ્તી 6,50,100 અને મહાનગરની વસ્તી 11,35,614 (2010) જેટલી છે.
આ શહેરનો શરૂઆતનો વિકાસ તેના કપાસ અને નદી દ્વારા થતા વેપાર પર આધારિત હતો. 1900 સુધીમાં તો દુનિયાભરનું કપાસ અને સખત લાકડાં માટેનું તે બજાર બની રહેલું; હજી પણ તે આ પ્રવૃત્તિઓમાં અગ્રિમ સ્થાને છે. 1945માં બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી થયેલા ઔદ્યોગિક વિકાસથી તે આજે મોટું શહેરી મથક બની રહેલું છે; એટલું જ નહિ, પરંતુ તે ઉચ્ચ શિક્ષણ, તબીબી સ્વાસ્થ્યસંભાળ, મોટેલ-વિકાસ અને સંગૃહીત સંગીતનું કેન્દ્ર પણ બની રહેલું છે.
મિસિસિપી નદી આ શહેરની પશ્ચિમે વહે છે. ટેનેસી-મિસિસિપી રાજ્ય સરહદરેખા શહેરની દક્ષિણ સીમા રચે છે. મધ્ય મેમ્ફિસની દક્ષિણ ધાર પર બીલ શેરી (Beale Street) આવેલી છે, ત્યાં ડબ્લ્યૂ. સી. હૅન્ડીએ સંગીતનિયોજક તરીકે કામ કરેલું. ‘બીલ સ્ટ્રીટ બ્લૂઝ’ નામનાં હૅન્ડીનાં શ્રેષ્ઠ ગીતોને કારણે આ શેરી ખૂબ જાણીતી બનેલી છે. 1970ના દશકાનાં છેલ્લાં વર્ષો પછીથી રાજકીય નેતાઓએ મેમ્ફિસના ધંધાઓનો પુનર્વિકાસ થાય તે માટે પ્રયાસો કર્યા છે. જાણીતા રૉકસંગીતગાયક એલ્વિસ પ્રેસલીની સ્થાવર મિલકત પણ દક્ષિણ મેમ્ફિસમાં આવેલી છે. 1977માં તે મૃત્યુ પામ્યો. તેને ત્યાં જ દફનાવવામાં આવેલો છે. દર વર્ષે ઘણા સંગીતપ્રેમીઓ અહીં આવી તેને અંજલિ આપે છે.
મેમ્ફિસની 50 % વસ્તી અશ્વેતોની છે, બાકીના 50 % પૈકી અન્ય સમૂહોમાં ક્રમ પ્રમાણે અંગ્રેજો, આયરિશ, જર્મન અને ઇટાલિયનો છે. અશ્વેતોની ગરીબી મેમ્ફિસ માટે એક પ્રાણપ્રશ્ર્ન થઈ પડી છે. તેઓ શહેરના મધ્યભાગમાં નાના નાના આવાસોમાં ગીચોગીચ વસે છે. તેઓ શિક્ષણ અને કાર્યકુશળતામાં ખૂબ પછાત છે. અન્ય શહેરોની જેમ અહીં પણ કોમી તોફાનો થતાં રહે છે. 1968માં શહેરના અશ્વેત આરોગ્ય-કામદારોએ હડતાળ પાડેલી ત્યારે તેના સમર્થનમાં નાગરિક હકો માટે લડતા અગ્રણી નેતા માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) આવેલા. તેમની ઇલિનૉઇના નિવાસી અને ભાગતા ફરતા ગુનેગાર જેમ્સ અર્લ રે દ્વારા હત્યા થયેલી. કોમી સંબંધો ત્યારે કથળેલા, પરંતુ શ્વેત-અશ્વેત નેતાઓએ ભેગા મળીને સમાધાન કરેલું. માર્ટિન લ્યૂથર કિંગના મૃત્યુ બાદ અશ્વેતો માટેની નિવાસી વ્યવસ્થામાં સુધારો કરવાના પ્રયાસો થયેલા.
મેમ્ફિસ મિસિસિપી પરનું (નદી)બંદર પણ છે, ત્યાંથી દર વર્ષે મોટા પાયા પર માલની હેરફેર થતી રહે છે. અહીંથી વહાણો ભરીને દુનિયાના જુદા જુદા ભાગોમાં માલની નિકાસ થાય છે. અહીંનાં મુખ્ય ઔદ્યોગિક ઉત્પાદનોમાં ક્રમ પ્રમાણે રસાયણો, ખોરાક અને ખાદ્યપ્રક્રમણ પેદાશો, કાગળ અને તેની પેદાશો, વીજસાધનો, બિનવીજળિક યંત્રસામગ્રી તેમજ લાકડાં અને તેની પેદાશોનો સમાવેશ થાય છે. મેમ્ફિસ સખત લાકડાંમાંથી તૈયાર કરાતી ફર્શ (floor) સામગ્રીના ઉત્પાદનનું મુખ્ય મથક બની રહેલું છે. શહેરના અર્થતંત્રમાં સેવા-ઉદ્યોગ પણ મહત્વનો ભાગ ભજવે છે. વૅકેશન ગાળવા આવતા પ્રવાસીઓ માટે મોટેલોની વ્યવસ્થા અહીં સારા પ્રમાણમાં વિકસી છે. આજુબાજુના પ્રદેશો માટેનું બજાર પણ અહીં વિકસેલું છે. તે પૈકી કપાસ અને લાકડાંનો વેપાર મુખ્ય છે. આ ઉપરાંત સંગીતનું ધ્વનિમુદ્રણ કરવાની કામગીરી પણ અહીં મોટા પાયા પર થાય છે.
ગિરીશભાઈ પંડ્યા