મેન્યૂહિન, યહૂદી (જ. 22 એપ્રિલ 1916, ન્યૂયૉર્ક; અ. 13 માર્ચ 1999, બર્લિન) : જગવિખ્યાત વાયોલિનવાદક. વીસમી સદીના પ્રારંભમાં પૅલેસ્ટાઇનથી અમેરિકા સ્થળાંતર કરી ગયેલા એક રશિયન યહૂદી દંપતીના પુત્ર. પિતા કૅલિફૉર્નિયામાં હીબ્રૂ ભાષાના શિક્ષક. મેન્યૂહિને 4 વર્ષની ઉંમરે સાનફ્રાન્સિસ્કો, રુમાનિયા, પૅરિસ અને સ્વિટ્ઝર્લૅન્ડમાં મહાન ઉસ્તાદો પાસેથી વાયોલિન જેવા અઘરા વાદ્ય પર તાલીમ લીધી. માત્ર 7 વર્ષની ઉંમરે (1924) તેમણે સાનફ્રાન્સિસ્કો સિમ્ફની ઑરકેસ્ટ્રામાં વાયોલિનવાદન દ્વારા પ્રથમ ખ્યાતિ પ્રાપ્ત કરી. 1925માં પ્રથમ જાહેર કાર્યક્રમ આપ્યો. 11 વર્ષની વયે બાર્શેક અને એલ્ગરના સ્વરનિયોજનની બારીકાઈ ગ્રહણ કરીને એક ઉસ્તાદ તરીકે તેની રજૂઆત દ્વારા તેમણે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મેળવી. ત્યારથી તેઓ અસાધારણ બુદ્ધિશક્તિવાળા વાદક તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન અમેરિકા અને સાથી રાજ્યો તથા રેડક્રૉસના લાભાર્થે, ખાસ આમંત્રણથી મૉસ્કોમાં અને તેવી જ રીતે ઇઝરાયલ તથા જાપાનમાં પણ જાહેર કાર્યક્રમો આપ્યા. 1952માં પંડિત નહેરુના આમંત્રણથી પહેલી વાર તેઓ ભારત આવ્યા અને કાર્યક્રમો કર્યા. 1955માં અમેરિકા અને રશિયા વચ્ચેના સાંસ્કૃતિક વિનિમયમાં તેમનો ફાળો ઘણો મોટો હતો. 1957માં તેમણે સ્વિટ્ઝર્લૅન્ડમાં એક મોટો કાર્યક્રમ યોજ્યો હતો. આમ તેમણે વિશ્વના 73 દેશોમાં 500 જેટલા કાર્યક્રમો આપ્યા હતા.
1959માં તેઓ ઇંગ્લૅન્ડના નિવાસી બન્યા. 1962માં તેમણે લંડન નજીક બાળકો માટે સંગીતશાળાની સ્થાપના કરી. 1966માં ઇંગ્લૅન્ડના બાખ સંગીત સમારોહમાં વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર સાથેની તેમની ભારતીય તિલંગ રાગને મળતા સ્વર-કાકલી રાગ પરની જુગલબંદી રજૂ કરાઈ હતી. 1967માં રાષ્ટ્રસંઘ ખાતે તેઓ બંનેએ રાગ પીલુની જુગલબંદી રજૂ કરીને જુદા જુદા દેશોના પ્રતિનિધિઓને મંત્રમુગ્ધ કર્યા. હિઝ માસ્ટર્સ વૉઇસ (HMV) કંપનીએ બહાર પાડેલી આ જુગલબંદીની રેકૉર્ડોએ જાહેર વેચાણનો નવો વિક્રમ સ્થાપ્યો. આ બંને રાગ ઉપરાંત ‘પ્રભાત’ અને રાગ ‘પૂરિયા-ધનાશ્રી’ અંગેની તેમની જુગલબંદીની રેકૉર્ડો ‘ઈસ્ટ મીટ્સ વેસ્ટ’ નામથી જાણીતી છે.
1985માં તેઓ ઇંગ્લૅન્ડના નાગરિક બન્યા. 1987માં તે દેશનાં મહારાણીએ ‘નાઇટહુડના’ ખિતાબથી તેમનું સન્માન કર્યું. 1993માં તેમને હાઉસ ઑવ્ લૉર્ડ્ઝનું સભ્યપદ એનાયત કરવામાં આવ્યું. વિવિધ દેશોની યુનિવર્સિટીઓએ તેમને ડૉક્ટરેટની પદવીઓ બક્ષી, ફ્રાન્સે તેમને ‘લીજન ઑવ્ ઑનર’, બેલ્જિયમે ‘ઑર્ડર ઑવ્ લિયોપોલ્ડ’ અને પશ્ચિમ જર્મનીએ ‘ઑર્ડર ઑવ્ મેરિટ’થી તેમને સન્માનિત કર્યા. છેલ્લે આંતરરાષ્ટ્રીય સદભાવ માટેનું 1970ના વર્ષનું નહેરુ પારિતોષિક આપીને ભારતે પણ તેમનું બહુમાન કર્યું. ‘સ્ટેજ ડૉર કૅન્ટીન’ અને ‘મૅજિક લૉ’ નામની તેમની બે ફિલ્મો ઊતરી હતી. 1991માં ટોની પામેરના નિર્દેશન હેઠળ તેમના જીવન પર એક ફિલ્મ ‘મેન્યૂહિન : એ ફૅમિલી પૉર્ટ્રેટ’ તૈયાર કરવામાં આવી હતી. ‘અનફિનિશ્ડ જર્ની’ શીર્ષક હેઠળ તેમની આત્મકથા પ્રગટ થઈ છે.
પ્રશિષ્ટ અને આધુનિક સંગીતના નિપુણ ભાષ્યકાર તરીકે તથા પાશ્ચાત્ય અને ભારતીય શાસ્ત્રીય સંગીત વચ્ચે સમન્વય સાધનાર સંગીતજ્ઞ ને સંગીતસર્જક તરીકે વિશ્વમાં તેમનું સ્થાન અજોડ છે.
બળદેવભાઈ કનીજિયા