મેન્ડેલ્સ્લો, જૉન આલ્બર્ટ દ (જ. આશરે 1615; હોલ્સ્ટીન, ઉત્તર જર્મની; અ. આશરે 1645) : ગુજરાતમાં સત્તરમી સદીમાં આવેલ જર્મન પ્રવાસી. તેના પ્રવાસવર્ણનના ગ્રંથમાંથી ગુજરાતને લગતી તત્કાલીન માહિતી પ્રાપ્ત થાય છે. ઉત્તર જર્મનીના હોલ્સ્ટીન રાજ્યના ડ્યૂકે 1635માં રશિયાના મસ્કોબી તથા ઈરાન-વેપારના હેતુથી મોકલેલા પ્રતિનિધિમંડળમાં વીસ વર્ષની વયે તે જોડાયો હતો. ત્રણ વર્ષ સુધી તેમાં અનુભવ મેળવ્યા બાદ તે ઈરાની અખાતથી ‘સ્વાન’ નામના અંગ્રેજ વહાણમાં નીકળીને 1638ના એપ્રિલના અંતભાગમાં સૂરત આવ્યો. 1638માં તેણે સૂરત અને ત્યારબાદ અમદાવાદ, ખંભાત, લાહોર, આગ્રા વગેરે શહેરોની મુલાકાત લીધી હતી. મેન્ડેલ્સ્લો સૂરતથી અંકલેશ્વર, ભરૂચ, આમોદ, જંબુસર, વડોદરા, વાસદ, પેટલાદ, નડિયાદ અને વટવા થઈને અમદાવાદ ગયો હતો. ત્યાંથી પાછા ફરતાં 1638ના ડિસેમ્બરની 26મી તારીખે તે સૂરત પહોંચી ગયો હતો. સૂરતથી નીકળીને યુરોપ પાછા ફરવાની તેની મુસાફરી 1639ના જાન્યુઆરીની પાંચમી તારીખે શરૂ થઈ. તેનું વહાણ ગોવા, મૉરિશિયસ, શ્રીલંકા, કેપ ઑવ્ ગુડ હોપ, માડાગાસ્કર વગેરે સ્થળોએ રોકાઈને 16મી ડિસેમ્બર 1639ના રોજ ડાઉન્સ પહોંચ્યું; જ્યાં તેની મુસાફરીનો અંત આવ્યો.
તેના પ્રવાસવર્ણનના પુસ્તકમાં તેના મિત્ર ઓલિરિયસ અને તેના ફ્રેન્ચ અનુવાદક વીકફૉર્ટે પણ ઘણી માહિતી લખી છે, જે શંકાસ્પદ છે; પરંતુ સૂરત સહિત ગુજરાતને લગતાં તેનાં વર્ણનો જાતઅનુભવ અને નિરીક્ષણ ઉપર આધારિત હોવાથી સત્ય છે. તેણે જાતે જોઈ ન હોય તેવી વિગતો અન્ય પાસેથી મેળવીને લખી છે. તેણે કરેલા મહત્વના ઐતિહાસિક ઉલ્લેખોમાંનો એક 1630–1631ના ગુજરાતના ભયંકર દુકાળ વિશેનો છે. આ દુકાળ વિક્રમ સંવત 1687માં પડ્યો હોવાથી ગુજરાતમાં ‘સત્યાસિયો કાળ’ તરીકે ઓળખાય છે. તેની અસરો પછીનાં ઘણાં વરસો સુધી જણાતી હતી. રાંદેરને તેણે એક પુરાણા અને ઉજ્જડ થઈ ગયેલા શહેર તરીકે ઓળખાવ્યું છે. તેના જણાવ્યા મુજબ સૂરત શહેરને ત્રણ દરવાજા હતા. કિલ્લાનો અખત્યાર સંભાળનાર મુઘલ ગવર્નર શહેરના ગવર્નરથી સ્વતંત્ર હતો. શહેરના ગવર્નરનું કાર્ય ન્યાય આપવાનું તથા સૂરતમાં આયાતનિકાસ થતા માલસામાન ઉપર લેવાતી જકાત ઉપર દેખરેખ રાખવાનું હતું. સૂરત શહેરનાં સ્થળો જગતભરનાં સુંદર સ્થળો જેટલાં આનંદદાયક હતાં. અમદાવાદથી સૂરત પાછા ફરતાં ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત લૂંટારાઓએ હુમલો કર્યાનો પ્રસંગ તેણે નોંધ્યો છે. મેન્ડેલ્સ્લો જણાવે છે કે અમદાવાદના વેપારીઓના આડતિયા એશિયાના બધા ભાગોમાં અને કૉન્સ્ટન્ટિનોપલમાં રહેતા અને આથી પરદેશો ઉપરની હૂંડીઓ અહીં સહેલાઈથી મેળવી શકાતી. તેણે અમદાવાદના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરની મુલાકાત લઈ પોતાની પ્રવાસનોંધમાં એનું નિરૂપણ કર્યું છે. આ મંદિર હાલ નામશેષ હોવાથી આ વર્ણન ઘણું ઉપયોગી થાય છે. આ સમયમાં અંગ્રેજોનો વેપાર કેટલો વ્યાપક બન્યો હતો તેનો ખ્યાલ તેની નોંધ ઉપરથી આવે છે. તે જણાવે છે કે ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, આગ્રા, દાભોલ તથા મછલીપટ્ટમની અંગ્રેજ કોઠીઓ સૂરતની કોઠીના અંકુશ હેઠળ વેપાર કરતી હતી. પ્રત્યેક કોઠીના મંત્રીને તેના આખા વરસની કામગીરીનો હેવાલ આપવા વાસ્તે પ્રતિવર્ષ સૂરતની મુખ્ય કોઠીના પ્રમુખ પાસે જવું પડતું હતું.
મેન્ડેલ્સ્લોને સૂરતથી અમદાવાદ જતાં દસ દિવસનો સમય લાગ્યો હતો. તે અમદાવાદમાં દસ દિવસ રહ્યો હતો. તેણે અમદાવાદના મૈદાને શાહ બજાર, શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ જૈન દેરાસર તથા નગરના સૂબા આઝમખાનના ક્રૂરતાભર્યા વહીવટની જે માહિતી આપી છે, તે માહિતી અન્યત્ર કોઈ લખાણમાંથી મળતી નથી. મેન્ડેલ્સ્લો અમદાવાદથી ખંભાત ગયો હતો. તેણે ખંભાતના માર્ગો તથા જાહેર ઉદ્યાનોનું વર્ણન કર્યું છે. ત્યાં તેને સતી થતી સ્ત્રીનો પ્રસંગ જાતે જોવા મળ્યો હતો. તેના જણાવ્યા અનુસાર ચિતા ઉપર ચડેલી મહિલાએ રિવાજ અનુસાર પોતાનાં વીંટી, હાર જેવા દાગીના શરીર ઉપરથી કાઢીને નજીક ઊભેલાં સંબંધીઓને વહેંચી દીધા હતા. મેન્ડેલ્સ્લો ત્યારે ઘોડા પર સવાર થઈને ત્યાં ઊભો હતો. પેલી મહિલાએ આ વિદેશી તેની તરફ સહાનુભૂતિ બતાવે છે, એમ માનીને તેના તરફ એક બંગડી ફેંકી, જે તેણે ઝીલી લઈને દાનના આ પ્રસંગની કીમતી યાદગાર બક્ષિસ તરીકે પોતાની પાસે રાખી હતી.
જયકુમાર ર. શુક્લ