મેન્થૉલ (હેક્ઝાહાઇડ્રોથાયમોલ) : CH3C6H9(C3H7)OH સૂત્ર ધરાવતો એક ચક્રીય, સંતૃપ્ત, દ્વિતીયક ટર્પીન આલ્કોહૉલ. તેનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે :
તેમાં ત્રણ અસમ કાર્બન પરમાણુઓ (ફૂદડી વડે દર્શાવેલા) છે. તેથી તે આઠ પ્રકાશક્રિયાશીલ સ્વરૂપમાં મળે છે. કુદરતમાં આ આઠ પૈકી માત્ર બે, l-મેન્થૉલ તથા d-નિયોમેન્થૉલ મળે છે. બાકીના સંશ્લેષણ દ્વારા મેળવી શકાય છે. પીપરમિન્ટના તેલમાંનો મુખ્ય ઘટક (50 % થી 65 %) l-મેન્થૉલ આમાં સૌથી અગત્યનો છે.
વ્યાપારિક ધોરણે મેન્થૉલનું ઉત્પાદન મુખ્યત્વે જાપાનમાં ઉગાડાતા છોડ મેન્થા આર્વેન્સિસના તેલમાંથી કરવામાં આવે છે. આ છોડ મેક્સિકોમાં પણ મળે છે. આ રીતમાં પ્રથમ તેલને ઠંડું પાડી તેમાંથી મળતા સ્ફટિકોનું શુદ્ધીકરણ કરાય છે. મેન્થૉલમાંથી પીપરમિન્ટ તેલની વિશિષ્ટ સુવાસ આવે છે અને મોં તથા ચામડી ઉપર શીતળતાનો આભાસ આપે છે. મેન્થૉલના પ્રકાશક્રિયાશીલ સમઘટકો ધરાવતા મિશ્રણ રેસેમિક (dl-) મેન્થૉલનું ઔદ્યોગિક રીતે સંશ્લેષણ કરવામાં આવે છે.
મેન્થૉલ એ શીતલન (cooling) સ્વાદ અને વાસ ધરાવતા સફેદ સ્ફટિકો રૂપે મળે છે. l-મેન્થૉલનો ટૂથપેસ્ટ, માઉથ-વૉશ, સિગારેટ, ચૂઇંગગમ, બામ વગેરેમાં બહોળો ઉપયોગ થાય છે.
તેનું ગલનબિંદુ 41–43° સે. (l–સ્વરૂપનું), ધ્રુવીય ભ્રમણ –45° થી –51° (l–સ્વરૂપનું, 25° સે.) અને –2 થી +2 (dl–સ્વરૂપનું) છે.
તે પાણીમાં અલ્પદ્રાવ્ય, પરંતુ આલ્કોહૉલ, લાઇટ પેટ્રોલિયમ દ્રાવકો, એસેટિક ઍસિડ વગેરેમાં દ્રાવ્ય છે.
જ. પો. ત્રિવેદી